મનના ટ્રાફિકને કન્ટ્રોલ કરવાની સરળ વિધિ : કલાકે એક મિનિટ માટે ધ્યાન

28 June, 2024 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે દરેક ડૉક્ટર તેમના દરદીઓને એક જ સલાહ આપતા હોય છે કે સારું વિચારો અને શુભ વિચારો તો જલદી-જલદી ઠીક થઈ જશો, પરંતુ એ કરવું કઈ રીતે?

પ્રતીકાત્મક તસવીર

મોટા ભાગના મનુષ્યો આજકાલ સ્વસ્થ અને નીરોગી જીવન જીવવા માટે ‘ઉપચાર કરતાં પરેજી પાળવી ઉત્તમ’ (prevention is better then cure)વાળી પ્રખ્યાત કહેવતને ગંભીરતાપૂર્વક અનુસરી રહ્યા છે. ત્યારે જ તો આજે જેને જુઓ તે વિવિધ રોગોથી બચવા માટે તેલ, ઘી, મસાલા, ગળ્યું ખાવાની પરેજી, કાચાં શાકભાજી, ફણગાવેલાં અનાજ, ફળ વગેરેનું સેવન કરવાની સાથે-સાથે વ્યાયામ જેવી બાબતો પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, પરંતુ આ બધું તો થયું તનને સ્વસ્થ રાખવા માટે. મનને સ્વસ્થ તેમ જ નીરોગી રાખવા માટે શું આપણામાંથી કોઈએ પણ પાપ-કર્મોથી બચવા માટેની કોઈ પ્રયુક્તિ વિચારી છે ખરી? કદાચ નહીં! સામાન્ય રીતે જ્યારે આપણે કોઈને એમ કહીએ છીએ કે પાપ કરવાની પણ કંઈ પરેજી તો કરો! તો તેમની સામી દલીલ એમ હોય છે કે અમે તો ચિંતનશીલ છીએ; સારું વિચારવું, સારું કરવું, કોઈને દુઃખ ન આપવું, પરોપકારી બનીને રહેવું એ બધી વાતોની તો અમને ખબર જ છે તો પછી આનાથી વધુ પુરુષાર્થ કરવાની હવે શી જરૂર છે? પ્રશ્ન એ છે કે આવા ચિંતનશીલ અને પરોપકારી મનુષ્યોની દુનિયાની હાલત આટલી બગડેલી શા માટે? સારું વિચારનારા અને કરનારા મનુષ્યો દ્વારા જ કરવામાં આવી રહેલા આતંકવાદ, હત્યાકાંડ, અનૈતિકતા અને જુલ્મોનું કારણ શું? આનો જવાબ એ છે કે મનુષ્ય આત્માઓમાં આદિકાળથી જ સૂક્ષ્મ રૂપમાં ઘણી ખરાબીઓનાં બીજ છુપાયેલાં છે. આ ખરાબીના સંસ્કારોને કારણે, પોતાના મન, બુદ્ધિ અને કર્મેન્દ્રિયોને વશમાં રાખવા માટે તેમ જ પાપોથી બચવા માટે આ કહેવતને પ્રયોગમાં લાવવી ખૂબ જરૂરી થઇ જાય છે, ‘દુષ્કૃત્યોની સજા ભોગવવાને બદલે એની પરેજી કરો.’

કહેવાય છે કે ‘જેવા સંકલ્પો એવી સૃષ્ટિ’ અર્થાત્ આપણે જેવું વિચારીશું, આપણી આજુબાજુનો સંસાર પણ એવો જ બનશે. માટે જ તો આજે દરેક ડૉક્ટર તેમના દરદીઓને એક જ સલાહ આપતા હોય છે કે સારું વિચારો અને શુભ વિચારો તો જલદી-જલદી ઠીક થઈ જશો, પરંતુ એ કરવું કઈ રીતે? આનો જવાબ સાવ સરળ છે. જેમ આખા દિવસ દરમ્યાન દર કલાકે એક ગ્લાસ પાણી પીવાની ટેવ હોય તો શરીરને અનેક પ્રકારની વ્યાધિઓથી બચાવી શકાય છે. બરાબર એવી જ રીતે દર કલાકે જો એક મિનિટ માટે ધ્યાનાભ્યાસ (મેડિટેશન) કરવામાં આવે તો વિવિધ પ્રકારના વ્યર્થ વિચારોથી પણ સરળતાથી બચી શકાય છે. આ સરળ વિધિને ‘મનનું ટ્રાફિક કન્ટ્રોલ’ કહેવાય છે, જી હાં! તો ચાલો આજથી સવારે ઊઠવાથી લઈને રાતે સૂતા સુધી દર કલાકે એક મિનિટ માટે પોતાના સંપૂર્ણ કાર્યવ્યવહારને સ્થગિત કરી મનના વિચારોને નિયંત્રિત કરી, સ્વયંને ભૌતિક શરીરથી  અલગ ચૈતન્ય આત્મા સમજીને પરમાત્માની દિવ્ય સ્મૃતિમાં રહેવાનો અભ્યાસ કરીએ અને એ સર્વ શક્તિવાનની દિવ્ય ઊર્જા પ્રાપ્ત કરીને પાપ-કર્મોની સંપૂર્ણ પરેજી પાળવાની શક્તિ પ્રાપ્ત કરીએ. 

 

- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી (રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી આંતરરાષ્ટ્રીય વક્તા, આધ્યાત્મિક શિક્ષાવિશ્લેષક, લેખક એવમ્ એક અનુભવી મેડિટેશન શિક્ષકના રૂપમાં પ્રસિદ્ધ છે.)

yoga life and style columnists health tips