21 February, 2024 08:12 AM IST | Mumbai | Dr. Shirish Hastak
પ્રતીકાત્મક તસવીર
હું ૭૩ વર્ષનો છું અને મને એટ્રિયલ ફિબ્રિલેશનનું નિદાન થયું એટલે તાત્કાલિક મને હૉસ્પિટલાઇઝ કરવાની સલાહ આપવામાં આવી. આ સલાહ પાછળનું કારણ એ હતું કે ડૉક્ટર્સ મને ઑબ્ઝર્વેશન હેઠળ રાખવા માગતા હતા કે આ એટ્રિયલ ફિબ્રિલેશન થોડા સમય માટે છે કે પછી એમને છેલ્લા ઘણા વખતથી શરૂ થયેલો આ નવો પ્રૉબ્લેમ છે પરંતુ આ સમયમાં મને સ્ટ્રોક આવ્યો, જે હૉસ્પિટલમાં જ હોવાને કારણે તરત જ દવા મળી જવાને લીધે સફળતાપૂર્વક ટાળી શકાયો હતો. અત્યારે હું ઘરે છું અને મને દવાઓ આપી છે. હૃદયની પરિસ્થિતિ પણ સારી જ છે. પરંતુ એક ડર મને ઘૂસી ગયો છે કે ફરી સ્ટ્રોક આવશે તો કેમ ખબર પડશે? આ માટે હું કઈ રીતે સજાગ રહી શકું?
એટ્રિયલ ફિબ્રિલેશનમાં ધબકારા નિયમિત થઈ જાય છે. હૃદયના આ ધબકારાની રિધમ ખોરવાઈ જવાને લીધે શરીરમાં ક્લૉટનું નિર્માણ થવાની પૂરી શક્યતા છે. જેવી ખબર પડે કે વ્યક્તિને આ પ્રૉબ્લેમ છે તો એમને લોહી પાતળું થાય એની દવા આપવી જરૂરી છે, જેને લીધે શરીરમાં ક્લૉટ ફૉર્મેશન થવાનું રિસ્ક ઘટે. ધારીએ છીએ કે તમે ઘરે આવી ગયા પછી અનિયમિત ધબકારાની તમારી તકલીફ સાવ જતી રહી છે કે પહેલાં કરતાં સારું છે એ તમે સ્પષ્ટ જણાવ્યું નથી. એટ્રિયલ ફિબ્રિલેશનને લીધે શરીરમાં જુદી-જુદી જગ્યાએ ક્લૉટ બને છે, જેની અસર મગજ પર વધુ થાય છે. મગજમાં ક્લૉટ બને અને એને કારણે સ્ટ્રોક આવે. મહત્ત્વનું એ છે કે જ્યારે ખબર પડે કે વ્યક્તિને ધબકારામાં કોઈ પ્રકારની ગરબડ છે ને એનો તાત્કાલિક ઇલાજ કરાવવામાં આવે તો સ્ટ્રોકનું રિસ્ક ઘટી શકે છે. તમારો ઇલાજ ચાલુ છે એટલે રિસ્ક ઓછું છે, પણ સાવધાની જરૂરી છે.
સ્ટ્રોકને તમે ઘરે જાતે ચેક કરી શકો છો. બંને હાથ અને પગ ઊંચા કરો અને પાંચ સેકન્ડ સુધી હવામાં રાખી જુઓ અને એની સ્ટ્રેંગ્થ ચકાસો. ચાલતી વખતે કોઈ પણ જાતના સપોર્ટ વગર તમે ચાલી શકો છો કે નહીં એ ચકાસો. તમારા ઘરનું ઍડ્રેસ જોરથી બોલો અને જુઓ કે તમને કોઈ અઘરો શબ્દ બોલવામાં તકલીફ પડે છે કે નહીં. અરીસામાં જોઈને હસો. હસવામાં કોઈ તકલીફ પડે છે કે હસવાથી ચહેરો કંઈક વિચિત્ર લાગે છે કે નહીં એ ચકાસો. જો ઉપરમાંથી કોઈ પણ એક ચકાસણીમાં તમને સંદેહ લાગે કે તકલીફ લાગે તો તાત્કાલિક તમારી નજીકના સી. ટી. સ્કૅનની સહુલિયતવાળી હૉસ્પિટલ પહોંચો અને મગજના નિષ્ણાત ડૉક્ટરને બતાવો, કારણ કે આ સામાન્ય ચિહ્નો દર્શાવે છે કે તમને સ્ટ્રોક હોઈ શકે છે.