તમારી ત્વચા કેવી છે એ જાણ્યા વિના ન વાપરતા મુલતાની માટી

21 October, 2024 04:28 PM IST  |  Mumbai | Laxmi Vanita

ડર્મેટોલૉજિસ્ટ્સની દૃષ્ટિએ મુલતાની માટી બેધારી તલવાર જેવી છે. જો ડ્રાય સ્કિનવાળા લોકો એ વાપરે તો ત્વચાને ખૂબ નુકસાનકારક પણ નીવડી શકે છે.

મુલતાની માટી

આ માટી તો નૅચરલ કહેવાય એટલે આંખ બંધ કરીને વાપરી શકાય એવું નથી. ડર્મેટોલૉજિસ્ટ્સની દૃષ્ટિએ મુલતાની માટી બેધારી તલવાર જેવી છે. જો ડ્રાય સ્કિનવાળા લોકો એ વાપરે તો ત્વચાને ખૂબ નુકસાનકારક પણ નીવડી શકે છે. સદીઓથી બ્યુટી કૅરમાં જેનું અગ્રણી સ્થાન રહ્યું છે એ મુલતાની માટીના ઉપયોગમાં શું સાવધાની રાખવી જોઈએ એ જાણી લો

મધ્યમ વર્ગના લોકોનું ચમકતી ત્વચા મેળવવા માટેનો સસ્તો ફેસપૅક એટલે મુલતાની માટી. આ માટીનો ઉપયોગ સ્કિન કૅરમાં વર્ષોથી થતો આવ્યો છે. એને કેવી રીતે લગાવવાની અને એના ફાયદા વિશે જ મોટા ભાગના લોકો વાત કરતા હોય છે પરંતુ મુલતાની માટી બધા માટે ફાયદેમંદ નથી, એ ત્વચાને નુકસાન પણ કરી શકે છે. તેથી ડર્મેટોલૉજિસ્ટ પાસેથી જાણીએ કે મુલતાની માટીનો ઉપયોગ કરવા માટે શું ધ્યાનમાં રાખવું જરૂરી છે.

ડ્રાય ત્વચા વધુ ડ્રાય બને છે

માટુંગામાં ૧૫ કરતાં વધારે વર્ષથી ભોજાણી ક્લિનિકમાં પ્રૅક્ટિસ કરતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. રેશમ વસાણી ભોજાણી કહે છે, ‘મુલતાની માટીને અંગ્રેજીમાં fuller’s earth (ફ્યુલર્સ અર્થ) કહેવાય છે. એના પ્રાચીન સમયથી ઘણાં ગુણગાન ગવાય છે. તો આ માટી તૈલી ત્વચા કે એને કારણે થતા ખીલના ઉપાય માટે લોકો વાપરતા હોય છે. જેમની ત્વચા ભારે માત્રામાં તેલ પેદા કરતી હોય તો એ તેલને ઍબ્સૉર્બ કરવા માટે લોકો મુલતાની માટીનો ઉપયોગ કરતા હોય છે. સામાન્ય રીતે ડર્મેટોલૉજિસ્ટ તમને મુલતાની માટીની સલાહ નથી આપતા. એનાં ઘણાં કારણો છે. દરેકની ત્વચાની સેન્સિટિવિટી અને પ્રકૃતિ અલગ હોય છે. ડ્રાય, ઑઇલી તો કોઈની મિક્સ પ્રકૃત્તિની ત્વચા હોય છે. જેમની ત્વચા શુષ્ક પ્રકૃતિની હોય કે એક્ઝિમા પ્રોન - એક પ્રકારની સ્કિન કન્ડિશન જેમાં ત્વચા પર બળતરા, ખંજવાળ કે પૅચિસ થતા હોય - તેમના માટે મુલતાની માટી નથી. આ ત્વચામાં મુલતાની માટીનો ઉપયોગ ત્વચાને વધારે ઇરિટેટ કરી શકે છે. ઘણા લોકોની સ્કિન મિક્સ-અપ હોય છે એટલે કે ફોરહેડ અને નાકની ત્વચા ઑઇલી હોય અને બાકીના ચહેરાની ત્વચા ડ્રાય રહેતી હોય તો એ લોકો જ્યારે આખા ફેસ પર મુલતાની માટી લગાવે તો તેમને એકદમ બર્નિંગ સેન્સેશન થતું હોય છે.

ઇન્ફ્લુઅન્સરની ખોટી ઇન્ફ્લુઅન્સ

અત્યારે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર સ્કિન અને હેરકૅરની સલાહ આપતા ઢગલો ઇન્ફ્લુઅન્સર છે જેના કારણે લોકો પોતાની સ્કિન-ટાઇપ જાણ્યા વગર જ ત્વચાને ચમકાવવા માટે પ્રોડક્ટ્સ વાપરતા હોય છે એમ જણાવતાં ડૉ. રેશમ કહે છે, ‘લોકો વિટામિન C, સૅલિસિલિક ઍસિડ અને રેટિનોલ જેવાં એક્સફોલિએટર લગાવતા હોય છે. જે લોકો આ બધા ટ્રેન્ડ ફૉલો કરતા હોય તેમની ત્વચાના બૅરિયર ફંક્શનમાં ખામી આવી જાય છે. બૅરિયર ફંક્શન સ્કિનની રક્ષા માટે હોય છે જે બહારની અશુદ્ઘિને અંદર નથી આવવા દેતું. પરંતુ ડરમેલોજિસ્ટિને કન્સલ્ટ કર્યા વગર લોકો DIY રેમેડીઝ કરતા હોય છે ત્યારે એ બેરિયર ફંક્શન પોતાનું કામ નથી કરી શકતું એટલે અંદરની સારી વસ્તુ એક્સપોઝ થઈ જાય છે અને બહારનો કચરો અંદર આવી જાય છે. આ પરિસ્થિતિમાં તમારી ત્વચા પહેલેથી જ નાજૂક થઈ ગઈ છે અને તેમાં જ્યારે મુલતાની માટી લગાવો તો ઇરિટન્ટ કૉન્ટૅક્ટ ડર્મેટાઇટિસ (ICD) થવાની શક્યતા રહે છે. સાદી ભાષામાં ત્વચા ઇરિટેટ થઈ જાય છે. એ સિવાય ઑઇલી સ્કિન માટે કે ખીલની સારવાર માટે જો ડૉક્ટરની દવા લઈ રહ્યા છો તો એમાં ડૉક્ટર તમને ઓરલ મેડિકેશન અને સાથે અમુક ક્રીમ પણ આપતા હોય છે. આવા સમયે ત્વચા એક એવા તબક્કામાં હોય છે જેમાં ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ ઘરગથ્થુ ઇલાજ નુકસાન કરી શકે છે.’

વીકમાં કે મહિનામાં એક વખત કરી શકાય

ત્વચાનું એક્સફોલિએશન જરૂરી છે. જે લોકો પોતાની ઑઇલી ત્વચાની કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ નથી કરી રહ્યા તેઓ મહિનામાં એક વખત મુલતાની માટીનો ઉપયોગ કરી શકે છે એમ જણાવતાં ડૉ. રેશમ કહે છે, ‘હું એ વાત પર જરૂર ભાર મૂકીશ કે ઘરગથ્થુ બ્યુટી કૅર પણ કેવી રીતે કરવી એના માટે ડર્મેટોલૉજિસ્ટની સલાહ જરૂર લેવી. મુલતાની માટીમાં ગુલાબજળ નાખો અને ચહેરા પર મસાજ કરો. એટલે એક ફીલ ગુડ ફૅક્ટર છે. પ્લસ તમારા ચહેરા પર બ્લડ-સર્ક્યુલેશન સારું કરે છે.’

skin care health tips life and style matunga mumbai instagram columnists