29 August, 2024 10:52 AM IST | Mumbai | Krupa Jani
બીલીપત્ર
‘રોગાન બીલ્લતી ભિન્નતિ’ એટલે કે અલગ-અલગ રોગોમાં બીલીપત્રનો ઉપયોગ થઈ શકે એવું આયુર્વેદમાં કહેવાયું છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ડાયાબિટીઝ, હૃદયરોગ, સ્કિન અને વાળની સમસ્યા, કૅન્સર, પાચનને લગતા રોગો, બાળકોની હાઇટ જેવી અનેક સમસ્યામાં અકસીર પરિણામ આપતાં બીલીનાં પાનની વિશેષતાઓ જાણીએ
શ્રાવણ ચાલે છે ત્યારે શિવજીનાં પ્રિય બીલીપત્રનું જેટલું મહત્ત્વ શિવપૂજામાં છે એટલું જ ઔષધિય દૃષ્ટિએ પણ છે. બીલીપત્ર હિન્દુ ધર્મ અને આયુર્વેદમાં આગવું સ્થાન ધરાવે છે. આયુર્વેદમાં એનો ઉપયોગ શરીરના ત્રિદોષ – વાયુ, પિત્ત અને કફને સંતુલિત કરવા માટે થાય છે. એ વિટામિન્સ, મિનરલ્સ અને ઍન્ટિઑક્સિડન્ટ્સનો શ્રેષ્ઠ સ્રોત છે, જે અનેક આરોગ્યલાભ આપે છે. ઉનાળામાં તાજગી માટે બેલપત્રથી બનેલું લેમનેડ ફક્ત શીતળતા જ નહીં પણ સ્વાસ્થ્યને લગતા અનેક લાભ આપે છે. બેલપત્રને ત્વચા અને વાળ માટે પણ લાભદાયક માનવામાં આવે છે, જે એને એક સર્વાંગી આયુર્વેદિક ઉપચાર બનાવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ બેલપત્રનું અનેરું મહત્ત્વ છે, જે નકારાત્મક ઊર્જાઓને દૂર કરીને સકારાત્મકતા લાવે છે.
બીલીપત્ર શું છે?
સંસ્કૃતમાં બિલ્વપત્ર તરીકે ઓળખાતા બીલીપત્રમાં ‘બિલ્વ’ શબ્દનો અર્થ બેલ વૃક્ષ અને ‘પત્ર’નો અર્થ પાન થાય છે. બીલીપત્રનાં વિવિધ નામો અને ઉચ્ચારણો છે, જે ભારતના વિવિધ પ્રદેશો પર આધાર રાખે છે. આ પાન આપણે ત્યાં અનેરું સાંસ્કૃતિક, સામાજિક અને ઔષધિય મૂલ્ય ધરાવે છે. શિવપુરાણ અનુસાર ભગવાન શિવની પૂજામાં ઉપયોગમાં લેવાતી છ દિવ્ય વસ્તુઓમાં બેલપત્રનો સમાવેશ થાય છે. કહેવાય છે કે આ પાન ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. બેલપત્રનાં ત્રણ પાંદડાં ત્રિદેવ - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (શિવ)નું પ્રતીક છે. શાસ્ત્રો અનુસાર બેલપત્રનાં ત્રણ પાંદડા ભગવાન શિવના ત્રણ નેત્રોનું પણ પ્રતિનિધિત્વ કરે છે. બેલનાં પાંદડાં ઠંડક આપનાર હોય છે, જે શિવલિંગના અગ્નિ તત્ત્વને ઠંડું કરે છે. હિન્દુ ધર્મ અનુસાર દેવી પાર્વતીના પરસેવામાંથી બેલ વૃક્ષ ઉત્પન્ન થયું છે. દેવી પાર્વતીના વિવિધ અવતાર બેલના વૃક્ષના વિવિધ ભાગોમાં વસે છે. ઉપરાંત ધનનાં દેવી લક્ષ્મીનો પણ આ વૃક્ષ સાથે સંદર્ભ છે, જે એને વધુ પવિત્ર બનાવે છે. જૈનો પણ બેલપત્રને શુભ માને છે. માન્યતા છે કે ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાને આ વૃક્ષની છાયામાં નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું.
આશ્ચર્યજનક ફાયદા
બોરીવલી વેસ્ટસ્થિત સૅફ્રન નેચરોપથી ક્લિનિકનાં ડૉ. મોના પટેલ આ સંદર્ભે માહિતી આપતાં કહે છે, ‘બીલીપત્ર અનેક સત્ત્વો અને ગુણોથી ભરપૂર છે. એ ઍન્ટિ-ઑક્સિડન્ટ પ્રૉપર્ટી ધરાવે છે એટલે હૃદય માટે ઉત્તમ છે. સવારે વહેલા ઊઠીને જો દરરોજ પાંચથી સાત બીલીપત્ર તમે ચાવીને ખાઓ તો હૃદય સંબંધિત રોગોથી બચી શકો છો. પોટૅશિયમ રિચ હોવાને કારણે આ પાન હાઈ બ્લડ-પ્રેશરને કાબૂમાં રાખવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. એમાં લેપ્ટન અને ટેનિન હોય છે જે બ્લડ શુગરને લેવલ કરવા માટે ખૂબ યુઝફુલ છે. પાચન માટે પણ બીલીપત્ર સારાં છે. સવારે નરણા કોઠે પાંચ બીલીપત્રને કે એના પાઉડરને ગરમ પાણી સાથે ૪૦ દિવસ સુધી લેવાથી પેટના ઘણા રોગો દૂર થાય છે. જે છોકરાઓની હાઇટ નથી વધતી તેમને સવારે ઊઠીને જો કાળાં મરી અને ગરમ પાણી સાથે પાંચ બીલીપત્ર ચાવવા આપે તો બે-અઢી મહિનામાં ફરક જોવા મળે. બીલીપત્ર રેડિયેશનથી પણ બચાવે છે. તેથી કૅન્સરના દરદીઓને કીમોથેરપી દરમ્યાન જો તેમને દરરોજ પાંચથી સાત બીલીપત્રનાં પાન ચાવવા આપવામાં આવે તો તેઓ રેડિયેશનની સાઇડ ઇફેક્ટથી પણ બચી શકાય. તેમ જ બીલીપત્ર કૅન્સર સેલના ગ્રોથને પણ કાબૂમાં રાખે છે.’
લાઇફસ્ટાઇલ રોગોથી બચાવે
ડૉ. મલ્લિકા ઠક્કુર,
આયુર્વેદાચાર્ય
ડૉ. મોના પટેલ,
નેચરોપથી
બીલીપત્ર ડાયાબિટીઝ, હાઇપરટેન્શન, હૃદયના રોગો સહિત અનેક લાઇફસ્ટાઇલ રોગો સામે લડવામાં તેમ જ કૉલેસ્ટરોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. આ સંદર્ભે માહિતી આપતાં ૩૨ વર્ષથી પ્રૅક્ટિસ કરતાં આયુર્વેદાચાર્ય ડૉ. મલ્લિકા ઠક્કુર કહે છે, ‘આયુર્વેદિક દવામાં બીલીપત્રના રસનો ખૂબ જ યુઝ થાય છે. એનાં પાનમાંથી ખાસ રસ નીકળતો નથી એટલે ખાસ પાણી છાંટીને એનો રસ કાઢવામાં આવે છે જે બહુ ગુણકારી છે. ૧૦૦ બીલીપત્ર પર પાણી છાંટી એનો રસ કાઢીને જો બેથી ત્રણ મહિના દરરોજ સવારે એક ચમચી પીવામાં આવે તો પેશાબમાં જતી સાકર બંધ થાય છે. તેમ જ ડાયાબિટીઝ અર્થાત્ મધુમેહમાં રાહત રહે છે. બીલીપત્રનો ઉકાળો પીવાથી દમ, કફ અને કફથી આવતો તાવ મટે છે. શરીર પર આવતા સોજામાં પણ આ કાઢો મરી ઉમેરીને આપવાથી લાભદાયી છે. આંખ આવી હોય તો જો બીલીપત્રનાં પાનની લૂગદી બનાવીને એને આંખો બંધ કરીને એના પર લગાવવામાં આવે તો એ આંખો સ્વચ્છ થઈ જાય છે. જૂનો મરડો, બાળકમાં થતાં ઝાડા અને ખાસ કરીને મોટાઓને થતું અલ્સરેટિવ કોલાઇટિસ (જેમાં લોહી પડે છે)માં બીલી ખૂબ જ અસરકારક છે. બીલીપત્રનું તેલ બહેરાશમાં કામ આવે છે. બીલીપત્ર શરીરમાં રક્તશુદ્ધિનું કામ પણ કરે છે. એ નાનાં-મોટાં ઇન્ફેક્શન થતાં અટકાવે છે. આ પાનની કોઈ આડઅસર નથી એટલે તમે એનો ઉપયોગ નિષ્ણાતની સલાહ વગર જાતે પણ કરી શકો છો. બીલીપત્ર પ્રાચીન સમયથી વપરાતી પવિત્ર વનસ્પતિ છે, જેના અનેક ગુણો શાસ્ત્રમાં ઉલ્લેખાયા છે. ‘રોગાન બીલ્લતી ભિન્નતિ’ અલગ-અલગ રોગોમાં બીલીપત્રનું વૃક્ષ મદદરૂપ છે. એનાં મૂળ લઈ પાન, થડ, ફળ દરેક વસ્તુ ઉપયોગી છે. સંસ્કૃતમાં બીલીના ફળને શ્રી ફળ પણ કહે છે.’
ત્વચા માટે પણ લાભદાયી
બીલીપત્ર સ્કિન માટે પણ ખૂબ જ ઉપયોગી છે એમ જણાવતાં ડૉ. મોના કહે છે, ‘ચહેરાની કરચલી, લાલ ચાઠાં, ડ્રાય સ્કિન તેમ જ ખીલ કે ડાઘા દૂર કરવામાં બીલીપત્ર મદદરૂપ સાબિત થાય છે. ૨૦-૨૫ બીલીનાં પાનને ૮-૧૦ ઇંચના ઍલોવેરામાંથી નીકળેલા પલ્પ સાથે ભેળવી એને બરાબર પીસી લેવું. આ મિશ્રણમાં એક ટી-સ્પૂન હળદર ઉમેરી આ લેપને જો દિવસમાં એક વખત ચહેરા પર લગાવવામાં આવે તો સ્કિન નિખરી ઊઠે છે.’
ડૉ. મલ્લિકા પણ તેમની વાત સાથે સહમત થતાં કહે છે, ‘બીલીપત્રથી બનતા યોગ જેમ કે બિલ્વાદિ ચૂર્ણ કે બેલફળનો મુરબ્બો આરોગવાથી ત્વચાના રોગો મટે છે અને એ વધુ ચમકીલી બને છે. ઘા પર રૂઝ લાવવામાં પણ બીલીપત્ર મદદરૂપ થાય છે.’
બેલનાં ફળ પણ શરીરના સર્વાંગી વિકાસ માટે જરૂરી એવાં વિટામિન્સ અને ખનિજ તત્ત્વોથી ભરપૂર હોય છે. એમાં વિટામિન C, વિટામિન A, રિબોફ્લેવિન, કૅલ્શિયમ, પોટૅશિયમ, ફાઇબર, વિટામિન B1, B6 અને B12નો સમાવેશ થાય છે. બેલપત્રનો જૂસ પીવાથી કે એનો મુરબ્બો ખાવાથી વાળ ખરવાની સમસ્યા ઘટે છે તેમ જ શુષ્ક વાળ આકર્ષક બને છે.
નેગેટિવિટી દૂર કરે
વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ બીલીનો છોડ તમામ નકારાત્મક ઊર્જાઓને દૂર કરે છે અને આસપાસના વાતાવરણને સકારાત્મકતા અને સુખસમૃદ્ધિથી ભરી દે છે. બેલના વૃક્ષની નીચે દીવો પ્રગટાવવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઘરમાં બેલનો છોડ રોપવામાં આવે તો ઘર પર ભગવાન શિવની કૃપા રહે છે.
ભગવાન શિવને બીલીપત્ર શું કામ ચડાવાય છે?
લક્ષ્મ્યાશ્ચ સ્તન ઉત્પન્નમ મહાદેવ સદા પ્રિયમ,
બિલ્વ વૃક્ષમ પ્રિયચ્છામિ એક બિલ્વમ શિવાર્પણમ।
દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ,
અઘોરપાપસંહારમ એક બિલ્વમ શિવાર્પણમ।।
અર્થાત્: શ્રી લક્ષ્મીના હૃદયમાંથી જન્મેલા બેલના દરેક અંગ ભગવાન મહાદેવને પ્રિય છે. તેથી હું આ બેલના એક અંગ એવા બેલપત્રને ભગવાન શિવને અર્પણ કરવા માટે વિનંતી કરું છું. એનાં દર્શન કરવાથી અને એને સ્પર્શ કરવાથી વ્યક્તિ પાપમુક્ત થાય છે. જ્યારે ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે ત્યારે સૌથી ભયંકર કર્મનો પણ વિનાશ થાય છે. શિવપુરાણનો આ શ્લોક બીલીપત્રનું શું મહત્ત્વ છે એ સમજાવવા માટે પૂરતો છે. ખૂબ જ સરળ અને નિર્દોષ એવા ભગવાન ભોળાનાથને ક્યારેય બત્રીસ પકવાનની અપેક્ષા નથી હોતી. બસ, એક બીલીનું પાન અર્પણ કરવાથી પણ તેઓ પ્રસન્ન થઈ જાય છે. જોકે આ બીલીપત્રનાં ત્રણ પાન સાંકેતિક છે. કહેવાય છે કે બીલીપત્ર વ્યક્તિમાં રહેલાં ત્રણેય પાસાં એટલે કે તમસ, રજસ અને સત્ત્વને દર્શાવે છે. જીવનનાં આ ત્રણેય પાસાંઓ ભગવાન શિવજીને સમર્પિત કરીને ચિંતામુક્ત બનવાની ભાવના સાથે બીલીપત્ર ચડાવવાનું હોય છે.