સાંભળી લો વડીલો! પડશો તો કામથી જશો, કાળજી રાખશો તો સુખેથી જીવશો

19 July, 2024 09:15 AM IST  |  Mumbai | Heena Patel

સિરિયસ ફ્રૅક્ચરને કારણે સારવાર પછી પણ પર્મનન્ટ ડિસેબિલિટી રહી જાય એવું બને છે. એટલે જો તમે ડેઇલી રૂટીનમાં જ કેટલીક નાની-નાની વસ્તુનું ધ્યાન રાખશો તો સિરિયસ ફ્રૅક્ચરથી બચી શકો છો

પ્રતીકાત્મક તસવીર

વયસ્કો વારંવાર પડી જાય કે ક્યાંક અથડાઈ જાય એવું બનતું હોય છે. ખાસ કરીને ૬૫ વર્ષ કે એનાથી વધુ વયના સિનિયર સિટિઝનોમાં જોવા મળતી હોય છે. એક સર્વે મુજબ પડી જવાથી દેશમાં દર વર્ષે અંદાજે દસથી પંદર લાખ સિનિયર સિટિઝનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે, જ્યારે દસ લાખ લોકો એ ઇન્જરી પછી પાછું સંપૂર્ણ સ્વાસ્થ્ય પાછું મેળવી શકતા નથી
અને મૃત્યુના મુખમાં ધકેલાય છે.
પડવા-આખડવાની સમસ્યા વયસ્કોમાં ડેથ અને ડિસેબિલિટીનું પ્રમુખ કારણ છે. એટલે જ ઑર્થોપેડિક સર્જ્યન પોતે વડીલોને સલાહ આપતા હોય છે કે તમે ફ્રૅક્ચરથી કઈ રીતે બચી શકો અને અમારી પાસે સારવાર કરવા ન આવવું પડે. આજે આપણે આવા જ એક ઑર્થોપેડિક સર્જ્યન સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે પડવા કે અથડાવાને કારણે થતી ઇન્જરીથી કઈ રીતે વડીલો બચી શકે તેમ જ ડાયટ અને એક્સરસાઇઝનું ધ્યાન રાખીને કઈ રીતે પોતાનું બૅલૅન્સ સુધારી શકે.

બૅલૅન્સ કેમ બગડે?

ઑર્થોપેડિક્સ અને જૉઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જ્યન ડૉ. શ્રુજલ શાહ

સૌથી પહેલાં તો એ સમજવું જોઈએ કે વડીલોમાં સંતુલન કેમ ખોરવાય છે. સાઠ કે પાંસઠ વર્ષ પછી બૅલૅન્સ ખોરવાવાનાં કારણો વિશે જણાવતાં ઑર્થોપેડિક્સ અને જૉઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જ્યન ડૉ. શ્રુજલ શાહ કહે છે, ‘શરીરનું બૅલૅન્સ બગડવા પાછળ ઇન્ટર્નલ અને એક્સટર્નલ બે ફૅક્ટર્સ કામ કરતા હોય છે. વધતી ઉંમર સાથે હાડકાંઓ નબળાં થવાં, મસલ લૉસ થવો, જૉઇન્ટ્સમાં દુખાવો, જોવામાં અને સાંભળવામાં થતી તકલીફ કારણભૂત હોય છે. આ ઉપરાંત કેટલીક હેલ્થ-કન્ડિશન્સ જેમ કે ઑસ્ટિઓપોરોસિસ જેમાં હાડકાં બટકણાં થઈ જાય કે પછી સાર્કોપેનિયા જેમાં મસલ માસ અને સ્ટ્રેન્ગ્થ ઘટી જાય અથવા પાર્કિન્સન્સ, જે એક બ્રેઇન ડિસઑર્ડર છે જેમાં તમારા શરીરની મૂવમેન્ટ પર તમારો કન્ટ્રોલ ન રહે. આ બધા ઇન્ટર્નલ ફૅક્ટરમાં આવે. બાહ્ય પરિબળોની વાત કરીએ તો એમાં ઍક્સિડેન્ટલ ઇન્જરીઝ આવે જેને ટાળવાનું આપણા હાથમાં છે.’

આ કાળજી રાખો

રો​જિંદા જીવનમાં આપણે થોડી કાળજી રાખીએ તો ફ્રૅક્ચર થવાનું જે રિસ્ક છે એને આપણે ઓછું કરી શકીએ. એ માટે વડીલોએ કયાં પગલાં લેવાં જોઈએ એ વિશે ડૉ. શ્રુજલ શાહ સલાહ આપતાં કહે છે, ‘અડધી રાત્રે બાથરૂમ લાગે ત્યારે ફટાકથી ઊભા થવાને બદલે બે મિનિટ સુધી બેડમાં બેસો અને પછી ઊભા થાઓ. તમે એકદમથી ઊભા થઈ જાઓ તો એમાં પૉશ્ચરલ હાઇપરટેન્શનનો ઇશ્યુ થાય જેમાં તમારા બ્લડ-પ્રેશરમાં વધઘટ થાય એટલે તમને ચક્કર જેવું લાગે. એમાં તમારું બૅલૅન્સ જવાના ચાન્સિસ છે. બીજું એ કે પહેલાં રૂમની લાઇટ ચાલુ કરવી, એ પછી જ બાથરૂમ સુધી જવું કારણ કે આ એજમાં વિઝનની પણ ઘણાને તકલીફ હોય છે. બને ત્યાં સુધી તમારા બેડરૂમની બાજુમાં જ સ્વિચ બોર્ડ હોવું જોઈએ અને બાથરૂમ પણ જેટલું નજીક હોય એટલું સારું. એ સિવાય બાથરૂમ જાઓ ત્યારે અંદરથી દરવાજો બંધ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે દુર્ભાગ્યે જો તમે પડી ગયા હો તો ઘરના સભ્યો તમારી હેલ્પ કરી શકે. હાજતે જતી વખતે એવા કમોડનો યુઝ કરો જેની સાથે આર્મરેસ્ટ અટૅચ હોય જેથી તમે ઊભા થતી વખતે સપોર્ટ લઈ શકો. બાથરૂમમાં ગ્રૅબ બાર લાગેલા હોવા જોઈએ અને એને પકડીને જ ઊભા થવું જોઈએ જેથી તમારાં ઘૂંટણ પર વજન ઓછું પડશે. નાહી લીધા પછી બાથરૂમની દીવાલ અથવા બીજી કોઈ વસ્તુનો સપોર્ટ લઈને અન્ડવેઅર પહેરવાનું ટાળવું જોઈએ, કારણ કે એમાં જો તમારો પગ લપસ્યો તો હિપ જૉઇન્ટને ઇન્જરી થવાના સૌથી વધુ ચાન્સિસ છે. એના કરતાં નાહીને તમારા ચેન્જિંગ રૂમમાં આવો અને ખુરસી અથવા બેડ પર કમ્ફર્ટેબલી બેસીને પછી અન્ડવેઅર પહેરો. ઘરની અને બાથરૂમની ફ્લોર હંમેશાં સૂકી હોય એની કાળજી રાખવી, કારણ કે ભીની ફ્લોર પર પગ લપસવાનો ખતરો સૌથી વધુ હોય છે. ઘરમાં ઊંચાઈ પર કોઈ વસ્તુ મૂકી હોય તો એને લેવા માટે સ્ટૂલ પર ચડીને એને આંબવાની ભૂલ કોઈ દિવસ કરવી નહીં, ભલે એ સ્ટૂલ નાનું જ
કેમ ન હોય.’

એક્સરસાઇઝ પણ જરૂરી

ડાયટની સાથે એક્સરસાઇઝ પણ એટલી જ જરૂરી છે. એ વિશે ડૉ. શ્રુજલ શાહ કહે છે, ‘રોજ એક્સરસાઇઝ કરવાથી હાડકાં મજબૂત થશે અને ઉંમરની સાથે હાડકાં નબળાં પડવાની ગતિ ધીમી પડશે. ‍મસલ માસ વધારવાની અને મજબૂત કરવા માટેની મસલ સ્ટ્રેન્ગ્થનિંગ ઍક્ટિવિટીઝ પણ વડીલોએ કરવી જોઈએ. બૅલૅન્સ અને કો-ઑર્ડિનેશન એક્સરસાઇઝ કરવી જોઈએ જેનાથી તમારું બૅલૅન્સ સારું થાય. એ માટે તમે તમારા ફિઝિયોથેરપિસ્ટ પાસે જઈ શકો છો. તમે નાની એજથી ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કરો તો પાછલી વયે તમને વધુ રિટર્ન મળે. એવી જ રીતે તમારે યંગ એજથી જ તમારી હેલ્થમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. હેલ્ધી લાઇફસ્ટાઇલ પર ફોકસ કરશો તો ઓલ્ડ એજમાં તમને એનો ફાયદો થશે.’

ડાયટનું ધ્યાન રાખશો તો સંતુલન સુધરશે

તમે અસંતુલન કે પડવાનું રિસ્ક ઓછું કરી શકો અને ફ્રૅક્ચરથી બચી શકો એ માટે બૅલૅન્સ્ડ ડાયટ અને હેલ્ધી વેઇટ મેઇન્ટેન કરવાં ખૂબ જરૂરી છે. એનું  માર્ગદર્શન આપતાં ડૉ. શ્રુજલ શાહ કહે છે, ‘મોટી ઉંમરે તમારું વજન ઓછું ન થાય તો કંઈ નહીં, પણ વધે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. ખાસ કરીને બહેનોને ઘરમાં વધેલું-ઘટેલું ખાઈને પૂરું કરવાની આદત હોય છે. વજન પર કાબૂ રાખવા માટે તેમણે આ આદત છોડવી પડશે. એ સિવાય પેટ તણાવા લાગે ત્યાં સુધી ખાવાનું ટાળવું જોઈએ. ડાયટ-કન્ટ્રોલ આપણા હાથમાં છે. ડાયટમાં તમે શું ખાઓ છો એ પણ ખૂબ જરૂરી છે. બોન-હેલ્થ સારી કરવા તમારે કૅલ્શિયમથી ભરપૂર ફૂડ જેમ કે દૂધની વાનગીઓ, સોયાબીન, ડ્રાયફ્રૂટ્સ, સીડ્સ, શાકભાજી-ફળોનો સમાવેશ કરવો જોઈએ. આપણે જે ફૂડ ખાઈએ છીએ એમાં કૅલ્શિયમ હોય જ છે પણ વધતી ઉંમર સાથે એની ઍબ્સૉર્પ્શન કૅપેસિટી ઓછી થતી જાય છે. વિટામિન D કૅલ્શિયમ ઍબ્સૉર્પ્શનમાં હેલ્પ કરે છે. સનલાઇટ વિટામિન Dનો બેસ્ટ સોર્સ છે અને એટલે ડાયટ સાથે દરરોજ બહાર અડધો કલાક વૉક પર જવું જરૂરી છે. ઘણા લોકો સવારે અને સાંજે વૉક પર જવાનું પસંદ કરતા હોય છે પણ આમ જોવા જઈએ તો બપોરે ૧૨થી સાંજે ૪ વાગ્યા સુધીનો સમય વૉક પર જવા માટે બેસ્ટ છે, કારણ કે એ સમયે અલ્ટ્રાવાયલેટ B રેઝ ઇન્ટેન્સ હોય એટલે તમારું બૉડી થોડા સમયમાં વધુ વિટામિન D બનાવી શકે. ઘણા લોકોને એમ પૂછતા હોય છે કે ૩૦-૪૦ વર્ષ પછી કૅલ્શિયમની ગોળીઓ ચાલુ કરી દેવી જોઈએ કે નહીં? તમને જો કોઈ એવી તકલીફ હોય તો અવશ્ય ટૅબ્લેટ લેવી જોઈએ. હેલ્ધી હાડકાં માટે કૅલ્શિયમ અને વિટામિન Dની સાથે પ્રોટીન, મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ, પોટૅશિયમ વગેરેની પણ જરૂર પડે છે અને આ બધાં જ વિટામિન્સ અને મિનરલ્સ માટે ગોળીઓ ગળવા કરતાં ડાયટના માધ્યમથી એ મળી રહે એવા પ્રયત્નો કરવા જોઈએ.’ 

health tips life and style gujarati mid-day