28 March, 2023 05:05 PM IST | Mumbai | Sejal Patel
પ્રતીકાત્મક તસવીર
આપણા શરીરમાં જેટલા કોષો છે એટલા જ બૅક્ટેરિયા છે. સંખ્યાની વાત કરીએ તો લગભગ ૫૦ ટ્રિલ્યન બૅક્ટેરિયા માનવશરીરની અંદર અને બહારની સર્ફેસ પર છે. એમાંય જો આપણા પાચનતંત્રની વાત કરવામાં આવે તો એમાં અબજો બૅક્ટેરિયાનો અખાડો છે. ખોરાક પચે અને એમાંથી પોષક તત્ત્વો આપણા લોહી સુધી પહોંચે એમાં આ સારા બૅક્ટેરિયાનો બહુ મહત્ત્વનો ભાગ છે. મેડિકલ સાયન્સ એને ગટ માઇક્રોબાયોટા કહે છે. આપણું પાચનતંત્ર સ્વસ્થ રહે એ માટે પેટમાં અનેક સારા બૅક્ટેરિયા હોવા મસ્ટ છે. જ્યારે આ બૅક્ટેરિયાની સંખ્યા ઘટી જાય છે ત્યારે પણ પાચન અને ખાધેલા ખોરાકમાંથી ન્યુટ્રિશનનું શોષણ ખોરવાય છે. જ્યારે પેટમાં ખરાબ બૅક્ટેરિયા વધી જાય ત્યારે ડિસેન્ટ્રી કે ડાયેરિયા થઈ જાય છે. વળી, ક્યારેક એવું પણ બને છે કે તમે ભલે પોષણયુક્ત ખોરાક ખાતા હો, પણ પાચન માટે જરૂરી એન્ઝાઇમ્સ બનાવે એવા સારા બૅક્ટેરિયાનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે પોષક ખોરાકમાંથી પણ પૂરતું પોષણ શરીરમાં ઍબ્સૉર્બ થતું નથી. આ જ કારણસર તમે જોયું હોય તો વચ્ચે પ્રોબાયોટિક સપ્લિમેન્ટ્સનું માર્કેટિંગ બહુ થતું હતું. જોકે હવે પ્રોબાયોટિકની સાથે પ્રી-બાયોટિક અને લેટેસ્ટમાં સિન્બાયોટિક પ્રોડક્ટ્સ પણ ચર્ચામાં આવી છે ત્યારે જાણીએ આ બધામાં ફરક શું છે એ.
પ્રો અને પ્રી-બાયોટિકનો ફરક
પ્રોબાયોટિક એટલે સાદી ભાષામાં સમજીએ તો પોષણ માટે જરૂરી એન્ઝાઇમ્સ પેદા કરતા સારા બૅક્ટેરિયા. કાંદિવલીના ન્યુટ્રિશનિસ્ટ મિરલ શાહ બન્નેનો ફરક સમજાવતાં કહે છે, ‘પાચન માટે જે સારા ગટ બૅક્ટેરિયા પેટમાં હોય છે એ જીવંત હોય છે. જ્યારે એની સંખ્યા ઘટી જાય અને પાચન બરાબર ન થતું હોય ત્યારે પ્રોબાયોટિક ફૂડની જરૂર પડે. એનાથી ગટમાં સારા બૅક્ટેરિયાની સંખ્યા સરભર થવાનું કામ થાય. જોકે આ બૅક્ટેરિયાને પણ સર્વાઇવ થવા માટે ખાવાનું જોઈતું હોય છે. એ સર્વાઇવ થાય છે ફાઇબરયુક્ત ખોરાકથી. સારા બૅક્ટેરિયા જે ચીજો ખાઈને જીવંત રહે એ છે પ્રી-બાયોટિક. એમાં ફળોની છાલ આવી જાય, મલ્ટિગ્રેઇનનો થૂલા સાથેનો લોટ હોય કે લીફી ગ્રીન વેજિટેબલ્સ હોય એ આવી જાય.’
પેટમાં સતત સારા બૅક્ટેરિયાનું પ્રમાણ જળવાયેલું રહે એ જરૂરી છે. જો એની સંખ્યા ઘટી જાય તો પણ ખરાબ બૅક્ટેરિયા હાવી થઈ જાય અને પાચનતંત્ર ખોરવાય એવું બની શકે છે. મિરલ કહે છે, ‘જો તમારા રોજિંદા ખોરાકમાં પ્રોબાયોટિક બૅક્ટેરિયાનું ફૂડ કહેવાય એવી પ્રી-બાયોટિક ચીજો એટલે કે ફાઇબર, રેસા અને સ્ટાર્ચ હોય તો સારા બૅક્ટેરિયાનું પ્રમાણ પણ સારુંએવું રહે છે.’
જન્ક અને પ્રોસેસ્ડ ફૂડને કારણે આપણા શરીરમાં નૅચરલી જ પનપતા સારા બૅક્ટેરિયા નાશ પામે છે અને એટલે આપણે ઉપરથી સારા બૅક્ટેરિયા ફૂડમાં કે સપ્લિમેન્ટરૂપે લેવાની જરૂર પડે છે.’
બેસ્ટ પ્રોબાયોટિક શામાંથી?
ફર્મેન્ટ કરવામાં આવી હોય એવી ચીજો પ્રોબાયોટિક કહેવાય. દહીં, છાશ, યૉગર્ટ અને આથો લાવીને બનાવવામાં આવતાં આપણાં ગુજરાતી ફરસાણ પણ સુપર્બ પ્રોબાયોટિક્સ કહેવાય. મિરલ કહે છે, ‘પ્રોબાયોટિક્સમાં તમે ભોજન સાથે યોગર્ટ કે ચણા-મેથીનું અથાણું લો તો બેસ્ટ છે. સાથે કીચમી, કમ્બુચા ટી, કૅફીર, ફર્મેન્ટેડ મિલ્ક, અનપ્રોસેસ્ડ અને ફર્મેન્ટેડ ચીઝ વગેરે પણ ચાલે. જોકે દહીં અને દહીંમાંથી બનતી વસ્તુઓ જેમ કે છાશ, રાયતું, કઢી તેમ જ એની આથાવાળી વસ્તુઓ એટલે કે ઇડલી, ઢોકળાં, ખાંડવી, હાંડવો વગેરે બેસ્ટ કહેવાય છે. પહેલાંના સમયમાં જે લોકો ઘરે આ ફરસાણ બનાવતા તેઓ ઘરે ખીરું બનાવીને એમાં પહેલાં આથો લાવતા અને પછી એમાંથી ઢોકળાં બનાવતા, જેને ખાસ વઘારની જરૂર પડતી નહીં. આ હેલ્ધી રીત છે ઢોકળાં કે અન્ય ફરસાણ બનાવવાની.’
જોકે આજનો સમય ઇન્સ્ટન્ટનો થઈ ગયો છે. સોડા કે ફ્રૂટ-સૉલ્ટ નાખો અને ઇન્સ્ટન્ટ ઢોકળાં તૈયાર. જે ઢોકળાંમાં આથો ન આવ્યો હોય એ ઢોકળાં એટલે કે ખાવાનો સોડા નાખેલાં ઢોકળાં હેલ્થની દૃષ્ટિએ સારાં નથી. વળી એના વઘારમાં નાખવામાં આવતું તેલ પણ અનહેલ્ધી છે. એટલે સામાન્ય રીતે આથો લાવેલાં ઢોકળાં કે ઇડલી વગર તેલની ચટણી સાથે ખાવાં જાઈએ જે ખૂબ હેલ્ધી છે. બ્રેડ અને બેકરી પ્રોડક્ટ્સ પણ આથાવાળી હોય છે, પરંતુ એને એટલી હેલ્ધી માનવામાં આવતી નથી; કારણ કે એ મેંદાના લોટમાંથી બનતી, વધુ બટરવાળી, ક્યારેક પ્રિઝર્વેટિવ્ઝવાળી પણ હોય છે. આ ઉપરાંત ફણગાવેલાં કઠોળ પણ એક રીતે ફર્મેન્ટેડ ગણાય.
પ્રી-બાયોટિક્સ શામાંથી?
સારા બૅક્ટેરિયાનું ફૂડ બને એવી રેસાયુક્ત ચીજો આમાં આવે એમ સમજાવતાં મિરલ કહે છે, ‘જુવાર-બાજરી, નાચણીના મલ્ટિગ્રેઇન આટા, ચાળેલો ન હોય એવો થૂલા સહિતનો લોટ, થૂલી, ઓટ્સ કે પલ્સ અને કઠોળના ચિલ્લા, ઓટ્સનો ઉપમા, બાફેલું કાચું કેળું, કાંદા-લસણ, ગ્રીન પાનવાળાં શાકભાજી બધું જ પ્રી-બાયોટિક ગણાય.’
આ પણ વાંચો: નાચણીના પીત્ઝા અને બ્લૅક રાઇસની વાનગીઓ માટે આ જગ્યાએ જરૂર જજો
સિન્બાયોટિક શામાંથી?
પ્રોબાયોટિક એટલે કે જીવંત હેલ્ધી બૅક્ટેરિયાવાળી વાનગીઓ અને સાથે એમાં ફાઇબર અને રેસા પણ હોય જેના પર આ બૅક્ટેરિયા સર્વાઇવ થઈ શકે એવું કૉમ્બિનેશન ધરાવતી ચીજો એટલે સિન્બાયોટિક એમ સમજાવતાં મિરલ શાહ આગળ કહે છે, ‘વેજિટેબલ્સ નાખેલું રાયતું, વેજિટેબલ્સ નાખેલાં હાંડવો કે ઢોકળાં, ફર્મેન્ટેડ પલ્સ અને ઓટ્સના ગ્રીન લીફી વેજિટેબલ્સ નાખેલા ચિલ્લામાં આ બન્નેનું કૉમ્બિનેશન આવે છે. રેઝિન કર્ડ પણ આજકાલ બહુ ખવાય છે જે સિન્બાયોટિક છે. એમાં દૂધનું દહીં જમાવવા મુકાય એ વખતે જ એમાં કાળી દ્રાક્ષ ઉમેરવામાં આવે છે એનાથી દ્રાક્ષનું ફાઇબર સોલ્યુબલ થઈ જાય છે.’
ઍન્ટિ-બાયોટિક લેતા હો તો...
સામાન્ય રીતે ૨૦૦૦ કૅલરીનો ખોરાક ધરાવતી વ્યક્તિના ભોજનમાં ૩૫થી ૪૦ ગ્રામ જેટલું સિમ્બાયોટિક ફૂડ હોવું જોઈએ, પણ જો તમે હાલમાં જ માંદગીમાંથી ઊઠ્યા હો અને ઍન્ટિ-બાયોટિક દવા લેવી પડી હોય તો એનાથી પેટમાંના સારા બૅક્ટેરિયાનું પ્રમાણ ઘટી ગયું હશે અને એવા સમયે તમારે આ ડોઝ વધારવો પડે એમ બને. બને ત્યાં સુધી કર્ડ, યૉગર્ટ અને આથેલી ચીજો દ્વારા જ એની પૂર્તિ થાય તો સારું, પણ જો એ સંભવ ન હોય તો બજારમાં ફર્મેન્ટેડ પ્રોબાયોટિક મિલ્કનાં સપ્લિમેન્ટ્સ મળે છે એ પણ લેવામાં કોઈ વાંધો નથી.
રેઝિન કર્ડ બનાવવાની રીત
એક વાટકી સાદા દૂધને રૂમ ટેમ્પેરચર કરતાં સહેજ હૂંફાળું ગરમ કરવું. એની અંદર પા ચમચી દહીં નાખીને બરાબર હલાવવું. દહીં મિક્સ થઈ જાય એટલે એમાં કાળી દ્રાક્ષ ધોઈને ઉમેરી દેવી. એ પછી આ વાટકાને ડાર્ક જગ્યાએ ચારથી પાંચ કલાક માટે હલાવવો ન પડે એ રીતે સાઇડમાં ઢાંકીને મૂકી દેવો. પાંચ કલાક પછી દહીં જામી ગયેલું હશે. દ્રાક્ષ સાથે જ એને ભોજનમાં લેવાથી એ પ્રોબાયોટિક તો બનશે જ, પણ સાથે બૅક્ટેરિયા માટેનું ભોજન સોલ્યુબલ ફાઇબર પણ હશે જે પર્ફેક્ટ સિન્બાયોટિક ફૂડ બની રહેશે. આ કર્ડ ઉનાળામાં રોજ લંચમાં ખાવાથી એક ઍવરેજ વ્યક્તિની ડેઇલી રિક્વાયરમેન્ટ પૂરી થાય છે.