એક બૉક્સમાં જોરથી ચીસ પાડો અને હળવા થઈ જાઓ

14 October, 2024 02:59 PM IST  |  Mumbai | Jigisha Jain

આવાં મૅજિકલ ગણાતાં સ્ક્રીમ બૉક્સ સ્કૂલોમાં મુકાતાં હોય એવી રીલ્સ સોશ્યલ મીડિયા પર ઘણી વાઇરલ થઈ રહી છે. એમાં વિદ્યાર્થીઓ દિલ ખોલીને રાડો પાડીને સ્ટ્રેસ કે ફ્રસ્ટ્રેશનથી ભીંસાતું મન હળવું કરે છે.

સ્ક્રીમ બૉક્સ

આવાં મૅજિકલ ગણાતાં સ્ક્રીમ બૉક્સ સ્કૂલોમાં મુકાતાં હોય એવી રીલ્સ સોશ્યલ મીડિયા પર ઘણી વાઇરલ થઈ રહી છે. એમાં વિદ્યાર્થીઓ દિલ ખોલીને રાડો પાડીને સ્ટ્રેસ કે ફ્રસ્ટ્રેશનથી ભીંસાતું મન હળવું કરે છે. આ નવા ટ્રેન્ડમાં સમજવા જેવું એ છે કે ચીસો પાડીને મન હળવું કરી લેતા સ્ટુડન્ટ્સ માત્ર ફ્રસ્ટ્રેશન ઓકવા માટે આવા વિકલ્પો વાપરે એના કરતાં પોતાની લાગણીઓને સમજતાં કઈ રીતે શીખે? જેટલી જરૂર અંદર ધરબાયેલા સ્ટ્રેસને કાઢવાની છે એટલી જ જરૂર એને સમજીને હૅન્ડલ કરવાની પણ છે

સોશ્યલ મીડિયા પર હાલમાં એક રીલ વાઇરલ થઈ રહી છે જેમાં સ્કૂલોમાં જૂના STD બૂથ જેવા ડબ્બાઓ ઇન્સ્ટૉલ કરવામાં આવ્યા છે જેને સ્ક્રીમિંગ બૉક્સ કહેવામાં આવે છે. એટલે કે એક એવો ડબ્બો જેની અંદર જઈને તમે મન ભરીને રાડો પાડી શકો છો. જે રીલમાં એવું કહેવામાં આવ્યું હતું કે બાળકો પર આજની તારીખે પિયર પ્રેશર, એક્ઝામનું સ્ટ્રેસ અને ટીનેજરોમાં ઍન્ગર ઇશ્યુઝ છે એના માટે આ એક ખૂબ સારું ટૂલ છે. બાળક જ્યારે તાણમાં હોય કે અતિ મૂંઝાઈ ગયું હોય કે ફ્રસ્ટ્રેશન વધી ગયું હોય તો આ રીતે મન ખોલીને રાડો પાડી લેવાથી મનમાં ધરબાઈ ગયેલી વસ્તુઓ બહાર આવે છે. મૂંઝારો આ રીતે દૂર કરી શકાય છે. આપણે ત્યાં ફન ઍક્બાટિવિટી તરીકે બાળકોને એક બૉક્સ આપી દેવાય છે જેમાં તે સ્ક્રીમ કરી શકે. સાઇકોલૉજીની દૃષ્ટિએ મનમાં ધરબાઈ ગયેલી લાગણીઓ અને ગૂંગળામણ દૂર કરવા માટે સ્ક્રીમિંગ બૉક્સ સારું ટૂલ છે. પણ બાળકોના સ્ટ્રેસ, ગુસ્સા અને એમના દ્વારા અનુભવાતા ત્રાસ માટે આ ટૂલ કઈ રીતે કામ કરે છે એ સમજીએ અને બીજું એ જાણીએ કે રાડો પાડી લેવી પૂરતું છે કે બીજી કોઈ ટેક્નિક હોઈ શકે આ પ્રશ્નો માટે? 

લાગણીઓની ઓળખ 

આ પ્રશ્ન મેન્ટલ હેલ્થનો છે, જેનો મૂળભૂત પાયો એ છે કે આપણે એ બાબતે જાગૃત હોઈએ કે આપણે શું અનુભવીએ છીએ અને એ અનુભૂતિ સાથે આપણે શું કરવા માગીએ છીએ એમ સમજાવતાં અર્લી ચાઇલ્ડહુડ અસોસિએશન પોદાર એજ્યુકેશન નેટવર્કનાં પ્રેસિડન્ટ અને લેખક ડૉ. સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘નાનપણથી એ ખૂબ જરૂરી છે કે બાળક પોતાનાં ઇમોશન્સને ઓળખતાં શીખે. નાનાં બાળકોને જેટલાં પણ ઇમોશન ફીલ થાય એ પોતે સમજી નથી શકતાં કે તેમને થઈ શું રહ્યું છે. એ ઇમોશનને સમજવામાં આપણે તેની મદદ કરીએ છીએ. તને જે ફીલ થાય છે એ ગુસ્સો છે કે દુઃખ એ સમજતાં શીખવીએ, તને લાગે છે કે તું ખુશ છે પણ તને એ સ્કૂલ ગમતી નથી. પરંતુ સ્કૂલ માટે તું જે અનુભવે છે એને ડર કહેવાય. આ જે મૂળભૂત બાબત લાગે છે ત્યાં જ ઘણાં બાળકો તો શું, વયસ્ક લોકો પણ કન્ફ્યુઝનમાં હોય છે. પોતાને જે થઈ રહ્યું છે એ ફીલિંગને શું કહેવાય એ તેમને સમજાતું જ નથી. આ સ્પષ્ટતા નાનપણથી હોય એ બાળક ઇમોશનલી ઇન્ટેલિજન્ટ ગણાય છે. જે એ સમજી શકે કે ફ્રેન્ડ સાથે મેં ઝગડો કર્યો કારણ કે મને જેલસી એટલે કે ઈર્ષા આવતી હતી. 

શું ન કરવું અને શું કરવું 

બીજી તકલીફ એવી છે કે આપણે એ લોકોને કહીએ છીએ કે ગુસ્સો આવે તો મારવાનું નહીં, મારવાનું નહીં તો કરવાનું શું એ આપણે તેમને કહેતા નથી. શું નથી કરવાનું એ કહેવું પૂરતું નથી, શું કરવાનું છે એ પણ તેમને શીખવવું જરૂરી છે. આ વાત પર ભાર આપતાં સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘એના માટે નર્સરી લેવલથી અમે અમુક રાઇમ્સ તૈયાર કરી છે જે ગાઈને બાળકોને જુદાં-જુદાં ઇમોશન્સ વિશે સમજાવી શકાય અને એ લાગણીઓ આવે ત્યારે કયા પ્રકારનું વર્તન નૉર્મલ છે એ પણ સમજી શકાય. જેમ કે એ રાઇમમાં મેં લખ્યું છે, જો તમે ખુશ હો તો તમે જોરથી હસો, જો તમે ગુસ્સે હો તો તમે પગ પછાડો, જો તમે દુખી હો તો નિસાસો નાખો, કંટાળી ગયા હો તો તાળી પાડો. લાગણીઓને ઓળખો, એને એક્સપ્રેસ કરો એ જરૂરી છે. એ બાળકને ચોક્કસ શીખવો, જેનાથી બાળક મૂંઝાય નહીં.’ 

લાગણીને જ નકારી દઈએ તો ન ચાલે 

લાગણીઓ જ્યારે મનમાં ધરબાઈ જાય છે ત્યારે એ લાંબા ગાળે મેન્ટલ હેલ્થને નુકસાન પહોંચાડે છે. એ તો ન જ થવું જોઈએ. એ વિશે વાત કરતાં બાંદરાનાં ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ મીનલ મખીજા કહે છે, ‘બાળકોમાં નાની ઉંમરે કે કિશોર અવસ્થામાં ઍન્ગર ઇશ્યુઝ, ડિપ્રેશન, બિહેવ્યરલ પ્રૉબ્લેમ અમે જોઈએ છીએ એની પાછળ આ ધરબાયેલી લાગણીઓ જ હોય છે. લાગણી વ્યક્ત કરવી ખૂબ જ જરૂરી છે. એના પછીનું સ્ટેપ છે કે એ કઈ રીતે વ્યક્ત થવી જોઈએ એ શીખવું. આપણે બાળકોને કઈ રીતે વ્યક્ત થવી જોઈએ એમ શીખવવાને બદલે આ લાગણી જ ખોટી છે અને એ વ્યક્ત જ ન થવા દેવી એના પર ભાર આપીએ છીએ. ગુસ્સો શેનો આવે છે તને? બાળક થઈને મોટા પર ગુસ્સો? આ ઘરમાં આ બધું નહીં ચાલે, ગુસ્સો ખૂબ જ ખરાબ છે, એ લાગણી જ ખોટી છે, એ આવવો જ ન જોઈએ, એવાં વિધાનો આપણે સતત બાળકને માથે નાખીએ છીએ. હકીકત એ છે કે બાળક અંતે માણસ છે. માણસ હોવાને લીધે જુદી-જુદી લાગણીઓ તે અનુભવતું હોય છે. એ સહજ છે એવું તેને શીખવવાને બદલે આપણે કહીએ છીએ કે ગુસ્સો આવે જ શું કામ? ત્યાં જ આપણે મોટી ભૂલ કરીએ છીએ. આવી ઘણી લાગણીઓ છે જેનો સ્વીકાર આપણે કરતા જ નથી એટલે એ અંદર દબાઈ જાય છે, જે લાંબા ગાળે નુકસાન કરે છે.’ 

આટલી મદદ પૂરતી નથી  

એક રીતે જોઈએ તો સ્ક્રીમિંગ બૉક્સ ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે વ્યક્તિની ધરબાયેલી લાગણી કોઈ પણ રીતે બહાર તો નીકળે છે. જો રાડો પાડીને પણ ફ્રસ્ટ્રેશન ઓછું થતું હોય તો એનાથી સારું શું? આ પ્રશ્નનો જવાબ આપતાં મીનલ મખીજા કહે છે, ‘ના, એવું નથી. સ્ક્રીમિંગ બૉક્સ એક હદે મદદ કરી શકે છે પણ એ પૂરતું નથી, કારણ કે લાગણીઓ અંદર કેમ ધરબાઈ ગઈ? કયા પ્રકારની લાગણીઓ હતી? કેમ બાળક પોતાને એક્સપ્રેસ નથી કરી શકતું, કઈ વસ્તુ છે જે તેના મનને કોરી ખાય છે, આ બધું જ જાણવું અત્યંત જરૂરી છે. સ્ક્રીમિંગ બૉક્સ એક સેફ પ્લેસ છે જ્યાં તે તેનો ઊભરો ઠાલવી શકે છે, જ્યાં તેને કોઈ જજ નહીં કરે એ વાત સાચી પરંતુ ત્યાંથી તો કામ શરૂ થાય છે. ઊભરો ઠલવાઈ જવો પૂરતો નથી. આ તો ઉપરનો લાવા છે જે બહાર આવે છે. એનાથી થોડું સારું ફીલ થાય, પણ હંમેશાં માટેનો પ્રશ્ન દૂર ન થાય.’ 

બાળકની લાગણીને સાચી રીતે બહાર લાવવા શું કરવું?

બાળકની લાગણીઓ સાચી હોય છે. એને બહાર આવવા દેવી, પણ સાચી રીતે બહાર આવવી જોઈએ. એ કઈ રીતે શીખવી શકાય એ સમજાવતાં મીનલ મખીજા કહે છે, ‘બાળકોનો ગુસ્સો કોઈ ને કોઈ રીતે તે બહાર કાઢે એટલે કે જો એ તંત કરે, પગ પછાડે, જીદ કરે અથવા કોઈ પણ અણછાજતું વર્તન કરે તો એ માટે જ્યારે તમે તેને ખિજાઓ ત્યારે તેને કઈ રીતે સમજાવશો કે ગુસ્સો આવે તો રાડો પાડવી યોગ્ય નથી. તમે જ તો તેની સામે લાઇવ ઉદાહરણ બની બેઠા કે જ્યારે વસ્તુ તમારા કન્ટ્રોલથી બહાર જાય એટલે રાડો પડાય. એના બદલે તમે શાંત રહો. તેને છોડીને ન જાઓ, એ જ રૂમમાં રહો. તેને કહો કે તારાં તોફાનો બંધ થાય, તું વાત કરવા માટે તૈયાર થાય ત્યારે તું મારી પાસે આવજે. ત્યાં સુધી મારે કંઈ તને કહેવું નથી. ઘણા પેરન્ટ્સ આવા બાળકને એક જગ્યાએ બંધ કરી દે છે, છોડીને જતા રહે છે ત્યારે બાળક અસુરક્ષિત થઈ જાય છે. એની બદલે ત્યાં જ રહો. રાહ જુઓ. તેનો ગુસ્સો ઠંડો પડશે એટલે તે વાત કરશે. એ સમયે ઘણા પેરન્ટ્સ બાળકનું ધ્યાન બીજે લઈ જાય છે. એવું પણ ન કરવું. ગુસ્સો કઈ બાબતનો છે અને એનો શું પૉઇન્ટ છે એ સાંભળવું જરૂરી છે. પછી એમાં તમારી વાત મૂકી શકો છો. આ રીતે વાત કરીને પ્રૉબ્લેમ સૉલ્વ કરતાં તેને શીખવો. તે જ્યારે કહે ત્યારે તેને પૂરું બોલવા દો. પછી તેને સમજાવો. છેલ્લે એક વાત ધ્યાનમાં રાખો, દરેક વ્યક્તિને અંતે બીજી વ્યક્તિ પાસેથી અવિરત પ્રેમ અને સમય જોઈતો હોય છે. બાળકની પણ આ બેસિક જરૂરિયાત છે. જો એ તમે એને આપશો તો તેને બીજું કશું જોઈતું નથી હોતું.’ 

Education mental health health tips columnists Jigisha Jain mumbai social media viral videos