ચોમાસું જામે એ પહેલાં યોગથી તૈયાર થઈ જાઓ

14 June, 2023 04:07 PM IST  |  Mumbai | Ruchita Shah

વરસાદે ધીમી પધરામણી કરી છે ત્યારે આ ઋતુમાં નબળી પાચનશક્તિથી લઈને ઇમ્યુનિટી નબળી પડવાને કારણે થતા રોગોથી કઈ રીતે જાતને સુરક્ષિત રાખશો એ માટેની યોગિક પ્રૅક્ટિસ વિશે વાત કરીએે

પ્રતીકાત્મક તસવીર

બદલાયેલી ઋતુમાં શરીરની સ્વસ્થતા જાળવી રાખવી હોય તો અંદરથી સ્ટ્રૉન્ગ રહેવું જરૂરી છે અને યોગ તમને અંદરથી સ્ટ્રૉન્ગ બનાવે છે. ચોમાસામાં કફનું પ્રમાણ વધે છે અને બહારની ઠંડીને કારણે ઍલર્જી, સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન, પાચનને લગતી સમસ્યાઓ પણ વકરે છે. કેટલાંક આસનો તમારું શ્વસન સુધારીને ઍલર્જીથી તમારું રક્ષણ કરે છે. કેટલાક પ્રાણાયામ અને મુદ્રા શરીરમાં હીટ વધારીને કફને કન્ટ્રોલમાં રાખે છે. આજે આ વિષય પર ૨૦૦૭થી લઈને લાખો લોકોને નિ:શુલ્ક યોગ શીખવી ચૂકેલા ૭૮ વર્ષના યોગ શિક્ષક પ્રમોદ શાહ સાથે વાત કરીએ. 

નિયમિત છો તમે?

શરીરનું સ્વાસ્થ્ય ડિસિપ્લિન સાથે આવતું હોય છે. યોગથી પોતાની હાર્ટ હેલ્થને સારી કરનારા અને અનેકના જીવનને રોગોથી મુક્ત કરાવનારા પ્રમોદભાઈ કહે છે, ‘નિયમિતતા યોગથી શરીરને સ્વસ્થ કરવાની પહેલી કન્ડિશન છે. તમે જો અનિયિમિત જીવનશૈલી ધરાવતા હશો તો તમને સમય પર ધાર્યો લાભ નહીં મળે. સવારે ઊઠવાનો, રાતે સૂવાનો, સમય પર પૌષ્ટિક ભોજન લેવાનો તમારો સમય ફિક્સ હશે તો પચાસ ટકા બીમારી તો તમને આવશે જ નહીં. એ નિયમિતતામાં જો યોગ પણ જોડાશે તો શરીરના રોગો જશે અને લાંબા સમય માટે સ્વાસ્થ્ય પણ જળવાયેલું રહેશે. બદલાતી ઋતુ વચ્ચે તમારાં ફેફસાં મજબૂત કરવાનું કામ પ્રાણાયામ કરશે તો તમારી મંદ પડેલી પાચનશક્તિમાં યોગ ઉપયોગી નીવડશે. શરીરની ફ્લેક્સિબિલિટી સુધરવાથી રક્તપરિભ્રમણ બહેતર બનશે તો સાથે જ માનસિક રીતે સ્ટ્રેસ હળવું થવાથી પણ હૉર્મોન્સ સંતુલિત રહેશે. આ સીઝનમાં વારંવાર નાક બંધ થઈ જવું, શરદી-ખાંસી રહેવા જેવી સમસ્યાઓ પણ સામાન્ય છે. એમાં પણ યોગનો વિશેષ પ્રભાવ પડતો હોય છે.’

આ અભ્યાસ લાભ કરશે

યોગાભ્યાસમાં શું કરવાથી લાભ થાય એનો જવાબ આપતાં પ્રમોદભાઈ કહે છે, ‘બાબા રામદેવે કૉમન મેન માટે દર્શાવેલાં બાર આસનોનો સેટ કરો અને આઠ પ્રાણાયામ કરો તો એટલું પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે. ઘણા એવા કિસ્સાઓ મારી પાસે છે જેમાં માત્ર આટલી જ પ્રૅક્ટિસ હોય અને છતાં તેમની કૅન્સર જેવી ગંભીર બીમારીમાં પણ લાભ થયો હોય. બેશક, વ્યક્તિએ પોતાની હેલ્થ કન્ડિશનને ધ્યાનમાં રાખીને અનુભવી યોગ શિક્ષકની નિગરાણીમાં યોગ કરવો અતિજરૂરી છે. ધારો કે હાઈ બ્લડ-પ્રેશરવાળી વ્યક્તિ છે તો તેણે કપાલભાતિ જુદી રીતે કરવાનો હોય, જેમને હાઈ બીપી હોય તેમણે અમુક આસનો ન કરવાં જોઈએ. આ સાવધાની બહુ જ મહત્ત્વની છે.’

કઈ પ્રૅક્ટિસ કરશો? 

આસન : બાર આસનોનો સેટ યોગ શિક્ષક પ્રમોદ શાહ રેકમન્ડ કરે છે જેને બાબા રામદેવે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. તેઓ કહે છે, ‘જેમની ઉંમર નાની છે તેઓ રેગ્યુલર એક્સરસાઇઝમાં આંખ મીંચીને આ બાર આસનોનું પૅકેજ નિયમિત કરે, સૂર્યનમસ્કાર કરે તો પૂરતું થઈ પડશે. બાર આસનના આ પૅકેજમાં ચાર આસન કમર માટે છે. મકરાસન, ભુજંગાસન, શલભાસન અને મર્કટાસન. જો આ ચાર આસન કરતા રહો તો તમારી કમર એકદમ ફિટ ઍન્ડ ફાઇન રહેશે. ચાર કે પાંચ મિનિટમાં આ ચાર આસન થઈ જશે. એ પછી છે બૉડી બૅલૅન્સિંગ આસનો. એમાં ત્રણ આસનો મહત્ત્વનાં છે. અર્ધહલાસન, પાદવૃત્તાસન અને દ્વિચક્રી આસન એટલે કે સાઇક્લિંગ. આ આસન વજનનું નિયમન કરવામાં ઉપયોગી છે. જેમનું વજન વધુ હશે તેમનું ઘટશે અને ઓછું હશે તેમનું વધશે. એવી જ રીતે તાડાસન, ત્રિકોણાસન, મંડૂકાસન, ઉષ્ટ્રાસન, અર્ધવક્રાસન પણ તમારી કરોડરજ્જુને મજબૂતી આપશે. પેટના સ્નાયુઓ મજબૂત થશે, લિવર અને કિડનીને મદદરૂપ થશે, ડાયાબિટીઝમાં રાહત આપશે. ઓવરઑલ હેલ્ધી રહેવા માટે આટલાં આસનો પણ પૂરતાં છે.’

પ્રાણાયામ : બાબા રામદેવે એવી જ રીતે આઠ પ્રાણાયામનું પણ પૅકેજ બનાવ્યું છે. એ પણ દરરોજ કરવા જેવું છે એમ જણાવીને પ્રમોદભાઈ કહે છે, ‘કપાલભાતિ, ભસ્ત્રિકા, બાહ્ય પ્રાણાયામ (જેમાં શ્વાસ ઊંડો ભરીને ફોર્સ સાથે સંપૂર્ણ બહાર કાઢવાનો અને પછી વ્યક્તિની ક્ષમતા મુજબ એને રોકવાનો), અગ્નિસાર, ઉજ્જઈ, અનુલોમ-વિલોમ, ભ્રામરી, ઉદ્ગિધ (જેમાં ઊંડો શ્વાસ ભરીને ઓમનું ઉચ્ચારણ કરતાં-કરતાં ધીમે-ધીમે શ્વાસ છોડવાનો) અને પ્રણવ ધ્યાન (જેમાં બન્ને ભ્રમરની વચ્ચે આજ્ઞા ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને ઓમકાર અથવા તો ઈષ્ટદેવને વિઝ્યુઅલાઇઝ કરવાના). આ આઠ પ્રૅક્ટિસનો સેટ અને આગળ જણાવેલાં બાર આસન કરો તો પણ તમારું ચોમાસું શરીર અને મનની દૃષ્ટિએ સુધરી જશે.’

આ અવશ્ય ટ્રાય કરજો

ચોમાસામાં શરીરમાં ગરમાટો અકબંધ રાખવા અને જઠરાગ્નિ વધારવા માટે સૂર્ય મુદ્રા અને પ્રાણાયામ અવશ્ય ટ્રાય કરજો. 

સૂર્ય મુદ્રા : તમારી અનામિકા આંગળીના ટેરવાને અંગૂઠાના બેઝ પર લગાવીને ઉપર અંગૂઠાને રોલ કરવાનો હોય છે. 

સૂર્યભેદન પ્રાણાયામ : જમણી નાસિકાથી શ્વાસ લઈને ડાબી બાજુથી છોડવાનો હોય છે સૂર્યભેદી પ્રાણાયામમાં.

જમ્યા પછી જો આ મુદ્રા અને પ્રાણાયામ કરશો તો ઓડકાર આવીને ખાવાનું પાચન પણ ઝડપથી થઈ જશે.

yoga health tips ruchita shah columnists