18 January, 2023 08:36 AM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
જિમમાં વર્કઆઉટ દરમ્યાન અચાનક કૉલેપ્સ થવાના વધી રહેલા કિસ્સાઓને કારણે લોકો શું કરવું એની મૂંઝવણમાં છે ત્યારે જિમ સાથે યોગનો સંયોગ થાય તો એ કઈ રીતે તમારી હેલ્થમાં ઉમેરો કરી શકે એ જાણીએ. નિષ્ણાતો કહે છે કે જિમના વર્કઆઉટ સાથે યોગ ઍડ કરી દો તો કમાલ થઈ શકે છે
ધારો કે બન્ને કરવું હોય તો?
તમે જિમ અને યોગ બન્નેને પ્રિફર કરતા હો તો પહેલાં જિમનું વર્કઆઉટ કરો અને પછી યોગ કરજો અથવા તો બન્ને માટે જુદો દિવસ રાખી એકાંતરે કરો તો પણ ચાલે. જિમ પછી યોગનો અભ્યાસ શરીરની રિકવરી માટે ઉપયોગી નીવડશે.
તાજેતરમાં રાજુ શ્રીવાસ્તવની દીકરીએ એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી કે ‘મારા પિતાના નિધન માટે જિમને દોષ નહીં, તેમની તબિયત પહેલાંથી જ ખરાબ હતી. જિમમાં તેઓ વર્ષોથી જતા હતા.’ જોકે છેલ્લા કેટલાક અરસામાં વર્કઆઉટ કરતાં-કરતાં વિવિધ ઍક્ટરોનાં આક્સ્મિક મોતને કારણે ક્યાંક ને ક્યાંક જિમમાં જઈને એક્સરસાઇઝ કરવી કે નહીં એ બાબતમાં લોકોમાં શંકા તો જગાડી જ છે. અમેરિકામાં થયેલો એક અભ્યાસ કહે છે કે લગભગ ૧૬ ટકા લોકો એક્સરસાઇઝ કરતાં અચાનક આવેલા કાર્ડિઍક અરેસ્ટને કારણે મૃત્યુ પામે છે. જ્યારે તમે ઇન્ટેન્સ એક્સરસાઇઝ કરો છો તો એ તમારા હાર્ટ-રેટ વધારી દે, બ્લડપ્રેશરને શૂટ કરી દે અને એડ્રિનલિન હૉર્મોન્સનું પ્રમાણ પણ અચાનક શૂટઅપ કરી દે. જે કદાચ હાર્ટ-અટૅકમાં નિમિત્ત બનતું હશે?
આજે જાણીએ કે જિમમાં વર્કઆઉટ કયા સંજોગોમાં ઘાતક સાબિત થઈ શકતું હોય છે અને યોગ કઈ રીતે તમારા વર્કઆઉટમાં લાભકારી સાબિત થઈ શકે છે? યોગમાં એવું શું છે જે તમને અન્ય વર્કઆઉટ થકી નહીં મળે?
બહુ જ વ્યક્તિગત બાબત
યોગ અથવા તો જિમ, શું કરવું જોઈએ? જવાબમાં ફિટનેસ-ટ્રેઇનર અને યોગ-સ્ટુડન્ટ ક્રીના ઝવેરી કહે છે, ‘આ વ્યક્તિગત ચૉઇસ છે. વર્ષોના મારા અનુભવ પરથી હું એટલું સમજી છું કે જે જિમમાં જવા ટેવાયેલો છે તેને તમે યોગના ગમે એટલા ફાયદા કહેશો તોય તે યોગ શરૂ નહીં જ કરે, એ જ રીતે જેને યોગ અથવા જિમ એમ કંઈ જ નથી કરવું તેને તમે ગમે તેવા લાભ દેખાડશો તોય તે કંઈ જ નહીં કરે. લાઇફમાં એક્સરસાઇઝનો ઉમેરો કરવો એક બહુ મોટો બિહેવિયર ચેન્જ છે અને તમારો અલ્ટિમેટ ગોલ શું છે યોગ અથવા જિમ જૉઇન કરવા પાછળનું એની જો ક્લૅરિટી હોય તો ચૉઇસ સરળ થઈ જાય. જોકે મારી દૃષ્ટિએ બન્નેની પોતાની વિશેષતા છે અને બન્ને પોતપોતાની રીતે ખાસ છે. તમે એકેય વધુ સારું છે કે ખરાબ એવા કન્ક્લુઝન પર ન આવી શકો.’
શું ખાસિયત છે?
જિમ એ મુખ્યત્વે ફિઝિકલ સ્ટ્રેંગ્થ સાથે સંકળાયેલું છે, જ્યારે યોગમાં બૉડી, માઇન્ડ એન્ડ બ્રીધિંગ એમ ત્રણેય પર ફોકસ હોય છે. જિમ તમારી ફિઝિકલ સ્ટ્રેંગ્થ જો બરાબર ન હોય તો નુકસાન પણ કરી શકે છે એ જ રીતે યોગમાં પણ અઘરાં આસનો ખોટી રીતે કરવા જાઓ તો ઇન્જરી કરાવી શકે છે. ક્રિના કહે છે, ‘જિમ એ સ્ટ્રેંગ્થ બિલ્ડિંગ માટે મહત્ત્વનું પાસું મનાય છે, જેમાં તમે વધુ વજન લઈને પણ તમારા સ્નાયુઓની ક્ષમતા વધારવાના પ્રયાસ કરી શકતા હો છો, જ્યારે યોગમાં તમારા બૉડીવેઇટનો ઉપયોગ કરીને જ સ્ટ્રેંગ્થ બિલ્ડિંગ કરી શકતા હો છો. મોટા ભાગે યંગ હોય, શરીરમાં કોઈ મેજર બીમારી ન હોય અને ફિઝિકલી સ્ટ્રૉન્ગ હોય એવા લોકો જો જિમમાં જાય તો તેમને જિમ વધુ અનુકૂળ આવશે, પરંતુ એનો અર્થ એવો નથી કે તેમણે યોગ ન કરવું જોઈએ. કારણ કે તમારી અવેરનેસ વધારવી, તમારી બ્રીધિંગ પપૅટર્ન સુધારવી, તમારું ફિઝિકલ બૅલૅન્સ સ્ટ્રૉન્ગ કરવું અને અફકોર્સ ફ્લેક્સિબિલિટી બહેતર કરવી એ બેનિફિટ જે સ્તર પર તમને યોગમાંથી મળશે એ જિમ તમને નહીં આપી શકે. જિમ એ ટાર્ગેટેડ બૉડીપાર્ટ સાથે વર્કઆઉટ કરો ત્યારે વધુ ઇફેક્ટિવ સાબિત થાય છે, જ્યારે યોગ એ તમારી ઓવરઑલ સ્ટ્રેંગ્થ વધારે છે. જિમમાં વેઇટલિફ્ટિંગમાં જે સ્તર પર પ્રોગ્રેશન શક્ય છે એ બાબત યોગમાં શક્ય નથી. ઓવરઑલ કહું તો જિમ કદાચ બધા માટે અનુકૂળ ન પણ હોય. અમુક ખાસ પ્રકારની જરૂરિયાત ધરાવતા લોકો માટે જિમનું હેવી વર્કઆઉટ કર્યા વિના છૂટકો પણ ન હોય, જેમ કે ઍથ્લીટ હોય કે કોઈ સ્પોર્ટ્સમૅન હોય તો તેને જે લેવલની મસલ્સ સ્ટ્રેંગ્થ જોઈતી હોય એ જિમથી વધુ બહેતર રીતે ગેઇન થઈ શકે, પરંતુ યોગ એક એવી બાબત છે જે દરેક એજ-ગ્રુપના, દરેક હેલ્થ કન્ડિશનના અને દરેક ટાઇપની પર્સનાલિટીના લોકો કરી શકતા હોય છે. બહુ ઇન્ટેન્સ ભલે ન હોય, પણ બૉડીની ઇન્ટર્નલ હેલ્થ સુધારવામાં ઇફેક્ટિવ ખૂબ હોય છે.’
આ પન વાંચો : સુસાઇડલ ટેન્ડન્સીમાં યોગથી લાભ કરાવી શકાય?
બન્નેનો સમન્વય કરીએ તો?
યોગાભ્યાસ કરનાર વ્યક્તિ એક વાર જિમમાં ન જાય તો ચાલે, જો તેનો ગોલ ઓવરઑલ હેલ્ધી રહેવાનો જ હોય તો, પરંતુ જિમમાં જતી વ્યક્તિએ પોતાના વર્કઆઉટમાં જિમને સામેલ કરવું જોઈએ એવું નિષ્ણાતો માને છે. ક્રીના કહે છે, ‘કોઈ રનર છે જે રોજ રનિંગ કરે છે અને સાથે જિમમાં વર્કઆઉટ પણ કરે છે, પરંતુ રેગ્યુલર સ્ટ્રેચિંગ નથી કરતો અથવા તેની બ્રીધિંગ પૅટર્ન બરાબર નથી અથવા તો મેન્ટલી કૂલ થવા માટે તે કોઈ એફર્ટ્સ નથી લેતો, તો લાંબા ગાળે પણ તેના પર્ફોર્મન્સને અસર થવાની જ છે. એને બદલે જો તે યોગ અને જિમ સાથે ક્લબ કરીને આગળ વધશે તો દિવસે-દિવસે શ્યૉરલી તેનો પર્ફોર્મન્સ વધશે. આગળ કહ્યું એમ, જિમ ઇન્ટેન્સ છે અને વ્યક્તિગત નીડ પ્રમાણે તમે એમાં આગળ વધી શકો છો, પરંતુ તમને મેન્ટલી અને ફિઝિકલી સ્ટેબિલિટી આપવાનું કામ, તમારી ફ્લેક્સિબિલિટી વધારવાનું કામ યોગ થકી વધુ બહેતર રીતે થાય છે. બીજી વાત, ઓવર-વર્કઆઉટના ગેરફાયદા છે. અત્યારે જિમમાં વ્યક્તિ કૉલેપ્સ થઈ જવાના આપણે જે કિસ્સા સાંભળીએ છીએ એમાં ઘણી વાર ઓવર-વર્કઆઉટ પણ કારણ હોઈ શકે છે એટલે પણ દરરોજ હેવી વર્કઆઉટને બદલે અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ તમે બૉડીને આરામ આપવાના હેતુથી અને બીજી રીતે ઇન્ટર્નલી બૉડીને હેલ્ધી કરવાના ધ્યેય સાથે યોગ માટે સમય ફાળવો તો તમને એમાં વધુ લાભ થશે.’
હૉલિસ્ટિક અપ્રોચ
જિમ, યોગ, ઝુમ્બા કે પિલાટેઝ એમ જે પણ એક્સરસાઇઝ કર્યા કરો; પણ તેની સાથે જો તમારું ડાયટ બરાબર નહીં હોય તો એ પણ તમારા શરીરને જોઈતું પરિણામ નહીં આપે. ઊંઘ તમે બરાબર નહીં લેતા હો તો એનાથી પણ શરીરને તકલીફ પડશે. અલ્ટિમેટલી એક બૅલૅન્સ જીવનશૈલી એ જ આદર્શ છે. ક્રિના કહે છે, ‘તમારા શરીરને સાંભળો. કોઈ પણ બાબતની અતિશયોક્તિ શરીરને નુકસાનકર્તા છે. ફિટનેસ-ટ્રેઇનર તરીકે એક વાત તો ખાસ કહીશ કે રેસ્ટ અને રિલૅક્સેશન એ ઓવર-ટ્રેઇનિંગ કરતાં વધુ મહત્ત્વનાં છે. તમે એક વાર કંઈ જ નહીં કરો તો ચાલશે પણ વધુપડતું કરવા જવામાં નુકસાનના ચાન્સ વધુ છે. ઓવર-ટ્રેઇનિંગ કરતાં હું અન્ડર-ટ્રેઇનિંગને હું વધુ પ્રિફર કરાવીશ, કારણ કે એમાં કદાચ લાભ ઓછો થશે, પણ નુકસાન તો નહીં જ થાય અને હા, ઈવન જિમ કરતા હો તો પણ છેલ્લી ૧૫ મિનિટ તો તમારે બ્રીધિંગ અને મેડિટેશન માટે કાઢીને બૉડીને કૂલ ડાઉન કરવું જ જોઈએ.’
રેસ્ટ અને રિલૅક્સેશન મહત્ત્વનાં છે. શરીરને સાંભળો. કંઈ નહીં કરો તો ચાલશે, પણ વધુપડતું કરવા નુકસાનના ચાન્સ વધુ છે. સમજણ વિનાની ઓવર-ટ્રેઇનિંગ કરતાં અન્ડર-ટ્રેઇનિંગને હું વધુ
પ્રિફર કરાવીશ. : ક્રિના ઝવેરી
આ પણ વાંચો : ગલે મેં ખીચ-ખીચ? તો ચાલો પ્રાણાયામમાં શોધીએ એનો ઇલાજ
જિમની ખાસિયત
વેઇટલિફ્ટિંગ દ્વારા તમારા સ્નાયુઓની ક્ષમતા વધારી શકે.
વેઇટલૉસમાં અને ઝડપી કૅલરી બર્નમાં વધુ ઇફેક્ટિવ છે.
સ્ટ્રેંગ્થ વધવાથી અને શરીરના મસલ્સ ટોન થવાથી જોઈતો લુક તમે જિમ થકી જલદી અચીવ કરી શકો.
મસલ્સ બિલ્ડિંગ માટે અને શરીરને ટોન કરવા માટે જિમ વધુ ઝડપી અને ઇફેક્ટિવ છે.
જિમનું વર્કઆઉટ મોટા ભાગે પસીનો પાડવાનું અને થકવી નાખનારું હોય છે. એ રીતે બૉડીને ડિટૉક્સ કરે છે, પરંતુ સામે શરીરને રિકવર થવા માટે સમય આપવો મહત્ત્વનું છે.
યોગની ખાસિયત
અવેરનેસ વધારીને તમને શારીરિક અને માનસિક રીતે સંતુલિત કરશે.
શ્વસન સુધારીને શરીરની આંતરિક ક્ષમતા અને વિવિધ અવયવોની કાર્યક્ષમતા સુધારશે.
મેન્ટલ પાવર વધારીને શરીરની સહનશક્તિને બહેતર કરશે.
શરીરની ફ્લેક્સિબિલિટી વધારીને બ્લડ સર્ક્યુલેશન સુધારશે.
ઉંમરના બાધ વિના અને કોઈ પણ જાતનાં ઇન્સ્ટ્રુમેન્ટ વિના દરેક જણ યોગ કરી શકે. યોગ તમને સ્વાવલંબી બનાવે છે.
ઇન્જરીની સંભાવના ઓછી છે. યોગ કર્યા પછી લોકો ફ્રેશ ફીલ કરતા હોય છે.