14 November, 2024 07:36 AM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
આજથી ૨૦-૨૫ વર્ષ પહેલાં આ રોગ ૬૦ વર્ષ કે એનાથી વધુની ઉંમરના લોકોમાં આવતો હતો. એ પછી ધીમે-ધીમે નિદાનની ઉંમર ઘટતી ગઈ અને આજે હાલત એ છે કે ૨૦-૨૨ વર્ષના યુવાનો આ રોગનો ભોગ બની ગયા છે જે ઘણું જ અલાર્મિંગ છે. આ ઉંમરે આ રોગ ઘર ન કરવો જોઈએ. વિશ્વ ડાયાબિટીઝ દિવસ નિમિત્તે જાણીએ કે રેગ્યુલર ટેસ્ટ દ્વારા નિદાન મેળવી અને લાઇફ-સ્ટાઇલ બદલાવીને આપણે આ રોગને સંપૂર્ણ રીતે પાછો ધકેલી શકીએ છીએ
૧૬ વર્ષના એક ઓબીસ યુવાનના પિતાને વર્ષોથી ડાયાબિટીઝ હતો અને તેમની કિડની ખરાબ થઈ રહી હતી. તેમને જરૂર હતી કિડની-ટ્રાન્સપ્લાન્ટની. એટલે એ ૧૬ વર્ષના યુવાનની જરૂરી ટેસ્ટ થઈ જેમાં સમજાયું કે ૧૬ વર્ષની નાની ઉંમરે તે
પ્રી-ડાયાબેટિક સ્ટેજ પર પહોંચી ગયો છે એટલું જ નહીં, તેના શરીરમાં ઇન્સ્યુલિનનું નિર્માણ જરૂરી હોય એના કરતાં ઘટતું જઈ રહ્યું છે. છેલ્લા ૬ મહિનાથી આ યુવાન સખત લાઇફ-સ્ટાઇલ ચેન્જ પર ફોકસ કરી વજન ઘટાડી રહ્યો છે, કારણ કે તે તેના પિતાને કિડની દાનમાં આપવા માટે તૈયાર થઈ રહ્યો છે.
૨૧ વર્ષના સૉફ્ટવેર એન્જિનિયરે હાલમાં જે કંપની જૉઇન કરી એમાં ફરજિયાત હેલ્થ ચેકઅપ કરાવવામાં આવ્યાં ત્યારે તેને ખબર પડી કે તેને ડાયાબિટીઝ છે. તે ઓબીસ પણ નહોતો છતાં કૉલેજનાં છેલ્લાં વર્ષોની મહેનત, નોકરી નહીં મળે તો શું એનું અનહદ સ્ટ્રેસ અને ઘરની પરિસ્થિતિ બધું મળીને આજે ૨૧ વર્ષે તેણે ડાયાબિટીઝ જેવા રોગને આમંત્રણ આપી દીધું હતું. કંપની નવી હતી એટલે કામ ખૂબ હતું અને હવે ખુદ પર ધ્યાન આપવા માટેનો સમય પણ નહોતો. છતાં ડૉકટરે તેને તાકીદ કરી હતી કે બધું છોડી ડાયાબિટીઝ પર ધ્યાન આપવું જરૂરી છે.
૨૪ વર્ષની ફૅશન-ડિઝાઇનરના પિરિયડ્સ અનિયમિત હતા. તે ગાયનેક પાસે ગઈ. તેમણે જરૂરી ચેકઅપ કરાવ્યાં ત્યારે ખબર પડી કે તેનાં હૉર્મોન્સની ઊથલપાથલ પાછળ ડાયાબિટીઝ જવાબદાર બન્યો છે. છોકરીના ઘરમાં કોઈને જ ડાયાબિટીઝ નથી. તેના કામનો પ્રકાર એવો છે કે તેણે રાત્રે જાગવું જ પડે છે. છેલ્લાં લગભગ દસેક વર્ષથી તે રાત્રે બે વાગ્યા પહેલાં સૂતી જ નથી. ડૉક્ટરે આ બધું બદલવું જ પડશે એવી વાત તેને કરી નહીંતર ડાયાબિટીઝ, PCOS અને થાઇરૉઇડ શરીરમાં કાયમી રહી જશે.
૧૬થી ૨૬ વર્ષની યુવાન વયે જ્યારે વ્યક્તિને નખમાંય રોગ ન હોવો જોઈએ ત્યારે ડાયાબિટીઝ જેવો મોટો રોગ લઈને બેઠેલાં આ ઉદાહરણો સાવ એકલદોકલ નથી. આજકાલ ઘણા યુવાનો આ રોગનો ભોગ બની રહ્યા છે જે પોતાનામાં એક મોટી ચિંતા લઈને આવનારું તથ્ય છે. દરેક ઘરમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ ડાયાબિટીઝનો રોગ ધરાવે છે એ વાત સાચી પરંતુ જો આ વ્યક્તિ ઘરની સૌથી યુવાન વ્યક્તિ હોય તો ચિંતા બેવડાય એ પણ સહજ છે. છેલ્લાં ૨૦-૩૦ વર્ષમાં ડાયાબિટીઝ નામના રોગમાં ઘણાં પરિવર્તન જોવા મળ્યાં છે. આમ તો આ રોગના બે પ્રકાર છે, ટાઇપ-1 ડાયાબિટીઝ લગભગ જન્મથી કે બાળકોમાં જોવા મળતો રોગ છે; જ્યારે ટાઇપ-2 ડાયાબિટીઝ સામાન્ય રીતે વયસ્કોમાં જોવા મળતો પ્રકાર છે. પરંતુ આજકાલ આ ટાઇપ-2 ડાયાબિટીઝ યુવાનોમાં જોવા મળી રહ્યો છે.
એ વાત સાથે સહમત થતાં ગાડગે ડાયાબિટીઝ કૅર સેન્ટર બોરીવલી અને ગોરેગામના ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘આજથી ૨૦ વર્ષ પહેલાં જ્યારે અમે મેડિકલ કૉલેજમાં ભણતા ત્યારે ૬૦ વર્ષની ઉંમર wપછી લોકોને ડાયાબિટીઝ આવતો જેની સાથે હાઈ બ્લડ-પ્રેશરની તકલીફ પણ લોકોને આવતી. જ્યારે અમે પ્રૅક્ટિસ શરૂ કરી ત્યારે ૫૦ વર્ષે ડાયાબિટીઝનું નિદાન થવા લાગ્યું અને ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશરની સાથે-સાથે વ્યક્તિને કૉલેસ્ટરોલ પ્રૉબ્લેમ પણ આવવા લાગ્યો હતો. આજની તારીખે ૨૦ વર્ષની ઉંમરે ડાયાબિટીઝનું નિદાન થઈ રહ્યું છે જેની સાથે PCOS, ફૅટી લિવર, સ્લીપ ઍપ્નીઆ જેવી તકલીફો આવી રહી છે. આ વાત ડાયાબિટીઝની એક જર્ની બતાવી રહી છે. આ રોગ શેને કારણે વધુ ને વધુ લોકો સુધી ફેલાઈ રહ્યો છે, કેમ નાની ઉંમરે વધુ ને વધુ લોકો એનો ભોગ બની રહ્યા છે એ આના પરથી સમજી શકાય છે. પહેલાંના સમયમાં જ્યારે મોટી ઉંમરે ડાયાબિટીઝ આવતો ત્યારે એ ઉંમરને કારણે આવતો પ્રૉબ્લેમ હતો. આજની તારીખે જ્યારે યુવાન વયે આ બધી તકલીફો સાથે ડાયાબિટીઝ આવે છે એનું કારણ બગડતી જતી લાઇફ-સ્ટાઇલ છે, જેને કારણે આટલી યુવાન વયે બીજા બધા પ્રૉબ્લેમ્સની
સાથે-સાથે ડાયાબિટીઝ આવી રહ્યો છે.’
જિન્સ અને જીવનશૈલી
ડાયાબિટીઝ એક જિનેટિક અને લાઇફ-સ્ટાઇલ રિલેટેડ રોગ છે પણ યુવાન વયે એ આવવાનું કારણ સ્પષ્ટ કરતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘જિન્સમાં સમજવાનું એ છે કે જે જિન્સ દ્વારા દાદાને આ રોગ ૭૦ વર્ષે, પપ્પાને આ રોગ ૫૦ વર્ષે આવ્યો એ જ જિન્સ સાથે દીકરાને આ રોગ ૨૦-૩૦ વર્ષે આવી રહ્યો છે. એનો અર્થ એ છે કે જિન્સ તો સરખા જ છે પરંતુ લાઇફ-સ્ટાઇલ સંબંધિત કારણો વધી રહ્યાં છે. બેઠાડુ જીવન, પૅકેટ ફૂડનું વધતું ચલણ, ખાવાનો ખોટો સમય, વધુ સમય ભૂખ્યા રહેવું અને પછી અકરાંતિયાની જેમ ખાવું, જીવનમાં ડિસિપ્લિનનો અભાવ, વધતું વજન, હૅન્ડલ ન થતું સ્ટ્રેસ, રાત્રિજાગરણ, માનસિક રીતે બગડતી હેલ્થ, આ બધાં જ કારણો નાની ઉંમરે વ્યક્તિને ડાયાબિટીઝ તરફ ધકેલે છે. નાની ઉંમરે થતો આ રોગ શરીર માટે અત્યંત હાનિકારક છે, કારણ કે એ શરીરના દરેક અંગને નુકસાન પહોંચાડવાની તાકાત ધરાવે છે. જો નાની ઉંમરે આ રોગ શરીરમાં ઘર કરે તો એ તમારા જીવનની ક્વૉલિટી આયુષ્ય બન્ને માટે નુકસાન ઊભું કરે છે.’
જલદી નિદાનના ફાયદા
નાની ઉંમરે ડાયાબિટીઝ આવે એ જેટલું ખરાબ છે એટલું જ એક રીતે સારું પણ છે કે તમને વહેલાસર ખબર પડી ગઈ એમ જણાવતાં ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. મીતા શાહ કહે છે, ‘ડાયાબિટીઝની અસર શરીર પર હોય અને એની ખબર જેટલી જલદી તમને પડે એટલી જ જલદી તમે ચેતી શકો છો અને લાઇફ-સ્ટાઇલમાં જરૂરી બદલાવ કરીને આ રોગને તમે પાછો ધકેલી શકો છો. પરંતુ જો ૪-૫ વર્ષથી આ રોગ છે અને તમને ખબર જ નથી તો એને કાબૂમાં કરવો સરળ નહીં બને. એટલે ૨૦ વર્ષની ઉંમર પછી દર વર્ષે એક વાર HbA1C નામની ટેસ્ટ ચોક્કસ કરાવો. આ ત્રણ મહિનાની ઍવરેજ શુગરની ટેસ્ટ છે. જો એમાં તમારી શુગર પ્રી-ડાયાબેટિક સ્ટેજ પર આવી કે પછી ડાયાબિટીઝનું નિદાન આવ્યું તો તાત્કાલિક ડૉક્ટરને મળો એટલું જ નહીં, લાઇફ-સ્ટાઇલ એક્સપર્ટને મળીને એને પૂરી રીતે સુધારો. આ સ્ટેપ અનિવાર્ય છે. મહત્ત્વનું એ છે કે જેમ યુવાન વયે ડાયાબિટીઝ જલદી આવી રહ્યો છે એમ લાઇફ-સ્ટાઇલમાં બદલાવ લાવીશું તો એ જલદી પાછો પણ જતો રહેશે. એક ૬૦ વર્ષની વ્યક્તિ અને એક ૨૦ વર્ષની વ્યક્તિ બન્ને ડાયાબિટીઝને પાછો ધકેલવાની એકસરખી મહેનત કરે તો યુવાન વ્યક્તિને પૉઝિટિવ રિઝલ્ટ મળવાની શક્યતા ઘણી વધુ રહે છે. એટલે નિરાશ થવાને બદલે મહેનતના માર્ગે આગળ વધો.’
રોગને નાથવા માટે લાઇફ-સ્ટાઇલના બદલાવમાં શું કરવાનું?
લાઇફ-સ્ટાઇલમાં બદલાવમાં દરરોજ નિયમિત એક્સરસાઇઝ, હેલ્ધી ખોરાક, ડિસિપ્લિન્ડ લાઇફ-સ્ટાઇલ, સમય પર સૂવું, સમય પર ઊઠવું, સમય પર ખાવું જેટલું જરૂરી છે એની સાથે-સાથે માનસિક હેલ્થનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે એમ સૂચવતાં ડૉ. મીતા શાહ કહે છે, ‘સ્કૂલ કે કૉલેજમાં આવતું સ્ટ્રેસ જો આજની પેઢી સહન નહીં કઈ શકે તો ભવિષ્યમાં હજી કેટલું સહન કરવું પડશે, એ સમયે શું કરશે? સ્ટ્રેસ વધુ છે એવું નથી, એ સ્ટ્રેસને પચાવવાની ક્ષમતા ઘટી ગઈ છે જેને વધારવાની જરૂર છે. એકાકી જીવનમાંથી બહાર નીકળી વર્ચ્યુઅલ દુનિયામાંથી રિયલ દુનિયામાં વધુ રહેવાની જરૂર છે. એક સમય હતો કે યુવાન છોકરાઓને તો પથરા પણ પચી જતા હતા પરંતુ હવે એવું રહ્યું નથી. શરીર અને મન બન્નેની હેલ્થની કાળજી રાખવી જરૂરી છે. નાની ઉંમરે તો કોઈ કાળે આ રોગને આપણે આપણી અંદર ઘર ન કરવા દઈએ.’