12 September, 2024 11:45 AM IST | Mumbai | Laxmi Vanita
પ્રતીકાત્મક તસવીર
ઑસ્ટ્રેલિયામાં ‘રાઇટ ટુ ડિસકનેક્ટ’ નિયમ અમલમાં મૂકવાની વાત થઈ રહી છે. મતલબ કે સતત ઈ-મેઇલ અને મોબાઇલ પર કનેક્ટ રહીને હૉલિડેમાં પણ સ્ટ્રેસ ફીલ કરવાને બદલે તમે કામથી સાવ જ ડિસકનેક્ટ થઈ જઈ શકો છો. જોકે આવો ટ્રેન્ડ ભારતીય ઇકૉનૉમીને ડુબાડી દેશે એવી વાતો પણ થઈ રહી છે ત્યારે પોતપોતાના ક્ષેત્રે અવ્વલ સ્થાન ધરાવતા કેટલાક મહાનુભાવો પાસેથી સમજીએ કે આ બ્રેક શું કામ મહત્ત્વનો છે અને કામ સફર ન થાય એમ તમે કઈ રીતે ‘રાઇટ ટુ ડિસકનેક્ટ’ કરી શકો
એકવીસમી સદીની જીવનશૈલીનો એક ગંભીર પ્રશ્ન એ છે કે કામ અને અંગત જીવન એટલે વર્ક-લાઇફ બૅલૅન્સ કેવી રીતે થઈ શકે? અસમતુલાને કારણે લોકો ડિપ્રેશનમાં આવી જતા હોય છે અથવા તો તેમનું અંગત જીવન નષ્ટ થઈ જાય છે એટલે કંપનીઓ પણ કર્મચારીઓના અંગત જીવનને અસર ન પડે એ રીતે વર્ક-પૉલિસી બનાવતી હોય છે. અવારનવાર આ જ વિષય પર વર્કશૉપનું આયોજન પણ થતું હોય છે. રાઇટ ટુ ડિસકનેક્ટ એટલે કે સત્તાવાર રીતે તમે ઑફિસનો સમય પૂરો થયા પછી કામને લગતો કોઈ પણ ફોન કે ઈ-મેઇલનો જવાબ આપવા માટે તમે જવાબદાર નથી. વિદેશોમાં કંપનીઓ કર્મચારીઓના જીવનને સુધારવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે ભારતમાં ચિંતાનો વિષય એ છે કે કર્મચારીઓ આ પ્રકારની પૉલિસીનો દુરુપયોગ કરીને ઇકૉનૉમી બગાડી નાખશે. મુંબઈના એવા લોકો જે પોતે નિયમિત ડિસકનેક્ટ થઈને પોતાના ફીલ્ડમાં ટૉપ પર રહે છે તેમની પાસેથી જાણીએ કે કેવી રીતે અન્ય લોકો પણ ડિસકનેક્ટ થઈને પોતાના કામ પર અસર ન થવા દે.
ગીતાના શ્લોકનું પાલન અઘરું છે, પરંતુ જો અેને અનુસરો તો બધું જ શક્ય છે : ગૌરવ મશરૂવાલા, ફાઇનૅન્શિયલ પ્લાનર
જાણીતા ફાઇનૅન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ પુસ્તકના લેખક ગૌરવ મશરૂવાલા કહે છે, ‘ભગવદ્ગીતાના બીજા અધ્યાયના ૪૭મા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચનઃ! નિષ્કામ કર્મ કરતા રહેવું અને પરિણામની ચિંતા ન કરવી એ જો જીવનમાં ઉતારો તો બધું જ શક્ય છે. કોઈ પણ કામની સાથે અટૅચ ન થઈ જવું એટલે કે ખોવાઈ ન જવું. મારા એક મિત્ર છે અમિત ત્રિવેદી. તેમના પપ્પા કહેતા કે દરિયામાં એક પતાસું (સાકરની બનેલી વાનગી) નાખીએ તો દરિયો મીઠો નહીં થાય, પરંતુ આપણે તો આપણું કાર્ય કર્યુંને! એટલે તમારા કામની અસર શું થશે એના પર તમારું નિયંત્રણ નથી, પરંતુ એને કારણે કામ કરવાનું બંધ તો ન કરીએને! આજીવન ઘણીબધી સંસ્થાઓ સાથે સંકળાઈને મેં નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું છે એનું પરિણામ જે આવે એ. લોકો તમારું માને કે ન માને - એનો મોહ ન રાખવો. આપણે તૈયાર થયા, સારાં કપડાં પહેરીએ કે સારી વર્તણૂક કરીએ તો આપણે વિચારીએ કે લોકો આપણા વિશે શું વિચારશે! મેં હંમેશાં વિચાર્યું છે કે ભગવાન શું વિચારશે? જ્યારે આ ભગવાન શું વિચારશે એ વિચાર કરતા થાઓ ત્યારે બધું જ શક્ય થઈ જશે. એટલે ગીતાના શ્લોકનું પાલન કરવું કદાચ અઘરું પડે, પરંતુ એનું અનુસરણ કરવાની ટેવ પડે તો તમને કોઈ વસ્તુ પ્રત્યે અટૅચમેન્ટ નહીં થાય એટલે આપોઆપ તમે ડિસકનેક્ટ થઈને પોતાનું કામ કરી શકો છો. સંસ્થા ચલાવવી અને એના માટે સૂચન કરવું એ બે જુદી વાત છે. એનું ઉદાહરણ આપું. પાર્ટિશન પહેલાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચેનો બહુ જ સરસ સંવાદ છે. ગાંધીજીએ કંઈક કહ્યું એમાં ભારતને નુકસાન થાય એમ હતું. ત્યારે સરદાર વલ્લભભાઈએ કહ્યું કે તમે તો મહાન છો બાપુ, મારે દેશ ચલાવવો છે. આ વાતથી ગાંધીજીને ખોટું પણ ન લાગ્યું. એટલે તમે ડિસકનેક્ટ થઈ જાઓ તો પણ જે કામ કરવાનું છે એ તો કરવાનું જ છે.’
ઇકૉનૉમીના વિકાસ માટે પણ ડિસકનેક્ટ થવું મહત્ત્વનું : ડેલોઇટ હૉપકિન્સના ઑડિટ લીડર અને CA સમીર શાહ
ડેલોઇટ હૉપકિન્સ કંપનીના ઑડિટ લીડર અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સમીર શાહ કહે છે, ‘તમારા કામને ૧૦૦ ટકા આપવા માટે ડિસકનેક્ટ થવું એ જરૂરિયાત છે. જેવી રીતે તમારા શરીરને આરામ જોઈએ એવી જ રીતે તમારા માઇન્ડને પણ આરામ જોઈએ. વર્કકલ્ચરમાં આનું આગવું મહત્ત્વ છે. અમે લોકોને ડિસકનેક્ટ થવા માટે પ્રેરીએ છીએ. જ્યારે વ્યક્તિને માઇન્ડ રીસેટ કરવાનો સમય મળે ત્યારે તે વધારે સારો પર્ફોર્મન્સ આપી શકે છે. સતત કામ સાથે કનેક્ટેડ હોય એવા વર્કકલ્ચરની કર્મચારી અને કામ પર ખરાબ અસર પડે છે. મને લાગે છે કે કાયદા કરતાં આ માનવની મૂળભૂત જરૂરિયાત છે. લોકો જ્યારે કામથી ડિસકનેક્ટ થાય છે ત્યારે તેઓ ખુશીનો અહેસાસ કરતા હોય છે. જ્યારે વ્યક્તિ ડિસકનેક્ટ થાય અને બીજા કામ કરતા હોય ત્યારે તેમને તેમના પર્ફોર્મન્સના ઇવૅલ્યુએશન કે પ્રમોશન પર કેવી અસર કરશે એની ચિંતા ન થવી જોઈએ. નહીંતર ડિસકનેક્ટ થવાનો કોઈ ફાયદો નથી. હોવું જોઈએ.’
૨૮ વર્ષના અનુભવી સમીર શાહ દિવસમાં પણ વીસ મિનિટથી અડધો કલાક ડિસકનેક્ટ થઈ જાય છે. તેઓ કહે છે, ‘અમે કર્મચારીઓમાં માનનારી કંપની છીએ. જો કર્મચારીની હેલ્થ સારી હશે તો બિઝનેસ આપોઆપ જ વધશે. મારી આટલાં વર્ષની કારકિર્દીમાં એવું ક્યારેય નથી બન્યું કે હું ડિસકનેકટ થયો હોઉં અને કંઈક જરૂરી કામ મારા ધ્યાન બહાર રહી ગયું હોય. હું અવારનવાર નાના-મોટા બ્રેક લઉં છું. દિવસ દરમ્યાન શૉર્ટ બ્રેક વખતે મારો ફોન સાઇલન્ટ પર મૂકી દઉં છું કાં તો મારા સેક્રેટરીને પણ અડધો કલાક ડિસ્ટર્બ ન કરવા માટે ઇન્ફૉર્મ કરી દઉં છું. આ સમયમાં કેટલીક વાર મ્યુઝિક સાંભળું છું અથવા શાંત બેસું છું. ત્યારે મને વિચારવાનો કે મારા કામ પર રિફ્લેક્ટ કરવાનો સમય મળે છે. આ બ્રેક મને એનર્જીથી ભરી દે છે. એવી સલાહ નથી આપતો કે તમે બે-ત્રણ મહિના માટે ડિસકનેક્ટ થઈ જાઓ, પરંતુ થોડા સમય માટે કામથી દૂરી મદદરૂપ સાબિત થઈ શકે છે. તમે ફૅમિલી સાથે વેકેશન માણવા ગયા હો અને સતત કામ સાથે સંકળાયેલા રહો તો જ્યારે વેકેશનથી પાછા આવો ત્યારે બહુ જ થાકી જાઓ છો અને એની અસર કામ પર પડતી હોય છે. એના કરતાં સંપૂર્ણ ડિસકનેક્ટ થઈને વેકેશન માણો તો તમે પોતાના પર ૧૦૦ ટકા ધ્યાન આપી શકો છો. વેકેશન બાદ કામ પર તમારી એનર્જી પ્રોડક્ટિવ સાબિત થાય છે.’
નિર્ણયો લેવામાં સક્ષમ અેવી ટીમમાં ઇન્વેસ્ટ કરો એટલે રિટર્ન મળે જ મળે : બિઝનેસ મેન્ટર અને ઇન્વેસ્ટર બસેશ ગાલા
તમે ટીમમાં ઇન્વેસ્ટ કરો તો બિઝનેસ આપોઆપ વિકાસ પામે એવી ફિલોસૉફીમાં માનતા બિઝનેસ મેન્ટર અને ઇન્વેસ્ટર બસેશ ગાલા કહે છે, ‘મારા મલ્ટિપલ બિઝનેસ છે એટલે અઠવાડિયામાં શુક્રવારની સાંજ પરિવાર સાથે નક્કી જ હોય છે. દર બે મહિને અમે ૩થી ૬ દિવસનું વેકેશન પ્લાન કરીએ છીએ. એવી રીતે ફૅમિલી સાથે કાં તો ફ્રેન્ડસ સાથે કાં તો ધાર્મિક ગ્રુપ સાથે મારાં વર્ષ દરમ્યાન ૬થી ૮ વેકેશન થઈ જાય છે. આ ફૉર્મ્યુલા મારા માટે કામ કરે છે. દરેક કર્મચારીએ કેવી રીતે કામથી ડિસકનેક્ટ થવું અેના પોતાના વિકલ્પો શોધવા જોઈએ. આ ડિજિટલ વર્લ્ડમાં એવું ક્યારેય ન થાય કે તમે કોઈ મોટી ડીલ મિસ કરી દીધી કે એવી સમસ્યા આવી ગઈ જેનું સમાધાન ન થયું. હું મારી ટીમને વેકેશન પર જાઉં ત્યારે પણ કહી રાખું છું કે દિવસમાં અડધો કલાકનો સમય આપીશ ત્યારે બધા સવાલોના જવાબ પૂછી લેવા. જોકે થાય એવું કે લોકો વેકેશન પર જાય ત્યારે સતત ફોન પર રહે છે એ યોગ્ય નથી. બધું જ કામ મૅનેજેબલ હોય છે. હું એ વાતમાં ખાસ માનું છું કે તમારા વગર પણ દુનિયા ચાલે. ધારો કે મને કંઈ થયું તો મારી ટીમ કામના નિર્ણયો લેવા માટે સક્ષમ હોવી જોઈએ. તમે ટીમમાં ઇન્વેસ્ટ કરો તો રિટર્ન મળે જ.’
વર્કકલ્ચર અને વર્ક-એથિક્સમાં સ્ટ્રૉન્ગલી માનતા બસેશ ગાલા કહે છે, ‘સૌથી પહેલો મુદ્દો એ કે કંપનીમાં કલ્ચર નામની વસ્તુ હોય છે. જાણીતી હસ્તી નારાયણ મૂર્તિએ કહ્યું કે લોકોએ ૭૦થી ૮૦ કલાક કામ કરવું જોઈએ, પણ શું તેઓ કર્મચારીઓને આટલા કલાક કામ કરવા બદલ પૂરતું વેતન આપી રહ્યા છે? કર્મચારીઓની સૅલેરી એકદમ ઓછી હોય છે અને બોનસ અને પ્રૉફિટ કંપનીના માલિક અને પરિવારને જતાં હોય છે. મૅનેજરિયલ પદો પર કામ કરતા લોકો પાસે હંમેશાં કનેકટ રહેવાની આશા રાખવામાં આવે છે. કર્મચારી ૮થી ૧૦ કલાક કામ કરે અને પછી તેને ઘરે પણ કામ સોંપવામાં આવે તો એ કલ્ચર પ્રશંસાપાત્ર નથી. મારી ઑફિસમાં કોઈને પણ પોતાનું કામ ઘરે લઈ જવાની પરવાનગી નથી. મારી કંપનીનું ઉદાહરણ આપું કે અમુક વખતે કંપનીમાં કોઈ જરૂરી પ્રોજેક્ટ હોય ત્યારે અમે કર્મચારીઓને પહેલેથી જ હેડ્સ-અપ આપી દઈએ કે બે અઠવાડિયાં જરા સાચવવાનું છે, કદાચ શનિવારે કે રવિવારે પણ કામ કરવું પડે અને એ ખાતરી કરી લઈએ કે દરેકને એ કામનું યોગ્ય વળતર મળે. જ્યારે આવી રીતે સિસ્ટમ તૈયાર કરો ત્યારે ૮૦ ટકા લોકો સ્વેચ્છાએ યોગદાન આપતા હોય છે. રિવૉર્ડ સિસ્ટમ એવી રીતે ડિઝાઇન થયેલી હોવી જોઈએ કે કર્મચારીઓ પોતાના સમયમાં જ કામ પૂરું કરે અને એક્ઝૉસ્ટ ન થઈ જાય.’