પાછલી વયે માંદગી આવે છે, પણ મેડિક્લેમ મળે એવી નહીં; તો પ્રીમિયમ કેમ વધુ?

27 September, 2024 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેડિક્લેમનું પ્રીમિયમ ભરવાની નોટિસ આવી ને અરવિંદભાઈના પેટમાં ફાળ પડી. છેલ્લાં સાત-આઠ વર્ષથી રિટાયર્ડ અરવિંદભાઈ પેન્શનની આવકમાંથી જેમતેમ ઘર ચલાવતા હતા. જૉબ કરતા હતા ત્યારે તો ટૅક્સ બેનિફિટનો કોણીએ ગોળ લગાડેલો હતો.

પ્રતીકાત્મક તસવીર

મેડિક્લેમનું પ્રીમિયમ ભરવાની નોટિસ આવી ને અરવિંદભાઈના પેટમાં ફાળ પડી. છેલ્લાં સાત-આઠ વર્ષથી રિટાયર્ડ અરવિંદભાઈ પેન્શનની આવકમાંથી જેમતેમ ઘર ચલાવતા હતા. જૉબ કરતા હતા ત્યારે તો ટૅક્સ બેનિફિટનો કોણીએ ગોળ લગાડેલો હતો. સાવચેતી રૂપે મેડિક્લેમ કઢાવી રાખ્યો હતો. પ્રમોશન મળતાં રહ્યાં હતાં. પગાર પણ ધીરે-ધીરે વધતો રહ્યો હતો. મેડિક્લેમનું પ્રીમિયમ ત્યારે પોસાતું હતું. બન્ને છોકરાંનાં લગ્ન અને બીજા સામાજિક વટ-વ્યવહાર આ નોકરીના પગારમાંથી જ થયાંને! પત્ની પણ નાની-મોટી બચત કરીને બૅન્કમાં ફિક્સ ડિપોઝિટ મૂકી આવતાં.

ભવિષ્યમાં માંદેસાજે જરૂર પડે તો બીજા પાસે હાથ લંબાવવો ન પડે એમ માનીને જ તો. અરવિંદભાઈ પણ વધારાનો ખર્ચ ન થાય એની તકેદારી રાખતા, પણ છોકરાંઓની સ્કૂલ-કૉલેજ-ટ્યુશનની ફીમાં ખર્ચો કરતાં તેઓ અચકાતાં નહીં, પણ હવે તેઓ ૭૦ની આસપાસના થયા. પત્ની ત્રણ-ચાર વર્ષ નાનાં, પણ હવે બન્નેની ઉંમરને કારણે વખતોવખત નાના-મોટા ખર્ચા આવી જતા. આવી માંદગીઓ હૉસ્પિટલમાં દાખલ થવું પડે એવી ન હોય એથી મેડિક્લેમ પણ ન મળે. મમતાબહેનને કમરનો દુખાવો, બન્નેને હાઈ બ્લડપ્રેશર, બારે મહિના ગોળીઓ લેવાની. ક્યારેક બેમાંથી કોઈ પડી જાય, મચકોડ આવી જાય. અઠવાડિયું-દસ દિવસ પથાવરીવશ. આમાં મેડિક્લેમ તો ક્યાંથી મળે? પણ રોજની દવાના ખર્ચ વધતા જાય. ૠતુ બદલાતાં શરદી-ઉધરસ થઈ જાય. ક્યારેક દાંત સખત દુખે, પડી જાય. ક્યારેક ચશ્માંના નંબર બદલાઈ જાય. આવી માંદગીઓ કહેવાય નાની, પણ તકલીફ બહુ આપે અને ખર્ચા રોજના કરાવે. આવી માંદગીઓમાં હૉસ્પિટલમાં તો દાખલ થવાનું ન હોય એથી મેડિક્લેમનો બેનિફિટ ન મળે અને જો હૉસ્પિટલમાં દાખલ થવુંય પડે તો કોણ કોને સંભાળે? પેન્શનમાંથી જ જ્યારે ઘર માંડ ચાલતું હોય ત્યારે આવો વધારાનો ખર્ચો કેમ પરવડે? દીકરા-દીકરી સાથે નથી રહેતાં. વાર-તહેવારે મળવા આવી જાય. પ્રેમથી મમ્મીના પર્સમાં રકમ મૂકતાં જાય. આવે ત્યારે ઘર-રસોડાંની કોઈ ને કોઈ જરૂરિયાત વસાવતાં જાય. સંબંધો સારા છે, પણ તેમનેય છોકરાંછૈયાંની જવાબદારી હોયને? અરવિંદભાઈ અને મમતાભાભી એકબીજાની સંભાળ રાખે. મોટો ખર્ચો આવે તો ભારે ન પડે એમ ગણીને આટલાં વર્ષો મેડિક્લેમની રકમ ભરતાં રહ્યાં, પણ હવે પોસાતું નહોતું. આટલાં વર્ષો ભરેલી પ્રીમિયમનો બેનિફિટ લેવા શું માંદા પડવું? મેડિક્લેમનો બેનિફિટ લેવા શું હૉસ્પિટલમાં દાખલ થવું? ઘરમાં હાલીચાલી શકાય છે એટલું પૂરતું છે મારા ભૈ. અને અરવિંદભાઈએ મેડિક્લેમનું પ્રીમિયમ આ વર્ષે ન જ ભર્યું. જે થવાનું હોય એ થાય. હવે આખી જિંદગી ભરેલા મેડિક્લેમના પ્રીમિયમનું શું?

health tips life and style columnists