કૉલેસ્ટરોલ શરીર માટે જરૂરી પણ છે

12 February, 2024 09:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉલેસ્ટરોલ આપણા શરીરના લિવરમાં બનતું ખૂબ જ અગત્યનું ઘટક છે. આ એક પ્રકારની ચરબી છે જે લોહીમાં ઓગળતી નથી. લોહી સાથે એ વહ્યા કરે છે.

પ્રતીકાત્મક તસવીર

શરીરમાં કૉલેસ્ટરોલ વધે તો તરત જ ડૉક્ટર કાર્ડિયોવૅસ્ક્યુલર હેલ્થ જોખમમાં છે એવું કહે છે. યસ, લિપિડ તરીકે ઓળખાતી આ ચરબી યોગ્ય માત્રામાં જ રહે એ બહુ જરૂરી છે, પરંતુ એ સાવ જ ખરાબ છે એવું નથી. આજે સમજો કૉલેસ્ટરોલ કેમ શરીરમાં મહત્ત્વનું છે અને કઈ રીતે લાઇફસ્ટાઇલ સુધારીને એને નૉર્મલ રાખી શકાય એ જે લોકો રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેતા હોય છે તેમના માટે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ નવી નથી. ૩૫ વર્ષથી વધુની ઉંમરના લોકોએ નિયમિત કૉલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સની તપાસ કરાવવી જોઈએ. કેટલીક ટેસ્ટ છે જે સાવ બેઝિક ગણવામાં આવે છે. એમાંની એક ટેસ્ટ એટલે જ લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ. આ ટેસ્ટમાં કંઈ ગરબડ આવે તો ડૉક્ટર આગળ વધુ ટેસ્ટ કરાવવાની સલાહ આપી શકે. આ ટેસ્ટમાં મુખ્યત્વે કૉલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસરાઇડ જેવા લિપિડ વિશે જાણકારી મળે છે. 

કૉલેસ્ટરોલ આપણા શરીરના લિવરમાં બનતું ખૂબ જ અગત્યનું ઘટક છે. આ એક પ્રકારની ચરબી છે જે લોહીમાં ઓગળતી નથી. લોહી સાથે એ વહ્યા કરે છે. કૉલેસ્ટરોલના મુખ્ય બે પ્રકાર છે જેની સારા અને ખરાબ કૉલેસ્ટરોલમાં વહેંચણી કરી દેવામાં આવી છે. ખરા અર્થમાં તો આ બંને પ્રકારના કૉલેસ્ટરોલની શરીરને જરૂર રહે જ છે. કૉલેસ્ટરોલનો એક પ્રકાર છે એચડીએલ કૉલેસ્ટરોલ, જેને હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન કહે છે અને બીજો પ્રકાર છે એલડીએલ, જેને લો ડેન્સિટી લિપોપ્રોટીન કહે છે. આ બંને કૉલેસ્ટરોલનું ઉત્પાદન લિવરમાં જ થાય છે. એને ઉત્પન્ન કરવા પાછળ શરીરનો એક મુખ્ય હેતુ છે અને એ હેતુ છે રિપેરિંગ. ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જેને બૅડ કૉલેસ્ટરોલ કહેવામાં આવે છે એનું કામ સિમેન્ટ જેવું છે. એક દીવાલમાં જ્યારે તળ પડી જાય છે ત્યારે એને રિપેર કરવા માટે સિમેન્ટ ભરવામાં આવે છે એ રીતે શરીરમાં જે લોહીની નસો છે એ નસોની દીવાલમાં કોઈ જાતનો સોજો આવ્યો હોય, કોઈ ક્રૅક હોય તો એ તૂટેલી જગ્યા પર આ ચીપકી જાય છે. સાંધો કરવાનું કામ આ કૉલેસ્ટરોલ કરે છે. જ્યારે એચડીએલ એ સફાઈનું કામ કરે છે. દીવાલ પર ચોંટતી વખતે જે ખરાબ ફૅટ સેલ્સ નીચે પડી ગયા હોય કે દીવાલ પર જો વધુ પ્રમાણમાં એલડીએલ લાગી ગયું હોય તો એને દૂર કરવાનું કામ એચડીએલ કરે છે. આ બધું કૉલેસ્ટરોલ લોહીમાંથી એકત્ર કરી એચડીએલ કૉલેસ્ટરોલ એને લિવરમાં પાછું લઈ જાય છે અને લિવર એને શરીરની બહાર ફેંકી દે છે. આ એક સિસ્ટમ છે જે મુજબ શરીરમાં કામગીરી થાય છે. 

આપણા લોહીમાં રહેલી ફૅટ્સનો એક ભાગ ટ્રાઇગ્લિસરાઇડ પણ છે. આપણા ઘી-તેલ-બટરમાંથી આપણને જે મળે છે એ ટ્રાઇગ્લિસરાઇડ ફૅટ હોય છે. આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી આ ફૅટ લોહી દ્વારા શોષાય છે પરંતુ એવું નથી કે ટ્રાઇગ્લિસરાઇડ મેળવવા માટેનો એકમાત્ર સોર્સ ઘી-તેલ કે બટર જ છે. આપણે ખોરાકમાં જે સિમ્પલ કાર્બ્સ ખાઈએ છીએ જેમ કે કેક, પેસ્ટ્રી, મેંદાની બનાવટો, કૅન્ડી, શુગર, આલ્કોહૉલ વગેરેમાં ઘણી એક્સ્ટ્રા કૅલરીઝ હોય છે જે બચી જાય છે. આ કૅલરીને શરીર ટ્રાઇગ્લિસરાઇડ ફૅટમાં ફેરવી કાઢે છે અને ફૅટના કોષો તરીકે એને સાચવે છે. આ ફૅટ કોષો યોગ્ય માત્રામાં હોય તો એ જરૂરી અને ઉપયોગી છે. તમારું શરીર એને ત્યારે વાપરે છે જ્યારે એને એનર્જીની અછત વર્તાય. જેમ કે વ્યક્તિ માંદી પડે કે પછી વધુ એનર્જીની તેને એકદમ જરૂરત પડે જ્યારે તેની પાસે એનર્જીનો સોર્સ એટલે કે ખોરાક ન હોય અથવા ઓછો હોય ત્યારે. પરંતુ જો એની માત્રા વધે તો એ નુકસાન કરે છે.

શું કરવું? 
કૉલેસ્ટરોલની નિશ્ચિત માત્રા રહે અને ગુડ કૉલેસ્ટરોલની ક્વૉલિટી પણ સારી રહે એ માટે આપણે શું કરી શકીએ એ જાણીએ ડૉ. સુશીલ શાહ પાસેથી.  
 જે લોકો કૉલેસ્ટરોલ સંબંધિત સમસ્યા ધરાવે છે તેમને લાગે છે કે તેમની ડાયટ ઠીક કરશે એટલે બધું થઈ ગયું. આ વાત એક રીતે એકદમ યોગ્ય છે. ડાયટથી કૉલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસરાઇડ ફૅટ બંને પર ઘણો ફરક પડે છે. એટલે ડાયટ સુધારવી એ પ્રાથમિક જરૂરિયાત છે. 
જે ખોરાકમાંથી આપણને કૉલેસ્ટરોલ મળે છે એ કુલ કૉલેસ્ટરોલનો ૩૦ ટકા જેટલો ભાગ હોય છે. બાકીનું ૭૦ ટકા કૉલેસ્ટરોલ લિવર બનાવે છે. આમ જો કોઈ વ્યક્તિનું કૉલેસ્ટરોલ ૨૦૦ આવે અને એ સાવ ફૅટ ખાવાનું બંધ કરી દે તો પણ તેનું કૉલેસ્ટરોલ ૧૪૦ રહેશે જ. એટલે લિવરને હેલ્ધી બનાવવું જરૂરી છે. 
લિવર એક એવું અંગ છે જે શરીરમાં વણવપરાયેલી ચરબીનો ભરાવો પોતાની પાસે કરી રાખે છે. એટલે લિવર સ્વસ્થતાથી કામ કરે એવી કસરતો અને ડાયટ બન્ને જરૂરી છે. 
સ્મોકિંગ અને આલ્કોહૉલની આદત હોય તો તરત જ છોડવી જરૂરી છે. 
ખોરાકમાં ફાઇબરયુક્ત ખોરાક, શાકભાજી અને ફળોનો રેગ્યુલર વધારો કરો.
ડાયટમાં પ્રોસેસ્ડ ફૂડ, મેંદો, ડીપ ફ્રાઇડ ફૂડ ન લેવું.

columnists health tips