12 February, 2024 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પ્રશ્ન : હું ૪૦ વર્ષનો છું. આજકાલ મને ખૂબ વધારે ગૅસ થાય છે. ઍસિડિટી પહેલાં ક્યારેક થતી. આજકાલ તો લાગે છે કે સતત ઍસિડિટીની તકલીફ મને રહે જ છે. ગમે ત્યારે ખાટા ઓડકાર આવે છે. ખાસ કરીને રાત્રે સૂતો હોઉં ત્યારે આ તકલીફ વધુ થાય છે. અપચો, કબજિયાત અને પેટની ગરબડની સમસ્યા પણ વધી રહી છે. મને ખબર પડી છે કે આ માટે કોઈ સર્જરી પણ શક્ય છે. જો મને એની જરૂર હોય તો મને કઈ રીતે ખબર પડે?
તમને જે સમસ્યા છે એ પાચનની સામાન્ય સમસ્યાઓમાં આવે છે. આ તકલીફ જ્યારે દવાઓ કે લાઇફસ્ટાઇલ બદલવા છતાં ઓછી થાય જ નહીં ત્યારે આપણે ઍડ્વાન્સ ટ્રીટમેન્ટ વિશે વિચારીએ છીએ. વળી તમારી ઉંમર નાની છે. લાઇફસ્ટાઇલમાં થોડા ફેરફાર કરશો તો ચોક્કસ ફરક પડશે. પહેલાં એ કરીને જુઓ. પછી સર્જરી વિશે વિચારજો.
તમારી તકલીફને ગૅસ્ટ્રો એસોફેગલ રીફ્લકસ ડિસીઝ (GERD) કહે છે. જ્યારે આપણે જમીએ છીએ ત્યારે ખોરાક જઠરમાં જાય છે અને ત્યાં એ વલોવાય છે. જઠરમાં બે જગ્યાએ વાલ્વ હોય છે - એક અન્નનળી તરફ અને બીજો વાલ્વ નાના આંતરડા તરફ. જઠરને તમે એક મિક્સર ગ્રાઇન્ડર સમજી શકો છો. જ્યારે મિક્સરના જારનું ઢાંકણું થોડું પણ વ્યવસ્થિત બંધ ન થયું હોય તો અંદર રહેલો ખોરાક બહાર આવે એમ જઠરમાં પણ જો અન્નનળી તરફનો વાલ્વ વ્યવસ્થિત બંધ ન હોય તો ખોરાક કે ઍસિડ બહાર આવે. આ પરિસ્થિતિમાં અમુક મૂળભૂત બદલાવ લાવીને જુઓ.
પહેલો બદલાવ એ કે ખોરાક ચાવીને ખાવ. દરરોજ ૧૦-૧૫ ગ્લાસ પાણી પીઓ. ખૂબ પેટ ભરાઈ જાય એટલું ન ખાઓ. જ્યારે તમે ભૂખ હોય એના કરતાં ૭૦ ટકા ખાવ છો ત્યારે જઠરમાં વ્યવસ્થિત જગ્યા બચે છે પાચન કરવાની. જ્યારે એ પાચન વ્યવસ્થિત થશે ત્યારે બધી સમસ્યાઓ આપોઆપ બંધ થઈ જશે. બીજું એ કે ઊંઘ પૂરી કરો. સમય પર જમો. રાત્રે વહેલા જમો. સૂઈ જાવ એ પહેલાંના ત્રણ કલાક પહેલાં તમારું ડિનર પતી જવું જોઈએ. આવું કરવાથી રાત્રે આવતા ખાટા ઓડકારમાં રાહત મળી શકે છે. ચણા, રાજમા, મેથી, નારિયેળપાણી જેનાથી પણ તમને ગૅસ થતો હોય એ થોડા સમય માટે બંધ કરો. પાચન સશક્ત કરો એ પછી તમે આ બધું ખાઈ શકો છો. બહારનો ખોરાક, તળેલો ખોરાક પણ ન લો. જો આનાથી પણ પંદર દિવસ કે એકાદ મહિનામાં ફરક ન પડે તો તપાસ કરાવવી જરૂરી છે.