બીપીની દવા ક્યારે છોડી શકાય?

11 December, 2023 10:32 AM IST  |  Mumbai | Dr. Bharat Shah

હાઈ બ્લડ-પ્રેશર કિડનીને ડૅમેજ કરે છે. આ એક એવો રોગ છે જે ક્યૉર થતો નથી એટલે કે કોઈ પણ પ્રકારની દવા એને સંપૂર્ણપણે તમારા શરીરની બહાર ફેંકી નહીં શકે. એક વખત હાઈ બ્લડ-પ્રેશર આવે તો એની દવા આખું જીવન લેવી જ પડે છે.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૫૬ વર્ષ છે. મારી રૂટીન ટેસ્ટ કરાવેલી, જેમાં મારું ક્રિએટિનીન ૧ થઈ ગયું છે. મારું બ્લડપ્રેશર અત્યારે ૧૫૦/૯૦ જેટલું ઍવરેજ રહે છે. એટલે ડૉક્ટરે મને બીપીની દવા ચાલુ કરાવી છે. તેઓ કહે છે કે આ દવા મારે જીવનભર લેવાની છે. આજથી પાંચ વર્ષ પહેલાં પણ મને હાઈ બ્લડ-પ્રેશરનું નિદાન થયું હતું. ત્યારે મેં એક મહિનો દવા લીધી હતી. એક મહિના પછી મારું બીપી ૧૨૦/૮૦ રહેવા લાગેલું એટલે પછી દવા લેવાનું બંધ કરી દીધું હતું. હું નહોતો ઇચ્છતો કે મને આ દવાની આદત પડે. હમણાં જે દવા લેવાની શરૂઆત કરી છે એ પણ જો બીપી સ્ટેબલ થાય તો પછી બંધ ન કરી શકાય?  
  
મોટા ભાગના દરદીઓ આ ભૂલ કરતા હોય છે અને પોતાના જીવન સાથે ચેડાં કરી બેસતા હોય છે. દવા ચાલુ કે બંધ કરવાનું કામ ડૉક્ટરનું છે, તમારું નહીં. જો તમે ડૉક્ટરના કહેવા પ્રમાણે દવા ચાલુ કરી હોય તો તેમને પૂછ્યા વગર દવા બંધ ન કરાય એ સમજવું જરૂરી છે. તમારું ક્રિએટિનીન ૧ આવ્યું છે જેનો અર્થ એ કે તમારી કિડની ખરાબ થઈ રહી છે. આ બિલકુલ સારી નિશાની નથી. આજથી પાંચ વર્ષ પહેલાં જે બ્લડ-પ્રેશરનું નિદાન થયું હતું અને તમે જે દવા ચાલુ કરી હતી એ દવા તમે સતત લેતા હોત તો આજે કિડની ખરાબ ન થઈ હોત. 

હાઈ બ્લડ-પ્રેશર કિડનીને ડૅમેજ કરે છે. આ એક એવો રોગ છે જે ક્યૉર થતો નથી એટલે કે કોઈ પણ પ્રકારની દવા એને સંપૂર્ણપણે તમારા શરીરની બહાર ફેંકી નહીં શકે. એક વખત હાઈ બ્લડ-પ્રેશર આવે તો એની દવા આખું જીવન લેવી જ પડે છે. એ એક ગોળી તમારા આખા શરીરને હાઈ બ્લડ-પ્રેશરથી થતા રોગોથી બચાવી શકે છે. તો એ એક ગોળી ખાવામાં શું વાંધો હોઈ શકે તમને? તમે જે ગોળી છોડી એના પછી તમે બ્લડ-પ્રેશર જો માપ્યું હોત તો સમજાત કે તમારું બ્લડ-પ્રેશર વધુ જ છે જેને લીધે તમારાં અંગો ડૅમેજ થઈ શકે છે. કિડની પર આની અસર અત્યારે સાફ દેખાય છે. જો તમે હજી પણ દવા છોડવાનું વિચારતા હો તો એક વસ્તુ સમજો કે કિડની વધુ ને વધુ ડૅમેજ થતી જશે. એટલે આ વિચાર ત્યાં જ છોડી દો. અત્યારે હવે તમારા બ્લડ-પ્રેશરને જ નહીં, તમારી કિડનીને પણ ઇલાજની જરૂર છે. એટલે બધા ઇલાજ યોગ્ય રીતે શરૂ કરો, ચાલુ રાખો અને પૂરા કરવાની ઉતાવળ ન કરો. 

health tips columnists