બિગ બીના દોહિત્ર અગસ્ત્યને પીડતી આ તકલીફ તમને તો નથીને?

04 March, 2024 06:45 AM IST  |  Mumbai | Heena Patel

એક્ઝિમા થવાનાં બે મેઇન રીઝન્સ હોય છે; એક છે કેમિકલ્સનો વધુપડતો ઉપયોગ, આબોહવા જેવાં બાહ્ય પરિબળો. બીજાં  ઇન્ટરનલ રીઝન હોય છે

અગસ્ત્ય નંદા

અગસ્ત્યને મમ્મી શ્વેતા બચ્ચન નંદા પાસેથી વારસામાં મળેલો રોગ એક્ઝિમા ત્વચાની એવી હઠીલી સમસ્યા છે કે જો એને બરાબર સમજીને કાળજી રાખવામાં ન આવે તો ત્વચાને કુરૂપ કરી નાખી શકે છે. વિવિધ પ્રકારના એક્ઝિમાની સારવાર પણ અલગ-અલગ હોય છે અને એ થવાનાં કારણો પણ અલગ. આવા સંજોગોમાં એક્ઝિમાને બને એટલો શરૂઆતના તબક્કામાં જ નાથી લેવાનું કેટલું મહત્ત્વનું છે એ એક્સપર્ટ પાસેથી સમજીએ

ઝોયા અખ્તરની ‘ધ આર્ચીઝ’ ફિલ્મથી બૉલીવુડમાં કદમ રાખનાર અને અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાએ એક ઇન્ટરવ્યુમાં પોતે એક્ઝિમાથી કેટલો કંટાળ્યો છે એની વાત કરેલી.  સ્કિનની આ તકલીફ વિશે વાત કરતાં અગસ્ત્યએ કહ્યું હતું, ‘હું પોતે એક્ઝિમાથી પીડિત છું અને મને આ બીમારી મમ્મી પાસેથી મળી છે. એક્ઝિમાને ક્યૉર કરવાના એટલા ઑપ્શન્સ અવેલેબલ નથી. હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આનો કોઈ ઉપાય શોધો. હું ઇચ્છું છું કે વધુમાં વધુ લોકો આ સ્કિન ડિસીઝને લઈને અવેર થાય.’ 

આમ જોઈએ તો ડ્રાય સ્કિનને મળતી આવતી એક્ઝિમાની તકલીફ ખૂબ જ કૉમન છે, પરંતુ મોટા ભાગે એને અવગણવામાં આવે છે. જેને આપણે ખરજવું કહીએ છીએ એવી આ જિદ્દી બીમારીને નાથવા માટે જો પહેલેથી જ જાગરૂક રહેવામાં આવે તો એ કાબૂમાં રહી શકે છે. તો ચાલો આજે આ રોગની બેઝિક વાતો નિષ્ણાત પાસેથી સમજીએ કે ધારો કે એક્ઝિમા જેવાં લક્ષણો દેખા દે તો આપણે શું કરી શકીએ.

થવાનાં કારણો
આ એક ત્વચાનો રોગ છે જેના વિશે ડર્મેટોલૉજિસ્ટ ડૉ. પૂજા દેસાઈ કહે છે, ‘સામાન્ય રીતે ગાલ (બાળકો), કોણી, ઘૂંટણ, ગરદનની પાછળના ભાગે સ્કિન પર રૅશિસની શરૂઆતથી આ તકલીફ પેદા થતી હોય છે. ત્વચા પર ખંજવાળ, બળતરા, ઇરિટેશન, ચામડીની પરત ઊતરી જવી વગેરે જેવી સમસ્યા થાય છે. એક્ઝિમા થવાનાં બે મેઇન રીઝન્સ હોય છે; એક છે કેમિકલ્સનો વધુપડતો ઉપયોગ, આબોહવા જેવાં બાહ્ય પરિબળો. બીજાં  ઇન્ટરનલ રીઝન હોય છે જેમાં તમારી સ્કિનની ડ્રાય થઈ જવાની ટેન્ડન્સી, ફૂડ ઍલર્જી, જિનેટિક્સ વગેરે આવે.’ 

એક્ઝિમાની સારવાર શું?
તમને કઈ ટાઇપનો એક્ઝિમા છે એના પર ડિપેન્ડ કરે છે કે એની સારવાર શક્ય છે કે નહીં એમ જણાવતાં ડૉ. પૂજા દેસાઈ કહે છે, ‘એટૉપિક ડર્માટાઇટિસ, જે બાળકોમાં વધુ જોવા મળે છે એને ક્યૉર કરવો ડિફિકલ્ટ છે. જનરલી બાળક પ્યુબર્ટીમાં પ્રવેશ કરે ત્યારે એની ઇફેક્ટ નૅચરલી થોડી ઓછી થઈ જાય છે, પણ ઘણા કેસમાં એ લાઇફ લૉન્ગ જોવા મળે છે. આ જિનેટિકલી હોય છે. એક્સટર્નલ થ્રેટ જેમ કે ઇન્ફેક્શસ એજન્ટ્સ, કેમિકલ્સ, પૉલ્યુશનથી શરીરને પ્રોટેક્ટ કરવાનું અને મૉઇશ્ચરને જાળવી રાખવાનું કામ કરતા સ્કિન બૅરિયરના ફૉર્મેશન માટે જરૂરી એવા ફિલાગ્રિન (એક પ્રકારનું પ્રોટીન)ની ડેફિશિયન્સીને કારણે એક્ઝિમા જેવી બીમારી થાય છે. એ સિવાય ગટ હેલ્થને મેઇન્ટેન કરવામાં હેલ્પ કરતા લૅક્ટોબેસિલસ બૅક્ટેરિયામાં પ્રૉબ્લેમ થાય ત્યારે પણ એટૉપિક ડર્માટાઇટિસની કન્ડિશન વકરી શકે છે. એટૉપિક ડર્મેટાઇટિસ વર્લ્ડમાં સૌથી વધારે થતો અક્ઝિમા છે. નાની ઉંમરે થતો બીજા ટાઇપનો એક્ઝિમા સેબોરીઇક ડર્માટાઇટિસ છે જે સ્કિનમાં ઍક્સેસ સિબમ પ્રોડક્શનને કારણે થાય છે. આ જનરલી સ્કૅલ્પમાં થાય છે. આને તમે ટ્રીટમેન્ટની મદદથી કન્ટ્રોલ કરી શકો. ત્રીજો એક ન્યુમ્યુલર એક્ઝિમા હોય છે, જેમાં કૉઇન શેપમાં ચકરડાં થાય છે. જનરલી એ ઍલર્જિસ, એક્સ્ટ્રીમ ડ્રાય સ્કિન કે વેધર, સ્કિન ઇન્જરી વગેરે કારણોસર થાય છે. રાઇટ ટ્રીટમેન્ટ સાથે એને મૅનેજ કરી શકાય છે. આ ત્રણેય ટાઇપના એક્ઝિમા બાળકોમાં કૉમન હોય છે. ઠંડીની સીઝનમાં ઘરડા લોકોમાં જોવા મળે છે એ ઍસ્ટિયાટોટિક એક્ઝિમા કહેવાય, જેમાં ચામડી ફાટી ગઈ હોય એવું લાગે. ડ્રાય વેધર અને સ્કિનને પ્રૉપર મૉઇશ્ચર ન મળે ત્યારે આ થાય છે. આ વિન્ટર એક્ઝિમા છે એ ઈઝીલી કન્ટ્રોલેબર અને ક્યૉરેબલ છે. હજી એક કૉન્ટૅક્ટ ડર્માટાઇટિસ છે જેમાં બે ટાઇપ હોય છે; એક ઍલર્જિક કૉન્ટૅક્ટ ડર્માટાઇટિસ જે જ્વેલરી, કૉસ્મેટિક્સ પ્રોડક્ટ્સ, ફ્રૅગ્રન્સ, પ્રિઝર્વેટિવ્સને કારણે થાય છે; જ્યારે બીજો ઇરિટન્ટ કૉન્ટૅક્ટ ડર્માટાઇટિસ હોય છે જે ડિટર્જન્ટ, સોપ, ક્લેન્ઝર વગેરેને કારણે થાય છે. આ એક કૉમન ટાઇપ છે અને એ જલદીથી જતો પણ રહે છે. એક્સટર્નલ રીઝન્સથી થતા બધા જ એક્ઝિમા ક્યૉર થઈ શકે, પણ જે ઇન્ટર્નલ રીઝન્સથી થાય છે એને કન્ટ્રોલ કે મૅનેજ કરી શકો પણ ૧૦૦ ટકા ક્યૉર ન થઈ શકે.’

કઈ રીતે પ્રિવેન્ટ કરી શકો?
એક્ઝિમાથી રાહત મેળવવા માટે સ્કિનના સંપર્કમાં આવતી દરેક વસ્તુ જેમ કે સાબુ, કપડાં અને મૉઇશ્ચરાઇઝર જેવી ચીજોમાં વિશેષ તકેદારી રાખવી જોઈએ એ વિશે જણાવતાં ડૉ. પૂજા દેસાઈ કહે છે કે ‘સ્કિન વધુપડતી ડ્રાય રહેતી હોય તો દિવસમાં બેથી ત્રણ વાર મૉઇશ્ચરાઇઝરનો યુઝ કરવો જોઈએ. બાળકોની સ્કિન ખૂબ સેન્સિટિવ હોય છે તો તેના માટે તમારે સ્પેશ્યલી બાળકો માટે આવતાં જેન્ટલ મૉઇશ્ચરાઇઝર યુઝ કરવાં જોઈએ. ઍડલ્ટ લોકોએ ફ્રૅગ્રન્સ ફ્રી હોય અને જેમાં કોઈ કલરિંગ એજન્ટ ન હોય એવાં પ્રૉપર મૉઇશ્ચરાઇઝર યુઝ કરવાં જોઈએ. ઘણી વાર ફ્રૅગ્રન્સ અને કલરવાળા મૉઇશ્રાઇઝર પણ ઍલર્જી કરી શકે છે. તમે ઇચ્છો તો ઘી અથવા કોકોનટ ઑઇલનો યુઝ કરી શકો. તમારી સ્કિન જેટલી મૉઇશ્ચરાઇઝ્ડ રહેશે ઇરિટેશન એટલું જ ઓછું થશે. તમારી સ્કિનને ડ્રાય કરી નાખે એવા સોપનો યુઝ કરશો તો એક્ઝિમાને ટ્રિગર કરી શકે છે. એની જગ્યાએ જેમાં ગ્લિસરીનનું પ્રમાણ વધુ હોય એવા સાબુનો ઉપયોગ કરવો જોઈએ. બીજું એ કે જેમને એક્ઝિમાની સમસ્યા હોય તેમણે વુલ કે સિન્થેટિક ફૅબ્રિકનાં કપડાં તમારી સ્કિનને ઇરિટેટ કરી શકે. એની જગ્યાએ તમારે કૉટનનાં કપડાં પહેરવાં જોઈએ. એ સિવાય જો તમને ખબર હોય કે મને ફલાણી પ્રોડક્ટથી સ્કિનમાં ઇરિટેશન થાય છે તો તમે સિમ્પલી એનો યુઝ અવૉઇડ કરી શકો છો. હવે આ બધી તકેદારી રાખવાથી એક્સટર્નલ રીઝનને કારણે થતા એક્ઝિમાનું જોખમ ટાળી શકાય.’

columnists health tips life and style agastya nanda