એક કળી લસણ ચહેરાના ખીલ મટાડી શકે?

02 April, 2024 07:33 AM IST  |  Mumbai | Heena Patel

ઘણા પેશન્ટ લસણનો યુઝ કર્યા બાદ સ્કિન ઇરિટેશન, ઍલર્જિક રીઍક્શન, સ્વેલિંગ, રેડનેસની ફરિયાદ કરતા હોય છે

પ્રતીકાત્મક તસવીર

ખીલની સમસ્યા માટે આમ તો ઘણા ઘરગથ્થુ ઉપાય છે, પણ આજકાલ ઇન્સ્ટાગ્રામ પર રાત્રે સૂતાં પહેલાં લસણની કળી ગળવાનો એક નવો નુસખો વાઇરલ થઈ રહ્યો છે; જે ખરેખર ઉપયોગી છે કે પછી એક ગતકડું છે એ ​એક્સપર્ટ પાસેથી જાણીએ

ગ્લાસ સ્કિન મેળવવા માટે મહિલાઓમાં એટલીબધી ઘેલછા જોવા મળે છે કે એ માટે થઈને તેઓ સોશ્યલ મીડિયા પર કોઈ પણ એવો હૅક જુએ તો ઊંડો વિચાર કર્યા વગર આંખ બંધ કરીને એનું અનુકરણ કરવા લાગે છે. ધીમે-ધીમે એ પછી ટ્રેન્ડ બની જાય છે અને આજકાલ આવો જ એક ટ્રેન્ડ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે જેમાં મહિલાઓ ફેસ પરથી ઍક્ને દૂર કરવા માટે રાત્રે સૂતાં પહેલાં લસણની એક કળીને દવાની ગોળીની જેમ ગળી રહી છે. તેમનો દાવો છે કે આનાથી તેમના ચહેરા પરના ખીલ મટી રહ્યા છે, પણ ઘણી મહિલાઓનું કહેવું છે કે આ નુસખો અજમાવ્યા બાદ તેમની ખીલની સમસ્યા વધુ વણસી છે. એટલે કોઈ વસ્તુને લઈને બે મત હોય ત્યારે એક્સપર્ટ પાસેથી સલાહ લઈ લેવી જોઈએ. 

લસણમાં છે આ ઔષધીય ગુણો | સૌથી પહેલાં એ જાણી લેવું જોઈએ કે લસણમાં એવી કઈ મેડિસિનલ પ્રૉપર્ટીઝ છે જેને કારણે ખીલ મટી જતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે? આ વિશે ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મૃણાલ શાહ કહે છે, ‘લસણમાં ઍન્ટિબૅક્ટેરિયલ પ્રૉપર્ટીઝ હોય છે, જે ઍક્ને માટે કારણભૂત બૅક્ટેરિયાને મારવાનું કામ કરે છે. એ સિવાય એમાં ઍન્ટિઇન્ફ્લૅમેટરી પ્રૉપર્ટીઝ પણ હોય છે, જે ઍક્નેનું ઇન્ફ્લમેશન ઓછું કરવામાં મદદ કરે છે. લસણ ખાવાથી બ્લડ-સર્ક્યુલેશન પણ સારું થાય છે, જે તમારા સ્કિન સેલ્સને હેલ્ધી રાખે છે. લસણમાં ઍન્ટિઑક્સિડન્ટ્સ પણ હોય છે, જે નુકસાનકારક ફ્રી રૅડિકલ્સ સાથે ફાઇટ કરવાનું કામ કરે છે, પરિણામે સ્કિન યુથફુલ લાગે છે.’ 

આ હૅક ટ્રાય કરવા જેવો છે? | ખીલ મટાડવા માટે લસણની કળી ખાવાનો નુસખો અજમાવવો જોઈએ કે નહીં એ વિશે ડૉ. મૃણાલ શાહ કહે છે, ‘જો તમને કોઈક વાર ચહેરા પર એકાદ-બે પિમ્પલ્સ આવી ગયા હોય તો આ નુસખો અજમાવો તો કંઈ વાંધો નથી. ઘણા લોકો લસણની કળી ખાય છે, પણ ઘણા લોકો એવા પણ હોય છે જે ઍક્ને પર લસણની પેસ્ટ અથવા એનો રસ ડાયરેક્ટ્લી લગાવે છે. કાચા લસણનો ટેસ્ટ એટલો સારો હોતો નથી એટલે ઘણા લોકો માર્કેટમાં મળતી ગાર્લિકની ટૅબ્લેટ પણ ખાય છે. જો તમારી ઍક્નેની સમસ્યા ગંભીર હોય તો આનાથી દૂર રહેવું જોઈએ, નહીંતર તમારી સમસ્યા વધુ ગંભીર થઈ શકે છે. ઘણા પેશન્ટ લસણનો યુઝ કર્યા બાદ સ્કિન ઇરિટેશન, ઍલર્જિક રીઍક્શન, સ્વેલિંગ, રેડનેસની ફરિયાદ કરતા હોય છે.’

સમસ્યાના જડ સુધી પહોંચવું જરૂરી | 
ચહેરા પરના ખીલ હટાવવા માટે લસણનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે એ વિશે ડૉ. મૃણાલ શાહ કહે છે, ‘ઘણા પેશન્ટમાં એવું જોવા મળ્યું છે કે જો તેઓ દરરોજ થોડું લસણ ખાય તો ખીલની સમસ્યામાંથી થોડી રાહત મળે, પણ એ સમસ્યા જડથી મટી જાય એવું નથી. શરીરમાં થતા હૉર્મોનલ ચેન્જિસ, ઇરેગ્યુલર પિરિયડ્સ, ઑઇલી સ્કિન, ટીન એજ ઇશ્યુઝ, કોઈ દવાની સાઇડ ઇફેક્ટ, સ્ટેરૉઇડ ક્રીમનો યુઝ કરતા હો તો આ બધાને કારણે ઍક્નેની સમસ્યા થતી હોય છે. એટલે સૌથી પહેલાં એ જાણવું જરૂરી હોય છે કે ચહેરા પર વારંવાર ખીલ થવાનું કારણ શું છે? એ હિસાબે પછી ટ્રીટમેન્ટ કરી શકાય.’ 

ડાયટમાં આ વસ્તુ અવૉઇડ કરો તો સારું | લસણ સિવાય એવું શું છે જે આપણા કિચનમાં ઈઝીલી અવેલેબલ હોય છે અને એનો ઉપયોગ પિમ્પલ્સને દૂર કરવા માટે કરી શકીએ એનો જવાબ આપતાં ડૉ. મૃણાલ શાહ કહે છે, ‘જનરલી લોકો હળદર, બેસન, મલાઈ ને એ બધા ઘરગથ્થુ ઉપાય અજમાવતા હોય છે. આને કારણે ફરક પણ પડતો હોય છે, પણ એ બધાને સૂટ થાય એ જરૂરી નથી. અમે ડાયટમાં શું અવૉઇડ કરવું જોઈએ જેથી ખીલની સમસ્યા ન થાય એની ઍડ્વાઇઝ અમારા પેશન્ટને આપતા હોઈએ છીએ. જેમ કે અમે ડેરી પ્રોડક્ટ અને હાઈ ગ્લાયસીમિક ફૂડ જેમ કે વાઇટ બ્રેડ, સૉફ્ટ ડ્રિન્ક્સ, પેસ્ટ્રીઝ, કૅન્ડીઝ વગેરે ન ખાવાની સલાહ આપીએ છીએ. ડેરી પ્રોડક્ટની એટલા માટે ના પાડીએ છીએ, કારણ કે આજકાલ મિલ્કનું પ્રોડક્શન વધારવા માટે ગાય-ભેંસને આર્ટિફિશ્યલ હૉર્મોન્સનાં ઇન્જેક્શન આપવામાં આવતાં હોય છે. એને કારણે દૂધની ક્વૉલિટી અફેક્ટ થાય અને એ આપણે કન્ઝ્યુમ કરીએ એનાથી ઍક્નેની સમસ્યા વધી જાય છે. હાઈ ગ્લાયસીમિક ફૂડ અવૉઇડ કરવાનું એટલા માટે કહીએ છીએ, કારણ કે એ તમારા શરીરમાં શુગર-લેવલ સ્પાઇક કરી શકે છે. એટલે એનાથી પણ તમારા ઍક્ને વધી શકે છે. ઍક્નેની સમસ્યા માટે એટલી સરસ દવાઓ છે કે તમને એકાદ-બે મહિનામાં જ સારાં રિઝલ્ટ આપે છે. ચહેરા પર વારંવાર ખીલ આવતા હોય તો ડૉક્ટર પાસે જઈને સમસ્યાના મૂળ 
સુધી પહોંચીને એનો ઇલાજ કરવો જોઈએ.’

health tips columnists life and style