ટ્રાવેલ દરમ્યાન વારંવાર બાથરૂમ જવું પડે છે

29 November, 2023 04:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘણા લોકો પાણી વધારે પીએ છે. પાણી પીવું સારું, એમ સમજીને ઘણા લોકો ૩-૪ લિટર પાણી દિવસમાં પીતા હોય છે. આવા લોકોએ અચાનક જ પાણી વધુ પીવાનું શરૂ કર્યું હોય ત્યારે એમને વારંવાર યુરિન પાસ કરવા જવું પડે એમ બને.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૬૧ વર્ષ છે. હમણાં અમે ફરવા ગયા ત્યારે રસ્તામાં મારે યુરિન પાસ કરવા માટે બસ રોકવી પડતી હતી ત્યારે મને સમજાયું કે લોકો જાય છે એના કરતાં હું વધુ વાર યુરિન પાસ કરવા માટે જાઉં છું. મારા લીધે ઘણા લોકો હેરાન થયા એ દિવસે ત્યારે મને સમજાયું કે આ કંઈક તો અલગ છે. વારંવાર યુરિન પાસ કરવા કોને જવું પડે, આ તકલીફ કોને હોઈ શકે? મારે આ વાતને ગંભીરતાથી લેવી કે નહીં એ જણાવશો. 
 
વારંવાર ટૉઇલેટ તરફ જવું પડે એ અવસ્થા જુદી છે અને વધારે પ્રમાણમાં યુરિન થાય એ અવસ્થા પણ જુદી છે. જો કોઈ વ્યક્તિને વારંવાર ટૉઇલેટ જવું પડે એ અવસ્થા જુદી છે, પરંતુ વારંવાર જવાની સાથે કોઈ વ્યક્તિને વધુ પ્રમાણમાં યુરિન પાસ થાય એ અવસ્થા જુદી છે. મેડિકલ પરિમાણો મુજબ જો કોઈ વ્યક્તિ દિવસમાં ૮ વખતથી વધુ વાર યુરિન પાસ કરવા માટે જાય તો એ કઈક તકલીફજનક હોઈ શકે છે, એ નૉર્મલ ગણાતું નથી. એ જ રીતે જો કોઈ વ્યક્તિ દિવસમાં અઢીથી ત્રણ લિટર યુરિન પાસ કરે તો એ પણ નૉર્મલ નથી. યુરિનની માત્રા જ્યારે વધી જાય એને પૉલિયુરિયા કહે છે, જે એક રોગ છે અને વધુ લોકોમાં ફેલાયેલો એ જોવા મળતો નથી, પરંતુ વારંવાર યુરિન જવાની સમસ્યા ખૂબ જ કૉમન પ્રૉબ્લેમ છે.

ઘણા લોકો પાણી વધારે પીએ છે. પાણી પીવું સારું, એમ સમજીને ઘણા લોકો ૩-૪ લિટર પાણી દિવસમાં પીતા હોય છે. આવા લોકોએ અચાનક જ પાણી વધુ પીવાનું શરૂ કર્યું હોય ત્યારે એમને વારંવાર યુરિન પાસ કરવા જવું પડે એમ બને. આ સિવાય ઠંડીની માત્રા વધી જાય ત્યારે પણ આવું બની શકે છે. આ કારણો એવાં છે જે વારંવાર યુરિન પાસ કરવા માટે જવાબદાર હોય તો પણ એનાથી હેલ્થને નુકસાન નથી. ફક્ત પાણી પૂરતા પ્રમાણમાં પીવાથી અને શરીરનું તાપમાન જાળવી રાખવાથી આ પ્રૉબ્લેમ સોલ્વ થઈ શકે છે, પરંતુ જો આ કારણો ન હોય તો યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન હોઈ શકે, મૂત્ર માર્ગમાં ઇન્ફેક્શન હોય તો વારંવાર યુરિન પાસ કરવાની સાથે-સાથે યુરિનમાં બળતરા, કોઈ ખાસ સ્મેલ, દુખાવો વગેરે લક્ષણો પણ સાથે જોવા મળે છે. એવું પણ બને કે કોઈ ઑબ્સ્ટ્રક્શન હોય. બ્લૅડરમાં ગાંઠ કે પથરી પણ હોઈ શકે. આ સિવાય ડાયાબિટીઝ હોવાની શક્યતા પણ અવગણવી નહીં. આમ તમને વ્યવસ્થિત ચેક-અપની જરૂર છે. ડૉક્ટરને મળો અને તપાસ કરાવો એ જરૂરી છે.

અહેવાલ - ડૉ. અનીતા પટેલ 

health tips columnists