કૅન્સર થાય એટલે ખાંડ સાવ બંધ કરી દેવી જોઈએ?

24 January, 2024 07:39 AM IST  |  Mumbai | Dr. Batul Patel

આ એક મોટી ભ્રમણા છે. અમને ડૉક્ટર્સને પણ સમજાતું નથી કે આવી અફવાઓ કોણ ફેલાવે છે.

પ્રતીકાત્મક તસવીર

હું ૭૨ વર્ષનો છું અને મને હાલમાં કોલોન કૅન્સર હોવાનું નિદાન થયું છે. અત્યારે કીમોની ટ્રીટમેન્ટ હું લઈ રહ્યો છું. મારું કૅન્સર હાલમાં બીજા સ્ટેજ પર છે અને ડૉક્ટર કહે છે કે સંપૂર્ણ રીતે ઠીક થવાની ઊંચી શક્યતા છે. મારી પત્નીએ કોઈ ડાયટિશ્યનની સલાહ લીધેલી તો તેમણે કહ્યું હતું કે કૅન્સર જેને હોય તેણે શુગર ન ખાવી જોઈએ. શુગર એ કૅન્સરના કોષોનો ખોરાક છે. જેટલી તમે વધુ શુગર ખાઓ એટલા કૅન્સરના કોષો વધે. કીમો વડે આપણે કોશિશ કરીએ છીએ કૅન્સરના સેલ્સને મારવાની. શુગર વડે જો એની સંખ્યા વધતી જાય તો કૅન્સર મટવાની શક્યતા ઘટતી જાય. એને કારણે મેં શુગર બંધ કરી, પરંતુ સાચું કહું તો કીમો પછી મને કશું જ ભાવતું નથી. મોઢાનો સ્વાદ ખરાબ થઈ ગયો છે. ચાંદાં પડ્યાં છે. મનમાં સતત આવ્યા કરે છે કે મીઠું કઇંક ખાઉં. મને સમજાતું નથી હું શું કરું. 
   
આ એક મોટી ભ્રમણા છે. અમને ડૉક્ટર્સને પણ સમજાતું નથી કે આવી અફવાઓ કોણ ફેલાવે છે. કોણ આવી વાતો કરે છે કે શુગર ખાવાથી કૅન્સર ઠીક નહીં થાય અથવા તો જો તમને કૅન્સર થયું હોય તો શુગર ન જ ખવાય. પહેલી વાત તો એ સમજવાની છે કે શુગર એટલે કે સફેદ ખાંડ કોઈ પણ વ્યક્તિ માટે સારી નથી, કારણ કે એ નૅચરલ નથી. બીજું એ કે એનાથી વજન વધે, ડાયાબિટીઝના દરદીઓ માટે એ વધુ તકલીફ ઊભી કરે. આમ, શુગર બધા માટે નુકસાનકારક છે, પણ વધુ લો તો. દિવસની એક-બે ચમચી ખાંડ લઈ શકાય. એમાં કશું ખોટું નથી. અમારી પાસે ઘણા દરદીઓ ખૂબ જ મૂંઝવણ સાથે આવતા હોય છે કે ચા અમને ખાંડ વગરની બિલકુલ ભાવતી નથી તો અમારે શું કરવું. અમે એ બધાને તમારી જેમ જ સમજાવીએ છીએ કે એવું બિલકુલ નથી કે તમારે ખાંડ સંપૂર્ણ રીતે છોડી દેવાની છે. ઊલટું કીમો પછી તમને જે મોઢાનાં ચાંદાંની તકલીફ છે એમાં તમારે આઇસક્રીમ ખાવો જોઈએ. સ્વાદ સાવ મરી જાય અને કશું ભાવે નહીં ત્યારે દુખી ન થવું. તમને ભાવતી દરેક વસ્તુ અત્યારે તમે પ્રમાણસર ખાઈ શકો છો, કારણ કે કીમો લેતા દરદીઓમાં મુખ્ય વસ્તુ છે કે એ કંઈ પણ ખાઈ શકે. જો તમે ખાતા રહેશો તો સ્વસ્થ રહેશો. ખાઈ નહીં શકો તો તકલીફ છે, કારણ કે કીમોને જીરવવા માટે શક્તિ કઈ રીતે મળશે એ પણ સમજવાનું છે. તમે તમારું ધ્યાન રાખો. વ્યવસ્થિત ખોરાક લો. બાકી દવાઓ એનું કામ કરશે.

અહેવાલ- ડૉ. જેહાન ધાબર

life and style health tips cancer