બાયોપ્સી નથી કરાવવી...

31 January, 2024 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોઈ પણ ટ્યુમર હોય, એને કૅન્સરનું ટ્યુમર કહે એમ સમજવા માટે બાયોપ્સી અતિ જરૂરી ટેસ્ટ છે.

પ્રતીકાત્મક તસવીર

મને ગરદનની ડાબી બાજુ એક ગાંઠ થઈ છે, જે ધીમે-ધીમે વધી રહી છે. મને ખબર પડી એને ચાર મહિના થયા છે. ડૉક્ટરને બતાવ્યું તો તેમણે અઢળક ટેસ્ટ કરાવી છે. પહેલાં સોનોગ્રાફી કરી. સોનોગ્રાફીમાં ડૉક્ટરને દાંત લાગ્યો એટલે એ પછી પેટ સ્કૅન કર્યું. જરૂરી બ્લડ ટેસ્ટ પણ કરાવી. ડૉક્ટરને લાગે છે કે આ કૅન્સરની જ ગાંઠ હોવી જોઈએ એટલે તેઓ કહે છે કે હવે બાયોપ્સી કરો, પણ મને બાયોપ્સી નથી કરવી. મને ખબર છે કે બાયોપ્સી કરાવ્યા પછી કૅન્સર ફેલાઈ જશે. અત્યારે જે ગાંઠ સાવ નાની છે એ બધે ફેલાઈ ગઈ તો પછી એને કાઢી નહીં શકાય. મેં ડૉક્ટરને કહ્યું કે તમને જ્યારે ખબર છે કે આ કૅન્સર જ છે તો પછી ઇલાજ શરૂ કરી દો, પણ તેઓ ના પાડે છે. બાયોપ્સી તો મારે નથી જ કરવી. એના સિવાયનો કોઈ ઇલાજ હોય તો જણાવો. 
   
રોગ અને રોગ સાથેની ગેરમાન્યતાઓ એટલી પ્રબળ રીતે ફેલાયેલી હોય છે કે એ ખોટી માન્યતા છે એ સમજાવવું અઘરું પડી જતું હોય છે, કારણ કે લોકો મનમાં ઠસાવીને બેસી જાય છે કે આ જ સત્ય છે. કોઈ પણ ટ્યુમર હોય, એને કૅન્સરનું ટ્યુમર કહે એમ સમજવા માટે બાયોપ્સી અતિ જરૂરી ટેસ્ટ છે. લોકોને લાગે છે કે આટલી જુદી-જુદી ટેસ્ટની શું જરૂર? અનુભવ પરથી તમારા ડૉક્ટર તમને કહે છે કે આ કૅન્સરનું ટ્યુમર દેખાય છે, પણ ટેસ્ટ વગર સાબિતી નહીં મળે કે આ કૅન્સરની જ ગાંઠ છે. દરેક ટેસ્ટ એક નવું ફાઇન્ડિંગ જણાવતી હોય છે માટે ટેસ્ટ ન કરાવવાની જીદ તમે છોડો. બાયોપ્સી એકદમ સેફ ટેસ્ટ છે. એનાથી તમારું કૅન્સર નહીં ફેલાય. દરેક દરદી બાયોપ્સી કરાવે, એનો રિપોર્ટ આવે પછી જ ડૉક્ટર એ કયા પ્રકારનું ટ્યુમર છે, કયા પ્રકારનું કૅન્સર છે અને એના પર કયા પ્રકારનો ઇલાજ કરશે, એ સમજી શકાય છે. આમ, મનમાં ગ્રંથિ લઈને ચાલશો તો મોડું થશે. આમ પણ ચાર મહિનાથી આ ગાંઠ છે. હજી મોડું જ થતું રહેશે તો ઇલાજ અઘરો બનતો જશે. ડૉક્ટરની સલાહ માનો. કોઈ સારા ડૉક્ટર પાસે બાયોપ્સી કરાવી લો. એના પરથી નક્કી થશે કે આ ગાંઠ કૅન્સરની છે કે નહીં. એટલું જ નહિ, જો કૅન્સરની હોય તો એ કયા પ્રકારનું કૅન્સર છે એ પણ એના વડે જ સમજાશે. કૅન્સરના ઘણા જુદા-જુદા પ્રકાર છે. દરેક પ્રકાર માટે એક અલગ ઇલાજ છે, માટે ગફલતમાં ન રહો. ડરો પણ નહીં. જરૂરી ટેસ્ટ માટે મોડું ન કરો. ટેસ્ટ કરાવી ઇલાજ સમયસર ચાલુ કરી દો.

અહેવાલ : ડૉ. જેહાન ધાબર

columnists health tips cancer