29 August, 2022 05:23 PM IST | Mumbai | Rashmin Shah
આદિત્ય શુક્લા
મારી દૃષ્ટિએ ફિટનેસ એટલે તમે અંદરથી કેટલા હેલ્ધી છો એનો માપદંડ, નહીં કે તમારા બાઇસેપ્સ કે ચેસ્ટની સાઇઝ દેખાડે એ આંકડાઓ. તમારી તબિયત કેવી છે કે પછી તમે જલદી બીમાર નથી પડતા એ તમારી ફિટનેસની નિશાની છે. સીઝનની અસર તમને નથી થતી એ તમારી ફિટનેસની નિશાની છે. તમે જુઓ, આપણા દાદા-પરદાદા ૭૦-૮૦ વર્ષની ઉંમર સુધી સરસ રીતે જીવતા અને એ પણ એક પણ વાર બીમાર પડ્યા વિના કે ડૉક્ટરની એકેય ગોળી લીધા વિના. તેઓ હેલ્ધી હતા, કારણ કે ખાવા-પીવામાં અને જીવવામાં તેઓ હેલ્ધી લાઇફસ્ટાઇલ ફૉલો કરતા હતા. તેઓ જન્ક-ફૂડ નહોતા ખાતા. ફિઝિકલ ઍક્ટિવિટી તેમની છેલ્લે સુધી ચાલુ રહેતી. મારે એક વાત કહેવી છે.
જો જિમમાં જવાથી કે બૉડી-બિલ્ડિંગથી તમે ફિટ છો એવું ધારી લેતા હો તો તમે ભૂલ કરી રહ્યા છો.
નાનપણથી જ છું હું ઍક્ટિવ
હું બહુ જ નાનપણથી ફિટનેસ-ફ્રીક રહ્યો છે. સ્પોર્ટ્સમાં હું સુપર-ઍક્ટિવ હતો. મોટા થઈને આર્મી, નેવી કે ઍરફોર્સમાં જવાનું મને ખૂબ મન હતું એટલે હું પહેલેથી જ ઍક્ટિવ રહેતો. તમે માનશો નહીં, પણ નાનો હતો ત્યારે હું આઠ-આઠ કલાક એકધારું ફુટબૉલ અને ક્રિકેટ રમી શકતો. અગિયાર વાગ્યે સ્કૂલથી ઘરે આવી જતો એ પછી પણ કંઈક ને કંઈક આઉટડોર ગેમ ચાલુ જ હોય. એ સમયે બાળક તરીકે પણ મારામાં જે એનર્જી-લેવલ હતું એવું એનર્જી-લેવલ હું આજનાં બાળકોમાં નથી જોતો. મેં ઘણાં બાળકો જોયાં છે જેઓ એટલો બધો સ્ક્રીન-ટાઇમ સ્પેન્ડ કરે છે કે તેમની પાસે ફિઝિકલ ઍક્ટિવિટીની ટ્રેઇનિંગ જ નથી.
મને લાગે છે કે પેરન્ટ્સે આ દિશામાં કંઈક બદલાવ લાવવો જોઈએ. ઍક્ટિંગ મારું પૅશન છે અને પ્રોફેશનલી હું ડાઇવર તરીકે ઍક્ટિવ હતો. દરિયામાં કૂદીને ડાઇવિંગ કરવાનું કામ પણ એફર્ટ્સ માગી લેતું હોય છે. જોકે આ બધી જ બાળપણની ટ્રેઇનિંગ છે જેને લીધે હું ફિઝિકલી સ્ટ્રૉન્ગ છું.
અમારા ઘરમાં મારા સિવાય મારા મોટા ભાઈ સિદ્ધાર્થ શુક્લ પણ બહુ ફિટનેસ-ફ્રીક હતા. બસ, અમને બેને છોડીને ઘરમાં કોઈ ક્યારેય જિમમાં ગયું નથી. હું રોજનો દોઢ કલાક જિમમાં જાઉં છું અને જુદા-જુદા બૉડી-પાર્ટને ટ્રેઇન કરું. જોકે હું બહુ દૃઢતાપૂર્વક માનું છું કે રેસ્ટ પણ બહુ મહત્ત્વનો છે. બાર કલાકનો રેસ્ટ કરવો જ જોઈએ તમારે જો તમે બે કલાક વર્કઆઉટ કરતા હો તો. એટલો સમય તો બૉડીને રિપેર થતાં લાગશે જ.
ફિટનેસ માટે મારે મોટિવેશન માટે બહાર આંટાફેરા મારવા પડતા નથી. ગઈ કાલે કેવો દેખાતો હતો અને આજે કેવો દેખાઉં છું એ જોઈને જ હું ફિટનેસ માટે પ્રેરિત થઈ જાઉં છું. હું પોતાને જ પોતે મોટિવેટ કરતો હોઉં છું અને ક્યારેક હૃતિક રોશને જોઈને. હા, હૃતિક મારું ક્રશ છે એવું કહું તો ચાલે. હૃતિકને જોઈને ખરેખર હું મોટિવેટ થાઉં છું.
ડાયટ બાબતમાં રહો અલર્ટ
ફિટનેસમાં ડાયટનો રોલ ૬૦ ટકા હોય છે અને ૩૦ ટકા વર્કઆઉટનો રોલ છે. મોટા ભાગના લોકો આ વાત જાણે છે, પણ સમજતા નથી કે પછી લાઇફમાં ઇમ્પ્લિમેન્ટ કરતા નથી.
જો તમારી ડાયટ પ્રૉપર નહીં હોય તો પછી તમે જિમમાં જઈને ગમે એટલી એક્સરસાઇઝ કરશો કે પછી પ્રોટીન કે એનર્જી પાઉડર પીધા કરશો તો પણ તમારા શરીરને કોઈ ફરક નહીં પડે. ડાયટ મારી દૃષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફૅક્ટર છે. જો સાચું ખાઓ તો બૉડી અને હેલ્થ સારી રહેશે. મેં શુગર બહુ જ ઓછી કરી દીધી છે. જનરલી મને ખાવાનું ખૂબ પસંદ છે. મૅગીથી લઈને દાલ મખની, રાજમા એમ દરેક પ્રકારનું ભોજન મને પ્રિય છે. મને અરબીની સબ્ઝી ખૂબ ભાવે. ભીંડી અને રાજમા હું નિયમિત ખાઈ લેતો હોઉં છું. પીત્ઝા મારું જ નહીં, મને લાગે છે કે આ યુનિવર્સના તમામ લોકોનું ફેવરિટ ફૂડ હશે. જે ખાવાના શોખીન હોય તેમના માટે જાત પર કન્ટ્રોલ કરવાનું ખૂબ અઘરું હોય છે, પણ હું એના પર કન્ટ્રોલ કરું છું અને આર્મી ડિસિપ્લિન સાથે કન્ટ્રોલ કરું છું.
ગોલ્ડન વર્ડ્સ
જિમ જવું એ જ ફિટનેસ મેળવવી નથી. તમે આખા દિવસમાં અડધો કલાક વૉક કરો અને હેલ્ધી ફૂડ નિયમિત ખાઓ. બસ, આ બે આદત હોય તો તમારી હેલ્થ શ્યૉરલી સુધરશે.