ફરી કૅન્સર ન થાય એની કાળજી પણ કૅન્સરની સારવારનો જ એક ભાગ છે

27 June, 2024 07:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્યારે વ્યક્તિ કૅન્સરમુક્ત થઈ જાય એટલે શું ઇલાજ બંધ થઇ જાય છે? ના, કૅન્સર એવો રોગ છે જે શરીરની પ્રકૃતિ સાથે પણ જોડાયેલો હોય શકે છે

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટરોના જીવનમાં આમ તો દરેક કેસ મહત્ત્વનો હોય છે, પરંતુ પ્રૅ​ક્ટિસની શરૂઆતમાં આવેલા કેસ લગભગ જીવનભર યાદ રહી જતા હોય છે. આવો જ એક કેસ એટલે ૩૩ વર્ષની યુવાન છોકરી જેને ઓવરીના કૅન્સરની તકલીફ આવી હતી. આ કૅન્સર શરૂઆતમાં જ પકડાઈ ગયું એટલે ઠીક થવાની શક્યતા ઘણી વધુ હતી. અમે તાત્કાલિક તેનો ઇલાજ શરૂ કર્યો. તેની સર્જરી થઈ અને ઓવરી કાઢી નાખવામાં આવી. તેને ૬ સાઇકલ કીમોની પણ અમે આપી. સંપૂર્ણ ઇલાજ દરમ્યાન તેણે સારી હિંમત રાખી. કૅન્સરના દરદીઓનો ઇલાજ લાંબો ચાલતો હોય છે અને આ પ્રોસેસમાંથી પસાર થવું સહેલું તો નથી. જોકે સંપૂર્ણ રીતે કૅન્સરમુક્ત થવું હોય તો પૂરો ઇલાજ જરૂરી છે.

જોકે પ્રશ્ન એ છે કે સંપૂર્ણ ઇલાજ એટલે શું? જ્યારે વ્યક્તિ કૅન્સરમુક્ત થઈ જાય એટલે શું ઇલાજ બંધ થઇ જાય છે? ના, કૅન્સર એવો રોગ છે જે શરીરની પ્રકૃતિ સાથે પણ જોડાયેલો હોય શકે છે. એટલે કે પૂરી રીતે કૅન્સર શરીરમાંથી જાય પછી પણ અમુક ટકા એવી શક્યતા રહે છે કે એ પાછું આવી શકે છે. એ ન આવે એનું ધ્યાન રાખવું પણ એ ઇલાજનો જ ભાગ છે. ઘણા લોકો એક વખત કૅન્સરમુક્ત થયા પછી એટલો બધો હાશકારો અનુભવતા હોય છે કે આ જ કૅન્સર ફરી આવવાની શક્યતા ભૂલી જતા હોય છે. દરેક કૅન્સરના દરદી સાથે આ શક્યતા જોડાયેલી રહે છે એટલે જ જ્યારે દરદી કૅન્સરમુક્ત થાય એ પછી પણ અમે દરદીને તાકીદ કરતા હોઈએ છીએ કે તમારે ફૉલોઅપ માટે આવવું પડશે. શરૂઆતમાં તો અમે દર બે-ચાર મહિને બોલાવતા હોઈએ. પછી ૬ મ​હિને કે વર્ષે એક વાર ફૉલોઅપ માટે જવું ખૂબ જ જરૂરી છે. ડૉક્ટરની આ તાકીદને જે લોકો અવગણે છે તે લોકો પાછળથી પસ્તાય છે. જેમ કે મારી આ દરદી હમણાં થોડા વખત પહેલાં ફરી મને મળવા આવી ત્યારે મેં તેને પૂછ્યું કે આટલાં વર્ષો કેમ ફૉલોઅપ માટે ન આવી? ત્યારે તેણે કહ્યું કે મને લાગ્યું કે હવે કૅન્સર નહીં જ આવે. અત્યારે ૧૫ કિલો ઘટેલા વજન અને બમણું જોર ધરાવતા કૅન્સર સાથે તે પાછી આવી છે. એક ડૉક્ટર તરીકે વિચારો કે અમારા માટે કેટલું અઘરું છે એ સ્વીકારવું કે કહેવા છતાં પણ દરદી સમજતા નથી કે માનતા નથી અને ખુદ આટલી પીડા ભોગવે છે. એ સમજવાની જરૂર છે કે ડૉક્ટર જ્યારે ફૉલોઅપ માટે બતાવવાનું કહે છે એનો પણ કોઈ અર્થ છે. ફક્ત ફી લેવા માટે ડૉક્ટર તમને બોલાવતા નથી.

 

- ડૉ. જેહાન ધાબર (ડૉ. જેહાન ધાબર અનુભવી ઑન્કોલૉ​જિસ્ટ છે. પ્રતિભાવ-માર્ગદર્શન માટે ઈ-મેઇલ કરી શકો છો.)

health tips life and style columnists