પિન્ક સૉલ્ટ બ્લડ-પ્રેશર કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે

19 February, 2024 08:45 AM IST  |  Mumbai | Heena Patel

નમક વગર તમે કોઈ પણ પકવાન બનાવો તો એ બેસ્વાદ લાગે. સ્વાદ સાથે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ મીઠું આવશ્યક છે. જનરલી આપણા બધાના ઘરમાં મોટા ભાગે જે યુઝ થાય છે એ ટેબલ સૉલ્ટ હોય છે.

પિન્ક સૉલ્ટ

આવું તાજેતરમાં એક અભ્યાસમાં તારવાયું છે. જોકે આયુર્વેદ તો ઘણાં વર્ષોથી માનતું આવ્યું છે કે હિમાલયન પિન્ક સૉલ્ટ એટલે કે સિંધવ વાપરવું જોઈએ. નમક ભોજનમાં સ્વાદ ઉમેરવાની સાથે નૅચરલ પ્રિઝર્વેટિવનું કામ પણ આપે છે. જોકે હવે તો અનેક પ્રકારનાં સૉલ્ટનું ‘હેલ્ધી’ના ટૅગ સાથે માર્કેટિંગ થવા લાગ્યું છે ત્યારે જાણીએ વિવિધ કલર અને ફ્લેવરના સૉલ્ટમાં કેવું મિનરલ કૉમ્બિનેશન હોય છે અને એના ફાયદા કે ગેરફાયદા શું હોય

નમક વગર તમે કોઈ પણ પકવાન બનાવો તો એ બેસ્વાદ લાગે. સ્વાદ સાથે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ મીઠું આવશ્યક છે. જનરલી આપણા બધાના ઘરમાં મોટા ભાગે જે યુઝ થાય છે એ ટેબલ સૉલ્ટ હોય છે. એ સિવાય ઉપવાસમાં સિંધવ મીઠું વાપરીએ છીએ, જેને રૉક સૉલ્ટ કહેવાય છે. બીજું એક કાળું મીઠું એટલે કે બ્લૅક સૉલ્ટ આવે જે આપણે ચાટ, સૅલડ, રાઈતા, ચટણીમાં યુઝ કરીએ. જોકે આ સિવાયનાં પણ કેટલાંક સૉલ્ટ છે જેમ કે  પિન્ક હિમાલય સી સૉલ્ટ,  સેલ્ટિક સી સૉલ્ટ વગેરે જેના દરેકના પોતાના હેલ્થ બેનિફિટ્સ છે. એટલે શેના શું ફાયદા છે એ એક્સપર્ટ પાસેથી જાણીએ જેથી તમને તમારી જરૂરિયાતના હિસાબે કયા મીઠાનો ઉપયોગ કરવો એની ખબર પડે. 

ટેબલ સૉલ્ટ વર્સસ અધર સૉલ્ટ
આપણા રસોડામાં વપરાતા ટેબલ સૉલ્ટ વિશે ડાયટ ઍન્ડ ઓબેસિટી કન્સલ્ટન્ટ મેઘના પારેખ શેઠ કહે છે, ‘નૉર્મલ સૉલ્ટમાં સોડિયમ અને ક્લોરાઇડ ઇક્વલ અમાઉન્ટમાં હોય છે. સોડિયમ ક્લોરાઇડ ડાઇજેશન અને ન્યુટ્રિઅન્ટના ઍબ્સૉર્પ્શન માટે ખૂબ જરૂરી છે. બીજું, આમાં આયોડીન હોય છે જે થાઇરૉઇડ ફંક્શન માટે ખૂબ જરૂરી છે. ડાયટમાં આયોડીનની ડેફિશિયન્સી થાય તો હાઇપોથાઇરૉઇડિઝમ થઈ શકે. બાળકોમાં આયોડીનની અછત હોય તો ન્યુરોલૉજિકલ પ્રૉબ્લેમ્સ થઈ શકે છે અને એને કારણે તેમનો ગ્રોથ અફેક્ટ થઈ શકે છે. આપણા આહારમાં આયોડીનનો મેજર સોર્સ ટેબલ સૉલ્ટ જ છે. આયોડાઇઝ્ડ સાૅલ્ટ શરીર માટે જરૂરી ૯૦ ટકા આયોડીન પૂરું પાડે છે. આનો માઇનસ પૉઇન્ટ એ છે કે એમાં અન્ય સૉલ્ટની સરખામણીમાં સૌથી વધુ સોડિયમ છે. બીજું એ કે મીઠામાં ગઠ્ઠા થતા રોકવા અને આયોડીનનું પ્રમાણ જાળવી રાખવા માટે આમાં થોડા પ્રમાણમાં કેટલાંક કેમિકલ્સ અને ઍન્ટિકેકિંગ એજન્ટ યુઝ થાય છે.’
ટેબલ સૉલ્ટની સરખામણીમાં અન્ય સૉલ્ટ કઈ રીતે જુદાં છે એની વાત કરતાં મેઘના પારેખ શેઠ કહે છે, ‘આપણે જે ઉપવાસમાં થોડું રતાશ પડતું મીઠું વાપરીએ એ રૉક સૉલ્ટ હોય છે. આ રૉક સૉલ્ટમાં ટેબલ સૉલ્ટની કમ્પૅરિઝનમાં સોડિયમ ઓછું ને સલ્ફર વધારે છે. સાથે બીજાં મિનરલ્સ છે જે ટેબલ સૉલ્ટમાં નથી. જેમ કે આયર્ન, પોટૅશિયમ, મૅગ્નેશિયમ વગેરે. આમાં સોડિયમ કન્ટેન્ટ ઓછું છે એટલે હેલ્થ માટે સારું છે. આમાં મેડિસિનલ પ્રૉપર્ટીઝ પણ છે જે ઇનડાઇજેશન, બ્લોટિંગ વગેરેમાં હેલ્પ કરે છે. સી સૉલ્ટ અને બ્લૅક સૉલ્ટમાં પણ સોડિયમ કન્ટેન્ટ ઓછું છે અને બીજાં મિનરલ્સ વધારે છે. ટેબલ સૉલ્ટની કમ્પૅરિઝનમાં આમાં વધુ પ્રોસેસિંગ હોતું નથી, એ નૅચરલ ફૉર્મમાં હોય છે. પિન્ક હિમાલય સી સૉલ્ટ સૌથી પ્યૉરેસ્ટ ફૉર્મમાં આવે છે. આમાં સૌથી વધુ એટલે કે ૮૪ મિનરલ્સ છે. પિન્ક સી સૉલ્ટ આયર્ન રિચ હોય છે. બીજું એક સેલ્ટિક સી સૉલ્ટ આવે છે જે મોટા દાણાવાળું સફેદ રંગનું મીઠું હોય છે.   એમાં પણ ૩૪ ટ્રેસ મિનરલ્સ હોય છે. આ સૉલ્ટ મૅગ્નેશિયમ રિચ હોય છે. આ બંને સૉલ્ટમાં મિનરલ્સ વધુ પ્રમાણમાં હોય છે. સી સૉલ્ટમાં પોટૅશિયમ અને સોડિયમનો બૅલૅન્સ્ડ રેશિયો હોય છે, પરિણામે એ બૉડીને હાઇડ્રેટેડ રાખે છે. નૉર્મલ મીઠું આપણને ડિહાઇડ્રેટ કરે છે, પણ આમાં એવું નથી થતું. એટલે સ્પોર્ટ્સ ફીલ્ડ સાથે જોડાયેલા લોકોને લીંબુપાણીમાં સી સૉલ્ટ મિક્સ કરીને પીવાનું કહેવામાં આવે છે.’

તો શું કરવું જોઈએ?
ડેઇલી સોડિયમની લિમિટ ક્રૉસ ન થાય અને શરીર માટે આયોડીનની જરૂરિયાત પણ પૂરી થઈ જાય એ માટે મેઘના પારેખ શેઠ કહે છે, ‘તમે તમારી ડેઇલી લાઇફમાંથી ટેબલ સૉલ્ટને કોઈ અન્ય સૉલ્ટ સાથે રિપ્લેસ ન કરી શકો, કારણ કે એ આયોડીનનો એકમાત્ર સોર્સ છે. બાકી સોડિયમ ઇન્ટેક ઓછું કરવા માટે જો સવારે તમે ટેબલ સૉલ્ટનો યુઝ કર્યો હોય તો પછી રાત્રે બીજા ટાઇપના સૉલ્ટનો યુઝ કરી શકો. ટેબલ સૉલ્ટ સિવાયનાં અન્ય સૉલ્ટમાં મિનરલ્સ હોય છે એ વાત સાચી પણ એને તમે સોર્સ ઑફ મિનરલ્સ ન ગણી શકો, કારણ કે આપણે એનું સેવન ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવાનું હોય છે.’ 

મીઠું જરૂરી, પણ વધુપડતું ઝેરી
કોઈ પણ વસ્તુની અતિ હાનિકારક જ હોય છે. આ વાત મીઠા માટે પણ લાગુ પડે છે. મેઘના પારેખ શેઠ કહે છે, ‘મીઠામાં રહેલા સોડિયમને કારણે આપણે એને કન્ઝ્યુમ કરીએ છીએ. સોડિયમ ફ્લુઇડ્સ બૅલૅન્સ મેઇન્ટેન કરવા માટે, હેલ્ધી બ્લડ-પ્રેશર લેવલ મેઇન્ટેન કરવા માટે, નર્વ્ઝ ફંક્શન અને મસલ્સ ફંક્શન માટે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ડેઇલી ચારથી છ ગ્રામ જેટલું જ મીઠું લેવું જોઈએ. જનરલી ભારતીયો મીઠાનું સેવન ડેઇલી લિમિટ કરતાં વધારે જ કરતા હોય છે. ખાસ કરીને પાપડ, અથાણાં, કેચપ સહિતનાં એવાં પૅકેજ્ડ ફૂડ જેમાં પ્રિઝિર્વેટિવનો યુઝ થતો હોય એમાં સોડયિમ કન્ટેન્ટ વધારે હોય છે. વધારે પડતા સોડિયમનું સેવન કરવાથી કિડની સ્ટોન, બ્લડ-પ્રેશર વધવું, ફ્લુઇડ રિટેન્શન, હાડકાંઓ નબળાં પડવાં, હાર્ટ રિલેટેડ પ્રૉબ્લેમ્સ થઈ શકે છે.’

columnists health tips