18 January, 2023 08:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પુરુષોમાં પ્રોસ્ટેટની તકલીફ અને સ્ત્રીઓમાં મેનોપૉઝ પછી ઇસ્ટ્રોજનની ડેફિશ્યન્સીને કારણે યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન થવાની સંભાવનાઓ વધી જતી હોય છે.
પાણી એ એક એવી ચીજ છે જે વધુપડતું લેવામાં આવે તોય મુશ્કેલી સર્જે છે અને ઓછું લેવાય તો પણ. એક ભ્રમણા છે કે શિયાળાની ઋતુ એવી છે જેમાં પાણી ઓછું પીએ તો ચાલી જાય. એનું કારણ એ છે કે ઠંડીમાં આપણને ઉનાળાની જેમ તરસ અને શોષ નથી પડતો. વળી બહાર ઠંડક હોવાથી પાણી પીવામાં પણ ઠંડી લાગે છે એટલે ઘણા લોકો પાણી પીવાનું અવૉઇડ કરતા હોય છે. જોકે આ આદતને કારણે આજકાલ વડીલોમાં યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શનની સમસ્યા વધુ જોવા મળી રહી છે.
તમને થશે કે કેમ વડીલોમાં જ? ઠંડી તો બધાને પડે છે, પણ ઓછું પાણી પીવાની આદત વડીલોમાં જ કેમ હોય? અમુક ઉંમર પછી પુરુષોમાં પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટને કારણે અને સ્ત્રીઓમાં બ્લૅડર ઇનકૉન્ટિનન્સને કારણે ફ્રીક્વન્ટ યુરિનેશનની સમસ્યા સર્જાતી હોય છે. ઉંમરની સાથે લાઇફસ્ટાઇલને લગતા રોગ પણ ઘર કરી જાય છે. ડાયાબિટીઝ એમાંનું એક છે. ડાયાબિટીઝને કારણે પણ વારંવાર યુરિન પાસ કરવા જવાની અર્જ થયા કરે છે. ઉંમરને કારણે પથારીમાંથી ઊઠવા-બેસવાનું અને ચાલવાનું થોડું અઘરું થઈ જતું હોવાથી વારંવાર બાથરૂમની વિઝિટ કરવાનું ડિફિકલ્ટ લાગતું હોવાથી અજાણપણે વડીલો પાણી ઓછું પીવા માંડે છે. ઓછું પાણી પીવાતું હોવાથી અને યુરિન રોકી રાખવાથી યુરિનરી ટ્રૅક્ટમાં ઇન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે.
આ પણ વાંચો : પાલક-પનીર તમે માનો છો એટલી હેલ્ધી ડિશ નથી
વાત આટલેથી અટકતી નથી, યુરિનરી ટ્રૅક્ટનું ઇન્ફેક્શન વડીલોમાં અત્યંત વિચિત્ર પ્રકારની સમસ્યા લઈને આવે છે. જે લક્ષણો સાથે તમે કદી યુરિન ઇન્ફેક્શનને રિલેટ પણ ન કરી શકો એવાં-એવાં લક્ષણ પણ જોવા મળી શકે છે. ઝીણો તાવ, શરીરમાં કળતર, બૅકપેઇન, ઊબકા-ઊલટી જેવું લાગ્યા કરવું, પેડુમાં દુખાવો થવા જેવાં રેગ્યુલર લક્ષણો ઉપરાંત વડીલોમાં કન્ફ્યુઝન અને મેમરીને લગતી સમસ્યાઓ પણ ક્યારેક જોવા મળે છે. અચાનક જ જાણે તેમને કંઈ સમજાતું નથી એવું વર્તન કરવા માંડે ત્યારે પણ યુરિન ઇન્ફેક્શનની સમસ્યા તો નથીને એ ચેક કરવું જોઈએ. ભૂખ ન લાગવી, ચીડચીડિયો સ્વભાવ થઈ જવો અને ચાલતી વખતે સંતુલન રાખવામાં મુશ્કેલી વધી જવી એ પણ ઇન્ફેક્શનની સંભાવના દર્શાવે છે.
જો તમે પોતે નિવૃત્ત હો અને આવાં લક્ષણોથી પરેશાન હો તો બે કામ તમારે કરવાં જોઈશે. પૂરતું પાણી પીવું અને જ્યારે પણ બાથરૂમ લાગે ત્યારે એને જરાય રોક્યા વિના યુરિન પાસ કરવા જવું. ચા-કૉફી જેવાં ડાઇયુરેટિક પીણાં પીવાની આદત હોય તો એ ઘટાડવી. આ સામાન્ય આદતો ઇન્ફેક્શનની સમસ્યા ઘટાડશે. અલબત્ત, એનાથી સંપૂર્ણપણે સમસ્યા જતી જ રહેશે એવું નથી. કેમ કે યુરિન ઇન્ફેક્શનનાં બીજાં પણ ઘણાં કારણો હોઈ શકે છે. પ્રોસ્ટેટની તકલીફ કે ઇસ્ટ્રોજનની ડેફિશ્યન્સીને કારણે અથવા તો બ્લૅડર કે કિડનીમાં તકલીફ હોય ત્યારે પણ આવું થઈ શકે છે.
તમારા ઘરમાં વડીલો હોય તો તેમને પૂરતું પાણી પીવાનું યાદ દેવડાવો. બાથરૂમ સુધી જવામાં મુશ્કેલી પડતી હોય તો તેમને મદદ કરો. રાતે સૂતાં પહેલાં તેમને બાથરૂમ વિઝિટ અચૂક કરાવો. જો શરૂઆતથી જ આ આદત કેળવી હશે તો ઇન્ફેક્શનના ચાન્સિસ ઘટશે. બાકી એક વાર ઇન્ફેક્શન થયા પછી ઍન્ટિ-બાયોટિકનો કોર્સ કરવો પડશે. એમાં કશું જ ખોટું નથી, પરંતુ જેટલી ઓછી દવાઓની જરૂર પડે અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી જ સમસ્યાઓને રોકવામાં સમજણ છે. ધારો કે વારંવાર ઇન્ફેક્શન થતું હોય તો એના મૂળ કારણનું નિદાન કરીને એને જડમૂળથી દૂર કરવું જરૂરી છે અને એ માટે ઘરગથ્થુ ઉપાયો પર નિર્ભર ન રહેવું.