કુદરતી રીતે પેટ સાફ ન થવું એ લાંબા ગાળે અનેક સમસ્યાને નોતરું આપે છે

25 July, 2024 07:45 AM IST  |  Mumbai | Dr. Chetan Bhatt

આજકાલ ગૅસ અને કબજિયાતની તકલીફ બહુ કૉમન થઈ ગઈ છે. લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિને થતી જ હોય છે

પ્રતીકાત્મક તસવીર

પેટના આંતરિક અવયવોની વાત હોય કે પાચનશક્તિની વાત હોય, તમારું પાચનતંત્ર પ્રૉપરલી કામ કરી રહ્યું છે કે નહીં એનું કૉમન લક્ષણ છે કબજિયાત. પેટ સાફ થવું, રોજેરોજ પેટમાં ઠલવાતા ખોરાકમાંથી જરૂરી તત્ત્વો શોષાઈને નકામો કચરો બહાર ફેંકાઈ જવો ખૂબ જરૂરી છે. જોકે આ બાબતે બે અંતિમ વલણો જોવા મળે છે. નાની ઉંમરના લોકોને પેટ સાફ થવાનું મહત્ત્વ જ સમજાતું નથી તો મોટી ઉંમરે લોકો પેટ સાફ કરવા માટે એટલા આદું ખાઈને પાછળ પડે છે કે વણજોઇતી દવાઓ લઈને પાચનશક્તિ નબળી પાડી નાખે છે.

આજકાલ ગૅસ અને કબજિયાતની તકલીફ બહુ કૉમન થઈ ગઈ છે. લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિને થતી જ હોય છે. પાછા આપણા ઘરગથ્થુ ઉપચારો, ઊંટવૈદું અને જાત-જાતના રેચક પદાર્થો બજારમાં મળે છે જે લોકો લેતા હોય છે. રેચક પદાર્થોને કારણે ઘણી વાર તકલીફ ઓછી થવાને બદલે વધી ગઈ હોય એમ પણ બને. રેચક પદાર્થો આંતરડાની દીવાલોને ઢીલી કરે અને આમ, એ સ્નાયુઓને વધુ નબળા કરે. વળી, રેચક પદાર્થો એક આદત છે. સ્નાયુની સ્થિતિસ્થાપકતા જે સહજ હોય એ સહજ પ્રોસેસ ખોરવી નાખે છે. એને કારણે રેચન વિના પેટ સાફ થાય જ નહીં. પહેલાં એક ગોળીથી પેટ સાફ થતું હોય તો બે મહિના પછી તમને બે ગોળીની જરૂરત પડવાની છે. આમ, એની માત્રા વધતી જાય અને પેટ પર એની અસર વધુ ને વધુ ખરાબ થતી જાય. માટે આવી આદતો તો ખૂબ જોખમી છે.

મહત્ત્વનું એ છે કે તમને આટલાં વર્ષોથી કબજિયાત કેમ છે એનું યોગ્ય નિદાન કરાવો. આટલાં વર્ષોની કબજિયાત પાછળ ઘણાં કારણો હોઈ શકે જેમાં તમને થાઇરૉઇડ કે ડાયાબિટીઝ હોઈ શકે, ન્યુરોલૉજિકલ કોઈ પ્રૉબ્લેમ પણ હોઈ શકે, તમારા નીચેના સ્નાયુઓમાં કોઈ તકલીફ હોય, તમારું ડાયટ યોગ્ય ન હોય, તમે બેઠાડું જીવન જીવતા હો, સ્મોકિંગ અને આલ્કોહોલ લેતા હો, ફિશર કે પાઇલ્સ જેવી તકલીફ હોય. આમાંથી કોઈ પણ એક કે એકથી વધુ કારણોને લીધે તમને આ તકલીફ હોઈ શકે છે માટે પહેલાં નિદાન જરૂરી છે. ચાલવાનું રાખો, પાણી દરરોજ અઢીથી ત્રણ લીટર જેટલું પીઓ, ઊંઘ સારી લો, ફાઇબરયુક્ત ખોરાક લો અને ધીમે-ધીમે તમે જે દવાઓ લો છો એ દવાઓ છોડતા જાઓ. અંતે આ એક આદત છે જે સાઇકોલૉજિકલ અસર કરે છે. એ ધીમે-ધીમે જશે. 

health tips life and style columnists