ગૅસ છૂટે છે, પણ પેટ બરાબર સાફ નથી થતું

02 October, 2023 02:30 PM IST  |  Mumbai | Dr. Chetan Bhatt

તમે જે લક્ષણો વર્ણવ્યાં છે એમાંનાં મોટા ભાગનાં લક્ષણો વાયુનો વિકાર દર્શાવે છે

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૭ વર્ષ છે. સીઝન બદલાય એટલે મને શરદી થઈ જાય છે અને થોડુંક કંઈક એક્સરસાઇઝ જેવું કરીએ તો શ્વાસ બહુ થાય છે. પેટ ફૂલેલું રહે છે. ગૅસ, ઍસિડિટી અને કબજિયાત રહે છે. હીમેજની ગોળી લઉં છું તો ગૅસ છૂટે છે, પણ પેટ બરાબર સાફ નથી થતું. હાથ-પગ-માથામાં દુખાવો થાય છે. અશક્તિ અને થકાવટ રહેે છે. ઇસીજી નૉર્મલ છે. થાઇરૉઇડ અને કિડનીના રિપોર્ટ્સ નૉર્મલ છે. સર્વાઇકલ સ્પૉન્ડિલૉસિસને કારણે ગરદન અને પીઠમાં તકલીફ રહ્યા જ કરે છે. મારા દાદાનું કહેવું છે કે મને નાડીવાત છે ને આયુર્વેદની દવાથી જ સારું થશે. તો સૂચનો આપશો.      
 

તમે જે લક્ષણો વર્ણવ્યાં છે એમાંનાં મોટા ભાગનાં લક્ષણો વાયુનો વિકાર દર્શાવે છે. આયુર્વેદમાં નાડીવાત જેવો કોઈ રોગ નથી, પરંતુ અત્યારે સ્થાનિક દોષોનું પ્રાબલ્ય જોતાં શરીરમાં વાત નાડી પ્રબળ હોય એવું બની શકે છે. વાયુને કારણે ગૅસ અને કબજિયાત થાય છે અને કબજિયાતને કારણે ભરાઈ રહેલો મળ સડે છે અને એને કારણે શરીરમાં ટૉક્સિન્સની જમાવટ થયા જ કરે છે.

શરીરના દુખાવા અને ઍસિડિટીનું મુખ્ય કારણ છે વકરેલો વાયુ.  એનો ઉપચાર કરવા માટે હરડે, કાચકા, દીકામારી અને સિંધવનું ચૂર્ણ મિક્સ કરી એમાં ઘી મેળવીને ચણીબોર જેવડી ગોળીઓ બનાવી લેવી. જમ્યા પછી બે-બે ગોળી હૂંફાળા પાણી સાથે લેવી. વાયુને કારણે થતા દુખાવાને મટાડવા માટે રોજ ગંધર્વ હસ્તાદિકષાયની બે-બે ચમચી રાતે સૂતાં પહેલાં લેવી.

ખોરાકમાં સહેલાઈથી પચે એવો ખીચડી-કઢી અને મગ-ભાત જેવો ખોરાક લેવો. લીંબુ, ટમેટાં, કાકડી, કોકમ, અથાણાં, આમલી, દહીં, આથેલી ચીજો ન લેવી. સ્ત્રીઓમાં હીમોગ્લોબિન ઘટવાને કારણે માસિકની તકલીફ થતી હોય છે. એ માટે સૅલડને બદલે લીલાં શાકભાજીમાંથી બનાવેલો સૂપ લેવાથી લોહીમાં આયર્નની માત્રા વધશે.

ખોરાકથી શરીરને પૂરતું પોષણ મળી રહેવાથી થાક, અશક્તિ રહેતી હોય તો રોજ સવારે ઊઠીને ત્રણ ખજૂરના ઠળિયા કાઢી એમાં પા ચમચી ગાયનું ઘી ભરીને ચાવીને ખાઈ જવું.

માથાના દુખાવા માટે રોજ રાતે સૂતાં પહેલાં ગાયના ઘીનું નસ્ય લેવું. માથું પાછળની તરફ ઢળતું રાખીને હૂંફાળા ઘીનાં ત્રણ-ત્રણ ટીપાં બન્ને નસકોરાંમાં નાખીને થોડીક વાર રહેવા દેવું.

health tips life and style columnists