ભલે ગમેએટલી ગરમી હોય, છ મહિનાથી નાના ટાબરિયાને પાણી ન પીવડાવો

24 May, 2024 07:32 AM IST  |  Mumbai | Dr. Pankaj Parekh

જો છ મહિનાથી નાનું બાળક હોય તો તેને માત્ર અને માત્ર બ્રેસ્ટ-મિલ્ક જ આપવું જોઈએ. ગરમી હોય તો પણ અને ગરમી ન હોય તો પણ

પ્રતીકાત્મક તસવીર

અત્યારે ચારેબાજુ હીટવેવ ચાલી રહી છે. ગરમીને કારણે પૂરતું હાઇડ્રેશન રહે એ માટે બધાએ સભાન રહેવાની જરૂર છે. જોકે આ વાત છ મહિનાથી નાના બાળકને લાગુ નથી પડતી. મારે આજે ખાસ આ મુદ્દે વાત કરવી છે, કેમ કે ઘણા લોકો પોતાને ગરમી લાગતી હોવાથી એવું વિચારે છે કે બાળકનું પણ મોં સુકાતું હશે એટલે તેને પણ પાણી પિવડાવવું જોઈએ.

પણ ના, તમારું બાળક કેવડું છે એ પહેલાં જોવું જરૂરી છે. જો છ મહિનાથી નાનું બાળક હોય તો તેને માત્ર અને માત્ર બ્રેસ્ટ-મિલ્ક જ આપવું જોઈએ. ગરમી હોય તો પણ અને ગરમી ન હોય તો પણ. ઘણી નવી મમ્મીઓને એમ થાય છે કે માત્ર દૂધ પીશે તો બાળકની તરસ કેમ છીપશે? તેનું મોં સુકાશે તો? પણ તમને ખબર છે ભગવાને જે કુદરતી રચના કરી છે એ મુજબ બ્રેસ્ટ-મિલ્કમાં એ દરેક ચીજ છે જે છ મહિનાથી નાના બાળકની જરૂરિયાત છે.

હજી એક ચમત્કારની વાત કહું. તમારું બાળક જે ઉંમરનું હોય એ મુજબ માના બ્રેસ્ટ-મિલ્કના કમ્પોઝિશનમાં પણ બદલાવ આવતો રહે છે. પહેલાં બે-ત્રણ દિવસમાં જે નીકળે એ ઘાટું કોલોસ્ટ્રમ હોય જે બાળકની રોગપ્રતિકારક શક્તિને સશક્ત બનાવવાનું કામ કરે છે. એ પછીના દરેક મહિને જેમ બાળકની જરૂરિયાત બદલાય એમ માના દૂધમાં રહેલા ઘટકોના પ્રપોર્શનમાં પણ બદલાવ આવે છે. છ મહિના પછી બાળકની જરૂરિયાત વધતી હોય છે જે માત્ર એકલા બ્રેસ્ટ-મિલ્કથી પૂરી નથી થતી એટલે તેને બહારનું લિક્વિડ અને સેમી-લિક્વિડ ફૂડ આપવાનું શરૂ કરવામાં આવે છે. બીજું, જ્યારે બાળક બ્રેસ્ટ-મિલ્ક જ લેતું હોય તો રોજ ૮થી ૧૦ વાર સુસુ કરતું હોય એ સ્વાભાવિક છે, એનાથી પણ ચોંકવાની જરૂર નથી.

છ મહિનાથી એક વર્ષનું બાળક હોય તો તેને પાણીની જરૂર પડી શકે. જોકે એ પણ નિર્ભર કરે છે કે તમે તેને બહારનું કેવું ફૂડ આપો છો. સેમી-લિક્વિડ ફૂડ જ હોય તો બાળકને ઓછું પાણી જોઈએ અને સેમી-સૉલિડ પલ્પ જેવું ખાવાનું લેતું હોય તો થોડુંક વધારે પાણી પીએ.

બાળક પૂરતું પાણી પીએ છે કે નહીં એનું માપ તે બરાબર યુરિન પાસ કરતું હોય એના પરથી નક્કી થાય. પેશાબ ઓછો થઈ જાય કે મળ કઠણ આવતો હોય તો તેને પાણી આપવું જરૂરી છે. જો ત્રણ-ચાર વર્ષનું બાળક ઘરની બહાર રમવા જતું હોય તો તે પૂરતું પાણી પીએ અને ઇલેક્ટ્રોલાઇટ્સ બરાબર જળવાયેલાં રહે એ માટે સભાન રહેવું ચોક્કસ જરૂરી છે. 

health tips life and style columnists