ગરબે ઘૂમીને થાકી ગયેલા પગમાં ફરી જોમ ભરી લો

09 October, 2024 04:13 PM IST  |  Mumbai | Heena Patel

નવરાત્રિના છેલ્લા ૩ દિવસ ૧૨ વાગ્યા સુધી ગરબા રમવાનો મોકો છે, પણ એમ છતાં ઘણા ખેલૈયોઓના તો અત્યારથી જ પગ થાકી ગયા છે. એટલે જો તમે ઇચ્છતા હો કે નવરાત્રિના બાકીના દિવસો સચવાઈ જાય તો આજે જ એક્સપર્ટ પાસેથી જાણી લો કે પગની સંભાળ માટે શું-શું કરવું જોઈએ

ગરબા રમી રહેલા યુવક

નવરાત્રિ શરૂ થાય ત્યારે તો હોંશે-હોંશે રમવાની મજા માણી લેવાય, પણ નવ-નવ રાત સુધી એકધારું રમવાનો સ્ટૅમિના જાળવી રાખવાનું અઘરું પડી જાય. નવરાત્રિ આડે બે-ત્રણ દિવસ બાકી હોય ત્યાં આપણું શરીર સાથ આપવાનું છોડી દે છે. પગમાં છાલા પડી જાય, પગ સૂજી જાય, ઘૂંટણના સાંધા દુખવા માંડે, પગમાં ગોટલા ચડી જાય. ખુલ્લા પગે ઠેસ મારવાને કારણે પગની ત્વચા છોલાઈ જાય છે. એવામાં ચામડી છોલાય એ પહેલાં જ એને પ્રોટેક્ટ કરવી જોઈએ. રમવા જાઓ ત્યારે અંગૂઠા અને હીલ્સ પર સફેદ પાટો બાંધીને એને પ્રોટેક્શન આપી દીધેલું હોય તો બાહ્ય ઇન્જરીથી બચી જવાય. જોકે બહારથી બચાવેલા પગ અંદરથી થાકી કે ઇન્જર્ડ થઈ જાય ત્યારે શું? ગરબા રમતી વખતે તો આપણે તાનમાં હોઈએ એટલે ખબર ન પડે, પણ ઘરે આવ્યા પછી દુખાવાનો અનુભવ થાય. આવા વખતે દુખાવામાંથી રાહત મેળવવા માટે આપણે ઘરે એવા કયા ઉપાય કરી શકીએ એ વિશે ફિઝિયોથેરપિસ્ટ નિરાલી જાની સંપત પાસેથી જાણી લઈએ. Navratri 2024

રાઇસ પ્રોટોકૉલ ફૉલો કરો

પગની એડી, પિંડી, ઘૂંટણ કે ઘૂંટીમાં માઇનર ઇન્જરી થઈ હોય અને એને કારણે સોજો આવી ગયો હોય કે દુખાવો થતો હોય તો એવા કેસમાં અમે રાઇસ પ્રોટોકૉલ ફૉલો કરીએ છીએ. રાઇસ (RICE) એટલે કે રેસ્ટ, આઇસ, કમ્પ્રેશન અને એલિવેશન. પગમાં સોજો કે દુખાવો હોય ત્યારે રેસ્ટ કરવો ખૂબ જરૂરી છે. રેસ્ટ કરવાથી વધુ ડૅમેજ થતું અટકશે અને રિકવરી પણ ફાસ્ટ થશે. બીજું, સોજાને ઓછો કરવા માટે બરફ ઘસવો જરૂરી છે. સોજાવાળા ભાગમાં ૧૫-૨૦ મિનિટ આઇસ-પૅક ઘસવાથી સોજો પણ ઊતરી જાય અને દુખાવો પણ ઓછો થઈ જાય. જો સોજો ન હોય ને ફક્ત દુખાવો હોય તો ગરમ પૅક પણ લગાવી શકાય. એ પછી આવે છે કમ્પ્રેશન, જેમાં સોજાવાળા ભાગને ક્રૅપ બૅન્ડેજથી બાંધી રાખવાનો હોય છે. આમ કરવાથી વધુ સોજો થતો અટકે છે. છેલ્લે આવે એલિવેશન, જેમાં પગની નીચે તકિયાને રાખીને એને સપોર્ટ આપવાનો હોય છે. પગને એલિવેટેડ (ઉપરની દિશામાં) રાખવાથી સોજા અને દુખાવામાં રાહત મળે. 

માલિશ

ઘણી વાર લોકોને પગમાં ગોટલા ચડી જાય છે. સ્નાયુઓમાં ખેંચાણ અને તણાવને કારણે આ સમસ્યા થાય છે. ગરબા રમતી વખતે પગના સ્નાયુઓનો વધુ પડતો ઉપયોગ થાય છે એટલે ગોટલા ચડી જાય છે. સ્નાયુઓને નરમ કરવા અને તણાવ ઘટાડવા માટે હળવા હાથથી મસાજ કરવાથી રાહત મળે છે. એવી જ રીતે ઘૂંટણમાં દુખાવો હોય તો ઢાંકણીની આસપાસ અંગૂઠાથી સર્ક્યુલર મોશનમાં માલિશ કરવાથી આરામ મળે છે. 

સ્ટ્રેચિંગ

પગમાં દુખાવો હોય તો સાથળ, પિંડીના સ્નાયુઓ માટેની બેઝિક સ્ટ્રેચિંગ કરવી જોઈએ. સ્ટ્રેચિંગ સ્નાયુઓને મજબૂત અને લચીલા (ફ્લેક્સિબલ) બનાવવાનું કામ કરે છે. ગરબા શરૂ કરતાં પહેલાં પણ જો તમે ગ્રાઉન્ડ પર જ થોડી સ્ટ્રેચિંગ કરી લો તો સ્નાયુઓને નુકસાન થવાનું જોખમ ઘટી જાય.  

કોન્ટ્રાસ્ટ બાથ

પગની પાનીમાં દુખાવો હોય તો એમાંથી રાહત મેળવવા માટે કોન્ટ્રાસ્ટ બાથ લઈ શકાય, જેમાં થોડી-થોડી વાર ગરમ અને ઠંડા પાણીમાં પગ બોળી રાખવાના હોય છે. એક બકેટમાં ગરમ પાણી લેવાનું અને બીજી બકેટમાં ઠંડું પાણી લેવાનું. એ પછી ગરમ પાણીમાં ૪ મિનિટ અને ઠંડા પાણીમાં ૧ મિનિટ પગ બોળી રાખવાના. આ રીતે તમે ત્રણ-ચાર વાર રિપીટ કરી શકો. 

હાઇડ્રેટ રહો

ગરબા રમતી વખતે કોઈ ઇન્જરી ન થાય એ માટે તમારા શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જરૂરી છે. પાણી આપણા જૉઇન્ટ્સને લુબ્રિકેટેડ અને ફ્લેક્સિબલ રાખે છે જેનાથી ઘૂંટણ અને ઘૂંટીના સાંધામાં ઈજા થવાનું જોખમ ઘટી જાય છે. એટલે ગરબા શરૂ કરતાં પહેલાં તેમ જ ગરબા રમતી વખતે પણ બ્રેક લઈને વચ્ચે થોડું-થોડું પાણી પીતા રહેવું જોઈએ.

navratri festivals Garba mumbai life and style health tips columnists