શરદ નવરાત્રિમાં નકોરડા ઉપવાસ નહીં, અલૂણાં ઉપવાસ વધુ શ્રેષ્ઠ કહેવાય છે

08 October, 2024 04:54 PM IST  |  Mumbai | Sejal Patel

માતાજીની ભક્તિ માટે કોઈ માત્ર પાણી પીને નિરાહાર તો કોઈક એકાદ ટંક ફરાળ કરીને ઉપવાસ કરતા હોય છે. જોકે આયુર્વેદશાસ્ત્ર માને છે કે શારદીય નવરાત્રિમાં નમક વિનાના એકભુક્ત ઉપવાસ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.

ઉપવાસના ફાયદા

માતાજીની ભક્તિ માટે કોઈ માત્ર પાણી પીને નિરાહાર તો કોઈક એકાદ ટંક ફરાળ કરીને ઉપવાસ કરતા હોય છે. જોકે આયુર્વેદશાસ્ત્ર માને છે કે શારદીય નવરાત્રિમાં નમક વિનાના એકભુક્ત ઉપવાસ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. વળી ગરબા ગાવા પણ કેમ જરૂરી છે એ પણ પૌરાણિક શાસ્ત્રોમાં લખેલું છે. ચાલો આજે જાણીએ અલૂણાં વ્રત અને ગરબા વિશેનું સાયન્સ

પંચાંગ મુજબ જોઈએ તો વર્ષમાં ૧૨ નવરાત્રિ આવે. મતલબ કે દર હિન્દુ કૅલેન્ડરના પ્રથમ નવ દિવસ માતાજીના દિવસો કહેવાય. અલબત્ત, એ ૧૨માંથી ૪ નવરાત્રિનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ વધુ છે. મહા અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ કહેવાય છે જે સાધકો અને સંન્યાસીઓ માટે છે, જ્યારે આમ જનતા માટે ચૈત્ર અને શરદ મહિનાની નવરાત્રિનું મહત્ત્વ છે. ચૈત્ર મહિનાની નવરાત્રિમાં જે પણ પૂજા-અર્ચનાની પરંપરા છે એ દિવસ દરમ્યાનની હોય છે. જ્યારે આસો મહિનામાં રાતે માતાજીની ભક્તિનો મહિમા છે. એ જ ભક્તિના ભાગરૂપે ગરબા ગવાય છે. આ નવરાત્રિમાં મીઠા વિનાના ઉપવાસનું મહત્ત્વ વધુ છે, પણ એ હવે ભૂંસાતું ચાલ્યું છે. 

અલૂણાં ઉપવાસ 

ભારતમાં દરેક તહેવાર અને ઉત્સવમાં જેકોઈ ખાણીપીણી કે ઉપવાસની પરંપરા બની છે એની પાછળ ઊંડું આયુર્વેદનું વિજ્ઞાન રહ્યું છે. શરદ નવરાત્રિમાં અલૂણાં વ્રતનો મહિમા કહેવાય છે, પણ એ સાવ જ ભુલાઈ રહ્યું છે. અલૂણાં વ્રત પાછળનું સાયન્સ શું છે એ સમજાવતાં આયુર્વેદનિષ્ણાત ડૉ. સંજય છાજેડ કહે છે, ‘દરેક ખાનપાન કે ઉપવાસ પાછળ ઋતુ અને કાળનું મહત્ત્વ છે. હાલમાં શરદ ઋતુ શરૂ થઈ. એ પિત્તના પ્રકોપનો સમય છે. એને ઑક્ટોબર હીટ પણ કહેવાય છે. વર્ષા ઋતુમાં જે વાયુનો પ્રકોપ થયા પછી ધીમે-ધીમે સંચિત થયેલું પિત્ત શરદ ઋતુમાં બહાર આવે છે. શરદ ઋતુમાં જો ઉષ્ણતા વધે તો પિત્ત વધી જાય છે જે એક નૈસર્ગિક પ્રક્રિયા છે. આવા સમયે એવો આહારવિહાર કરવાનો હોય જે પિત્તને કાબૂમાં રાખવાનું કામ કરે, યાદ રહે કે આહાર પણ અને વિહાર પણ. વર્ષા ઋતુમાં શરીરમાં વાયુનો સંચય થયો છે. વળી, ચોમેર પાણી હોવાને કારણે પહેલાંના સમયમાં મોટા ભાગનો સમય ઘરમાં ગાળવામાં આવેલો હોય. પલળેલા શરીરમાં આળસનો ભરાવો થઈ ગયો હોય. એવામાં શરદ ઋતુ એ એવો વચગાળાનો સમય છે જેમાં શરીરને શિયાળા માટે તૈયાર કરવાનું છે. આવનારી હેમંત ઋતુ માટે શરીરને બળ પ્રાપ્ત થાય એ માટે શરીરને હલાવીને પ્રવૃત્તિમય કરવાનું છે. સંચિત પિત્ત ઘટાડવાનું છે, પરંતુ પિત્ત ઘટે તો ઊર્જા પણ ઘટી જાય છે. એટલે શારીરિક ઊર્જા ઘટે નહીં એ રીતે શરીરને હેમંત ઋતુ માટે તૈયાર કરવા માટે જાગરણ કરવાનું, ગરબા ગાવાનું અને અલૂણાં વ્રત કરવાનું માહાત્મ્ય છે.’

નકોરડા ઉપવાસ નહીં, અલૂણાં વ્રત 

ભક્તિના પર્વમાં તપ અને ઉપવાસનું માહાત્મ્ય છે એની ના નહીં, પરંતુ શરદ ઋતુમાં નકોરડા ઉપવાસ કરવાનું સ્વાસ્થ્ય માટે ગુણકારી નથી. એટલે જ શારદીય તપમાં અલૂણાંને ઉત્તમ તપ કહેવાયું છે એમ જણાવતાં આયુર્વેદનિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘ભૂખ્યા રહેવાથી પિત્ત વધે છે. નકોરડા ઉપવાસથી પિત્ત વકરે અને શરીરની ઊર્જા ઘટે. એ બન્નેની આ ઋતુમાં જરૂર નથી એટલે એવા ઉપવાસ કરવા જેમાં આપમેળે તમે પિત્ત વધે એવું કંઈ ખાઈ જ ન શકો. નમક એક એવી ચીજ છે જે ખોરાકને સ્વાદ આપે છે. નમક ન ખાવાનું હોય તો તમે શું લઈ શકો? મીઠું ન હોય એટલે મરચું પણ ન આવે. મીઠું ન હોય એટલે ખટાશ પણ તમે ન લઈ શકો. એક જ રસ એવો બચે છે જે તમને નમક વિનાનો ભાવે અને એ છે મધુર. નમક વિનાનું ભોજન એક ટંક તમે લો તો તમે સ્વાદના અભાવે ખૂબ ઓછું ખાશો. આ બેસ્ટ કન્ડિશન છે સંચિત પિત્તને ખતમ કરવાની.’

આ વાત સાથે સહમત થતાં ડૉ. સંજય છાજેડ એમાં એકભુક્ત રહેવાનું મહત્ત્વ સમજાવતાં કહે છે, ‘વાતનો સમય ગયો હોય, પિત્તનો આવ્યો હોય ત્યારે શરીરને શાંતિ જોઈએ. એવામાં લવણ, અમ્લ, તિક્ત અને કટુ એ ચારેય રસ ઘટાડવાના છે. તમે નમક એટલે કે ખારાશ ભોજનમાંથી કાઢી લો એટલે ખોરાકનો સ્વાદ એન્હેન્સ નહીં થાય. તમે કદી નમક વિનાનું એકલું મરચું ખાઈ શકવાના છો? એનો સ્વાદ જ નહીં આવે. આ વિજ્ઞાન છે. સામાન્ય રીતે પિત્તને કારણે ઍસિડિટી થાય તો કડવી ચીજ લેવી પડે અને જલન થાય તો મધુર ખાવું પડે. આ સમયમાં પિત્તનો સંચય જલન ન કરે એ માટે મધુર રસનું સેવન કરવું. એમાંય રાતના સમયે જ. શારદીય નવરાત્રિના ઉપવાસમાં એક ટંક જ ખાવું જોઈએ અને એ પણ બપોરે જ. રાતના સમયે ગરમ દૂધ પીવું.’

ગરબા અને રાત્રિજાગરણ 

પિત્ત ઘટાડવાની સાથે શરીરમાં ઊર્જાનો સંચાર કરવા માટે સાંજના સમયે માતાજીની ભક્તિનું પ્રાવધાન શારદીય નવરાત્રિમાં છે. ડૉ. સંજય છાજેડ કહે છે, ‘પહેલાંના સમયમાં લાઇટના અભાવે લોકો સાંજનું વાળુ વહેલું કરી લેતા. વર્ષા ઋતુ દરમ્યાન પોતપોતાના ઘરમાં જ ગોંધાઈ રહેતા લોકો આ સીઝનમાં ભક્તિની સાથે સોશ્યલાઇઝ કરીને શારીરિક-માનસિક ઊર્જા મેળવતા. ગામના ખુલ્લા ચોગાનમાં દીવડાના અજવાળે ગરબા ગાવાના અને રમવાના. એ વખતે રાતે ૧૨ વાગ્યા સુધી જાગવું એને રાત્રિજાગરણ કહેવાતું. આજે રાત્રિજાગરણમાં આપણે ૧૨ વાગ્યા પછી ઘરની બહાર ફરવા નીકળીએ છીએ અને પીત્ઝા, પાસ્તા, બર્ગર અને બિઅર પેટમાં ઠાલવીએ છીએ અને પેટ બગાડીએ છીએ. જ્યારે રાત્રિજાગરણ માત્ર ૧૨ વાગ્યા સુધી એટલે કે લગભગ ચંદ્ર માથે આવે ત્યાં સુધી જ કરવાનું હોય. ૧૨ વાગ્યાથી વધુનું જાગરણ અગેઇન પિત્ત વધારવાનું જ કામ કરે છે. આ સીઝનમાં રાતના સમયે કંઈક લેવાનું હોય તો એમાં માત્ર દૂધ અને સાકર જ લેવી અને એ પણ જો ભૂખ હોય તો. ફરાળ પણ રાતના સમયે ન કરવું.’

એનર્જી માટે ગરબા 

ગરબા પણ એક પ્રકારનું એનર્જી પ્રિસ્ક્રિપ્શન જ છે એમ જણાવતાં ડૉ. રવિ કોઠારી કહે છે, ‘વર્ષા ઋતુમાં બેઠાડુ જીવન ગાળ્યા બાદ શરીરમાં ભરાયેલી આળસને ખંખેરીને નવી ઋતુ માટેની ઊર્જા પ્રાપ્ત કરવા માટે રાતના સમયે ગરબાની પ્રથા પડી હશે. ગરબે ઘૂમીને ચાંદનીની ઠંડક શરીરને મળે એ પણ એક આશય ખરો. ગરબા રમવાથી જે હળવો પસીનો થાય એ વધારાના પિત્ત અને વિષ દ્રવ્યોને બહાર કાઢી નાખે છે અને શરીર હળવું અને એનર્જેટિક થઈ જાય છે. શરીરને એનર્જેટિક બનાવવા પાછળ તાળીનો પણ મહત્ત્વનો ફાળો છે. પગની ઠેસ અને હાથતાળી એ બે શરીરના વિવિધ આંતરિક અવયવોને પણ ઍક્ટિવેટ કરવાનું કામ કરે છે.’

ગોળાકારમાં ગરબા રમાય એ વધુ હિતકારી છે. આપણે ત્યાં જેમ મન ફાવે એમ નહીં એ વાત પર ભાર મૂકતાં ડૉ. રવિ કહે છે, ‘ગરબા ગોળાકારમાં રમાય એમાં આધ્યાત્મિક કારણ ઉપરાંત શારીરિક કારણ પણ છે. શાસ્ત્રોમાં ગોળાકારમાં ચાલવાને ચક્રમણ કહેવાયું છે જેના અનેક ફિઝિકલ બેનિફિટ્સ છે. હા, આજકાલ લોકો વચ્ચે સામાન અને ચંપલ મૂકીને એની પ્રદક્ષિણા કરીને ગરબા રમે છે એને બદલે દીવડો કે માતાજીની ગરબીને ફરતે ગરબા રમાવા જોઈએ.’

navratri festivals ayurveda Garba health tips sejal patel life and style