પિતૃઓનું પ્રિય સ્થાન પીપળો છે પ્રાણદાયક

25 September, 2024 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બહુ જૂજ વૃક્ષો છે જે રાતે પણ પ્રાણવાયુ પેદા કરે છે. પીપળો અને લીમડો એમાંનાં એક છે

પીપળો

બહુ જૂજ વૃક્ષો છે જે રાતે પણ પ્રાણવાયુ પેદા કરે છે. પીપળો અને લીમડો એમાંનાં એક છે. શ્રાદ્ધ કર્મની વિધિઓ પીપળા નીચે બેસીને કરવાનું માહાત્મ્ય છે અને પિતૃતર્પણમાં પીપળો વાવવાનો મહિમા પણ કહેવાયો છે ત્યારે આ વૃક્ષ સાથે સંકળાયેલી પૌરાણિક ધાર્મિક માન્યતાઓ અને રોજિંદા જીવનનો એ કઈ રીતે અભિન્ન હિસ્સો છે એ જાણીએ

શ્રાદ્ધના દિવસોમાં લોકો પિતૃતર્પણ માટે પીપળે પાણી રેડવા કે પૂજન કરવા અવશ્ય જતા હોય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પીપળો બધા દેવો અને પિતૃઓને પ્રિય છે તો સાથે જ આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે કે પીપળો પ્રાણવાયુનું પાવર હાઉસ છે. આયુર્વેદની દૃષ્ટિએ પીપળાનું પ્રત્યેક અંગ શારીરિક અને માનસિક રોગો માટે ઉપયોગી છે. પીપળાની નજીક રહેવાથી શરીરને પ્રાણવાન ઊર્જા મળે છે. એટલે જ ભારતમાં ગામેગામ મંદિર કે નદીકિનારે પીપળો અવશ્ય હોય છે. ચાલો આ પીપળાને જાણીએ અને માણીએ.

પૌરાણિક માન્યતાઓ

પીપળાનું અસ્તિત્વ કઈ રીતે આવ્યું એની અનેક કથાઓ પ્રચલિત છે. કોઈક ઘટના સમયે દેવોએ એક ભિક્ષુકનો ઉપહાસ કર્યો ત્યારે પાર્વતીદેવીએ ગુસ્સે થઈને તમામ દેવોને વૃક્ષ બની જવાનો શ્રાપ આપ્યો હતો. એ વખતે બ્રહ્માજી ખાખરા સ્વરૂપે, શિવજી વડ સ્વરૂપે અને વિષ્ણુજી પીપળા સ્વરૂપે થયા. શ્રીમદ ભગવદ્ગીતામાં પણ શ્રીકૃષ્ણે કહ્યું છે કે વૃક્ષોમાં હું અશ્વત્થ અર્થાત્ પીપળો છું. આમ કહીને તેમણે પીપળાનો મહિમા વધાર્યો છે. ૬૪ કળાઓમાં પ્રવીણ એવા જ્ઞાની શ્રીકૃષ્ણ પીપળાનાં અમસ્તાં જ વખાણ ન કરે. આ વૃક્ષ દેવોને અને પિતૃઓને આકર્ષે છે એમ માનવાને કારણ પણ મળે છે. આ સૃષ્ટિમાં જો કોઈ પ્રાચીનતમ વૃક્ષ હોય તો એ છે સંસ્કૃતમાં અશ્વત્થ તરીકે ઓળખાતો પીપળો. પીપળો આસપાસના વાતાવરણને શુદ્ધ બનાવે છે એટલે જ એ પવિત્ર વૃક્ષ કહેવાય છે. એનાં લાકડાં પણ હવનમાં સમિધ તરીકે વપરાય છે જે પર્યાવરણની અશુદ્ધિઓ દૂર કરે છે. ૨૫ વર્ષ પહેલાં બૉસ્ટનમાં ભરાયેલી વનસ્પતિશાસ્ત્રીઓ (બૉટનિસ્ટો)ની પરિષદમાં જર્મન વૈજ્ઞાનિક દ્વારા પેપર્સ રજૂ કરવામાં આવ્યા હતા એમાં જાહેર કરવામાં આવ્યું હતું કે પીપળો એની વિશિષ્ટ રચનાને કારણે વધુમાં વધુ પ્રાણવાયુ ઉત્પન્ન કરી શકે છે.

વિશિષ્ટ રચના

પીપળાની વિશિષ્ટ રચના જ એને શ્રેષ્ઠ બનાવે છે. લિસ્સાં, સપાટ, ચમકદાર અને મંદિરના કળશ કે પિરામિડ આકારનાં જાળીદાર પાન ધરાવતું કોઈ વૃક્ષ હોય તો એ છે પીપળો. પીપળાના પાનની ટોચ કોઈ ઇન્જેક્શનની સોય જેવી અણિયાળી હોય છે. આવી રચનાને કારણે એ પાણીનો સંગ્રહ અને ઉપયોગ સારી રીતે કરી શકે છે. એ ઓછા પ્રકાશમાં પણ
ફોટો-સિન્થેસિસની પ્રક્રિયા કરીને પ્રાણવાયુ ઉત્પન્ન કરી શકે છે. પીપળાનાં પાન છૂટાંછવાયાં હોય છે. એને કારણે તમે પીપળાની નીચે ઊભા રહીને ઉપર જુઓ તો આ વૃક્ષ ચાળણી જેવું દેખાય છે. એની આરપાર આકાશ જોઈ શકાય છે. આવી રચનાને કારણે દરેક પાન સૂર્યપ્રકાશના સંપર્કમાં આવીને એનો મહત્તમ ઉપયોગ કરી શકે છે.

પિતૃતરંગોને આકર્ષે છે પીપળો

જેમ ઇન્જેક્શનની સોય દ્વારા લોહી શોષી શકાય એમ પીપળાના પાનની અણિયાળી ટોચ વાતાવરણમાં રહેલા સકારાત્મક તરંગોને આકર્ષવામાં પણ ઉપયોગી છે. પીપળાના વૃક્ષ નીચે જ બુદ્ધને બોધ પ્રાપ્ત થયો હતો એટલે પીપળો બોધિવૃક્ષ તરીકે પણ ઓળખાય છે.

આ જ વૃક્ષ નીચે જૈન તીર્થંકર અનંતનાથને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું એટલે એ ચૈત્યવૃક્ષ તરીકે પણ ઓળખાય છે. સનાતનીઓ માને છે કે ભાદરવા મહિનામાં પિતૃતરંગો પીપળાની વિશિષ્ટતાથી આકર્ષાઈને ખેંચાઈ આવે છે. આ પિતૃઓની આગતા-સ્વાગતા અને તર્પણ કરીને પિતૃદોષ દૂર કરી શકાય છે, તેમના શુભ આશીર્વાદ મેળવી શકાય છે. આ વાતને સમર્થન આપી શકાય, કારણ કે અષાઢ-શ્રાવણમાં પૂરાં વાદળાં વરસી ગયા પછી વાદળાંને કારણે રોકાઈ રહેલી સૂર્યશક્તિ અને કૉસ્મિક એનર્જી ભાદરવામાં બમણા જોરથી પૃથ્વી પર આવવા લાગે છે. ભાદરવાનો તાપ અસહ્ય હોય છે, પરંતુ એની સાથે પૃથ્વીની સૌથી નજીક રહેલા પિતૃતરંગો પણ આશિષ આપવા પધારતા હોય છે. આ ગરમીમાં શીતળતા અર્પણ કરવા જ પિતૃઓને પિત્તનાશક ખીર કે દૂધપાકનું ભોજન પીરસાય છે.

કાગવાસ કેમ?

કાગડાઓ પીપળાનાં બી ખાઈને પછી મળત્યાગમાં આખેઆખાં બહાર કાઢી નાખે છે. આ બી જ્યાં-ત્યાં પડતાં હોવાથી પીપળો આપમેળે બીજી જગ્યાએ વવાય છે. આમ કાગડા પીપળા જેવા ઉપયોગી વૃક્ષનો વિસ્તાર કરતા હોવાથી એમનો પણ દૂધ-ભાતના ભોજનથી આદર-સત્કાર કરાય છે, જેને આપણે કાગવાસ કહીએ છીએ. શાસ્ત્રોમાં એ પણ લખ્યું કે છે કે મૃત્યુ વખતે પિતૃઓની કોઈ ઇચ્છા અધૂરી રહી ગઈ હોય તો તેઓ પીપળામાં આવીને વસે છે અને વંશજો અહીં આવીને અમારી આકાંક્ષા પૂર્ણ કરશે, અમારું ઋણ ચૂકવીને અમને મુક્ત કરશે એવી આશા તેમને હોય છે. ‘ભૂતનું સ્થાન પીપળે’ એવી કહેવત આપણે ત્યાં યુગોથી કહેવાય છે એની પાછળ આ જ કારણ હશે. અતૃપ્ત પિતૃતરંગો આપણી સૌથી નજીક હોવાથી એમનો આદર કરીને ઝડપથી તૃપ્ત કરી શકાય છે, તેમના આશિષ મેળવી શકાય છે. ત્યાર બાદ અનુક્રમે કુળદેવ કે કુળદેવી, ગણેશ, મહેશ, બ્રહ્મા અને વિષ્ણુને પ્રાપ્ત કરી શકાય છે. આ સર્વ દેવો અને જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પવિત્ર પીપળો અત્યંત ઉપયોગી સાબિત થયો છે.

પીપળાના ઔષધીય ગુણો પણ અઢળક છે

ડૉ. અનાયા જોષી, આયુર્વેદનિષ્ણાત

પીપળાનાં પાન, લાકડું, છાલ, ગુંદર અને મૂળ આ બધાં જ અંગો અદ્ભુત ઔષધીય ગુણો ધરાવે છે. થાણેમાં પ્રૅક્ટિસ કરતા આયુર્વેદનિષ્ણાત ડૉ. અનાયા જોષી કહે છે, ‘ભારતીય સંસ્કૃતિ અને રહેણીકરણીમાં જાણીતું અને લગભગ આખા ભારતમાં સહેલાઈથી મળી આવતું વૃક્ષ એટલે પીપળો. પીપળાનો ઔષધ તરીકે ઉપયોગ પણ થાય છે જે અનેક બીમારીથી બચાવે છે.’

વાઈ અને એપીલેપ્સી : આયુર્વેદમાં પીપળાનો મેધાવર્ધક અને અપસ્મારહર પ્રયોગ પ્રચલિત છે. એ માટે પીપળનાં તાજાં પત્રને સારી રીતે ધોઈ, એને ગાયના ઘીથી લિપ્ત કરી, એના પર ભાત પીરસીને સવારના ૬થી ૮ વાગ્યાના તડકામાં તમારા નિરીક્ષણ હેઠળ અડધો કલાક રાખી મૂકવાં. ત્યાર બાદ એ ભાત ખાઈને પીપળપત્ર ફેંકી દેવું.

નાનાં બાળકો જેમને ફિટ આવતી હોય તેમના માટે લાભકારી છે. બાળકોમાં બુદ્ધિ, સ્મૃતિ અને મેધા વધારવા માટે પણ આ પ્રયોગ કરી શકાય.

ઘા પર રૂઝ : પીપળાની લીલી છાલ ૫૦ ગ્રામ + ૫૦૦ મિલીલીટર પાણી લઈને ૨૫૦ મિલીલીટર પાણી બચે ત્યાં સુધી ઉકાળવું. આ ક્વાથનો પ્રયોગ ઘાને ધોવા માટે/પ્રક્ષાલન માટે કરવાથી ઘા જલદીથી રુઝાવવામાં મદદ મળે છે અને ચામડીનો વર્ણ પણ સુધરે છે.

શ્વાસ/અસ્થમા માટેનો પ્રયોગ : જેમને શ્વાસને લગતા રોગ કે દમની બીમારી હોય અથવા લાંબા સમયથી અસ્થમાની બીમારીથી પીડાઈ રહ્યા હોય, વ્યાધિમાં કફદોષનું આધિક્ય હોય તેમને પીપળાનાં પાનનો ક્વાથ (કાઢો) કે ચૂર્ણ લાભકારી સાબિત થાય છે.

ડાયાબિટીઝમાં કન્ટ્રોલ : લાંબા સમયથી બ્લડ-શુગરના દરદીઓને વારંવાર ગાઢું અને વધુ માત્રામાં યુરિન બને છે. પ્રોસ્ટેટની તકલીફ હોય અને વજન પણ વધુ હોય એવા લોકો માટે પીપળાનો બાહ્ય અને આભ્યંતર પ્રયોગ ફળદાયી છે.

મોં-પેઢામાં અલ્સર : મોંમાં ચાંદાં પડી ગયાં હોય કે પેઢામાં સોજો આવ્યો હોય ત્યારે પીપળાનાં પાન અને ફળનો ક્વાથ ઉપયોગી છે. પાણીમાં ઉકાળીને તૈયાર કરેલા પીપળાનાં પાન અને ફળના ક્વાથથી ગંડૂષ કરવાથી લાભ થાય છે. ગંડૂષ એક પ્રકારના કોગળા છે. કોગળામાં તમે પાણી ભરીને મોં સાફ કરો છો, જ્યારે ગંડૂષમાં જે-તે ઔષધીય દ્રવ્ય તમે મોંમાં થોડાક સમય માટે ભરી રાખો છો. આવા કેસમાં પીપળપત્ર અથવા ફળના ક્વાથથી ગંડૂષ (કોગળા) કરવાથી લાભ થાય છે. પીપળાનાં પાન પિત્ત અને કફશામક છે.

સ્ત્રીઓ માટે ઉપયોગી : સ્ત્રીઓને થતું શ્વેતપ્રદર (સફેદ પાણી), વારંવાર યોનિપ્રદેશમાં સ્રાવ કે દુર્ગંધ કે ઇન્ફેક્શન કે બળતરા થવી, ગર્ભાશયના મુખ પર વ્રણ કે સોજો આવવો જેવા કેસમાં પીપળાનો ઉપયોગ પંચવલ્કલના ભાગરૂપે યોનિધાવન તથા ઓરલ મેડિસિન તરીકે કરવાથી નિશ્ચિત લાભ થાય છે.

સાવધાની રાખવી જરૂરી

આયુર્વેદિક દવા છે કે કોઈ વનસ્પતિ છે એટલે એ સેફ જ હોય એવું જરૂરી નથી. આ વાત ખાસ ધ્યાન રાખવી જરૂરી છે. કોઈ પણ વનસ્પતિનો અતિ માત્રામાં અને અયોગ્ય અવસ્થામાં ઉપયોગ હાનિકારક પુરવાર થઈ શકે છે. પીપળાના અયોગ્ય અને અતિ પ્રયોગથી કબજિયાત, રૂક્ષતા, અપચો તથા હિચકી જેવાં પરિણામો આવી શકે છે એટલે પીપળાનો તમારા માટે કેવી રીતે અને ક્યારે પ્રયોગ કરવો એ જાણવા માટે નિષ્ણાત વૈદ્યની સલાહ લેવી જરૂરી છે.

- મુકેશ પંડયા

health tips environment culture news life and style columnists