04 July, 2023 05:24 PM IST | Mumbai | Yogita Goradia
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું ૩૪ વર્ષની છું અને મારું વજન ૮૦ કિલો છે. આમ તો નાનપણથી જ થોડી ભરાવદાર હતી. થોડી મોટી થઈ એ પછી એ બાબતે સજાગતા વધી ગઈ એટલે ધીમે-ધીમે મારું ખાવાનું સાવ ઘટતું ગયું. ખાઈશ તો વજન વધશે એ મારા મનમાં ક્લિયર હતું એટલે મારું ફૂડ ઇનટેક પહેલેથી ઓછું જ છે. આમ છતાં મારું વજન કેમ ઊતરતું નથી એ મને સમજાતું નથી. લોકો કહે છે કે તું ડાયટ કર. હવે જે વ્યક્તિ ઑલરેડી છેલ્લાં ૧૦ વર્ષથી એક જ રોટલી પર જીવે છે તે હજી કેટલું ખાવાનું ઓછું કરે? આટલું ઓછી માત્રામાં ખાવા છતાં મારું વજન કેમ વધારે છે?
આપણે ત્યાં આ જ મોટો પ્રૉબ્લેમ છે કે લોકોને લાગે છે કે વજન વધી ગયું છે તો ખાવાનું છોડો. ઓછું ખાવું એ પૂરતું નથી જ. ઊલટું ઓછું ખાવાને કારણે જ આ તકલીફો શરૂ થઈ છે. થોડું સમજવાની કોશિશ કરીએ. શરીર એક સ્માર્ટ યંત્રની જેમ કામ કરે છે. જ્યારે તમે એને ઓછું ખાવાનું આપો ત્યારે એ વધુ ને વધુ સ્ટોર કરવાની વૃત્તિ રાખે છે, કારણ કે એને ખબર છે કે હું સ્ટોર નહીં કરું તો જ્યારે જરૂર પડશે ત્યારે મને ખાવાનું મળશે નહીં. વળી જ્યારે આપણે જરૂર કરતાં ઓછું ખાઈએ છીએ ત્યારે શરીરમાં કુપોષણ સર્જાય છે. આ કુપોષણને કારણે મેટાબોલિઝમ નબળું પડે છે. જે ખાય છો એનું પાચન યોગ્ય નથી થતું એટલે વ્યક્તિના શરીરમાં ફૅટ સ્ટોર થતી જાય છે. આ ફૅટ જ છે જે તમને નડી રહી છે. એ માનસિકતામાંથી પહેલાં તો છૂટવું પડશે કે ખાવાથી જાડા થવાય. હકીકત એ છે કે ઓછું કે અતિ ખાવાથી જાડા થવાય અને બૅલૅન્સ્ડ ડાયટ ન ખાવાથી જાડા થવાય.
ઘણી વાર આપણે ઓછું ખાવાના ચક્કરમાં પોષણયુક્ત ખોરાક ન ખાઈને બિનજરૂરી ખોરાક ખાઈ લઈએ છીએ જે અયોગ્ય છે. તમારે તમારું મેટાબોલિઝમ સુધારવા માટે પહેલાં તો શરીરને એ સાંત્વન આપવું પડશે કે હું તને પૂરું પોષણ આપીશ, હું પૂરતો ખોરાક લઈશ. એ માટે તમારે સમયસર ખોરાક લેવો પડશે અને લાંબા સમયના ગૅપને હટાવવો પડશે. મગજને સતત સંદેશ આપવો પડશે કે તારે સ્ટોર કરવાની જરૂર નથી, હું તને આપીશ. એ માટે સમયસર સૂઈ જવું પડશે અને પૂરતી ઊંઘ લેવી પડશે. ખોરાકમાં બૅલૅન્સ્ડ ડાયટ એટલે કે જેમાંથી પૂરતું પોષણ મળી રહે એવો ખોરાક ખાવો પડશે. તો જ તમારું બગડેલું મેટાબોલિઝમ સુધરશે. આમ જાડા થઈ ગયા છીએ એટલે ખાવાનું છોડી દેવું એ ઉપાય છે જ નહીં.