17 April, 2023 03:45 PM IST | Mumbai | Dr. Meeta Shah
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મારા પિતાને આજકાલ ડાયાબિટીઝ કાબૂમાં રહેતો નથી. હમણાં થોડા સમયથી તેમની શુગર ૩૫૦થી ૪૦૦ જેટલી વધી જતી હતી એટલે ડૉક્ટરે ઇન્સ્યુલિનની માત્રા વધારી છે. એનાથી શુગર થોડી કન્ટ્રોલમાં આવી છે. જોકે હમણાં રાત્રે તેમને બાથરૂમમાં ચક્કર આવી ગયાં હતાં અને પડી ગયા હતા. તેમને નળની ધાર માથામાં વાગી ગઈ એટલે તે બેભાન જેવા થઈ ગયેલા. તેમને ઊભા કર્યા અને માંડ ભાનમાં આવ્યા. થોડું ગ્લુકોઝ પીવડાવ્યું એ પછી ઠીક થયા. સાચું કહું તો હું ગભરાઈ ગયો છું. ડૉક્ટરે પાછળથી કહ્યું કે કદાચ તેમની શુગર ડ્રૉપ થઈ ગઈ હશે. હવે મને તેમને રાત્રે એકલા મૂકતાં ડર લાગે છે. હું શું કરું?
આ ઉંમરે શુગર ઉપર-નીચે થતી હોય એ શક્ય છે. તેમની શુગર એકદમ જ વધી ગયેલી એટલે ઇન્સ્યુલિનનો જે ડોઝ તેમના માટે સેટ કર્યો હતો એની હવે જરૂર નહીં હોય એટલે એટલા વધુ પ્રમાણમાં ઇન્સ્યુલિન લેવાને કારણે શુગર ડ્રૉપ થઈ રહી છે. પહેલી બાબત તો એ કે તમારા ડૉક્ટરને પૂછીને તેમનું ઇન્સ્યુલિન ઓછું કરાવડાવો. આ ઉંમરે શુગર ખૂબ વધે તો વાંધો નહીં, પરંતુ એ એકદમ ઘટી ન જવી જોઈએ. હાઇપોગ્લાયસેમિયાની પરિસ્થિતિને કારણે દરદી કોમામાં સરી પડે એમ બને. ઘણી વાર એને કારણે મૃત્યુ પણ થઈ શકે છે. રાત્રે જ મોટા ભાગે શુગર ડ્રૉપ થતી હોય છે ત્યારે ગ્લુકોઝનું યોગ્ય મૉનિટરિંગ અત્યંત જરૂરી છે.
આ પણ વાંચો : દીકરો બે વર્ષે પણ હજી કેમ બોલતો નથી થયો?
જ્યાં સુધી તેમની શુગર સ્ટેબલ નથી થતી ત્યાં સુધી રાત્રે તેમને એકલા ન સુવડાવો. અમુક દવાઓ એવી હોય છે જેને લીધે શુગર એકદમ જ ડ્રૉપ થઈ શકે છે. તમારા ડૉક્ટરને મળીને એવી કોઈ દવા હોય તો એ બંધ કરાવો. બીજું એ કે આજકાલ ઘણી ઍડ્વાન્સ્ડ મેડિસિન આવી ગઈ છે જે શુગરને એક હદ સુધી જ ઘટવા દે છે. આ ઍડ્વાન્સ્ડ મેડિસિન પણ વાપરી શકાય. રાત્રે ત્રણ વાગ્યે અલાર્મ રાખીને ઊઠો અને એક વાર તેમની શુગર ચેક કરી લો. જો ઘટતી લાગે તો તેમના મોઢામાં એક ચમચી ખાંડ આપી શકાય અથવા લીંબુપાણી કે ગ્લુકોઝ કંઈ પણ ચાલે. આ સિવાય રાતનો ખોરાક થોડો મોડો લો, જેથી રાત્રે એકદમ શુગર ઘટી ન જાય. આમ થોડા દિવસ જ્યાં સુધી બૅલૅન્સ થાય નહીં ત્યાં સુધી ધ્યાન રાખવું જરૂરી છે.