13 February, 2023 05:36 PM IST | Mumbai | Dr. Rajesh Kamdar
પ્રતીકાત્મક તસવીર
હું ૪૭ વર્ષનો છું. મને પાંચેક વર્ષથી ડાયાબિટીઝ છે. એકદમ કન્ટ્રોલમાં નથી, પણ ઠીકઠાક મૅનેજ થઈ જાય છે. હમણાં થોડા સમયથી હું બ્રશ કરું છું ત્યારે લોહી નીકળે છે. મને એમ કે થોડું જોરથી ઘસાઈ જાય છે એટલે લોહી નીકળતું હશે. પહેલાં ક્યારેક નીકળતું હતું, પણ હવે લગભગ દરરોજ જ નીકળવા લાગ્યું છે. હું કોશિશ કરીને ધીમેથી બ્રશ કરું છું, પરંતુ બીજી એક તકલીફ એ છે કે મારાં પેઢાંનો રંગ પહેલાં ગુલાબી હતો જે આજકાલ લાલ થઈ ગયો હોય એમ લાગે છે. શું શરીરમાં લોહી વધી ગયું હશે?
આપણે ત્યાં આ જ તકલીફ છે. સ્કિન પરથી લોહી નીકળે તો લોકો ડરીને ડૉક્ટર પાસે જાય છે, પરંતુ દાંતમાંથી લોહી નીકળે તો જતા નથી. ઘણા દરદીઓને તો ૬-૮ મહિનાથી લોહી નીકળતું હોય તો પણ અમારી પાસે આવતા નથી. આવું કરવું યોગ્ય નથી. તમે જે ચિહ્નો બતાવ્યાં એ મુજબ મને લાગે છે કે તમને પેઢાંની તકલીફ છે. આ તકલીફ હોય ત્યારે પેઢાં થોડાં ફૂલેલાં લાગે છે અને એમાંથી લોહી નીકળે છે. આ જ કારણસર એ ગુલાબીમાંથી લાલ થઈ જાય છે.
આ પણ વાંચો: દાંત પરની છારી નીકળતી જ નથી
ડાયાબિટીઝના દરદીઓમાં જિંજિવાઇટિસ અને પેરિયોડોન્ટાઇટિસ જેવી પેઢાંની તકલીફો વધુ જોવા મળે છે. પેઢાં પર અસર કરતા બૅક્ટેરિયા સામે લડવાની ક્ષમતા ડાયાબિટીઝના દરદીઓમાં ઓછી જોવા મળે છે. જિંજિવાઇટિસ અને પેરિયોડોન્ટાઇટિસ બન્ને પેઢાંમાં થતાં ઇન્ફેક્શન છે, જેમાં જિંજિવાઇટિસમાં પેઢામાં સોજો આવે છે, એ લાલ થઈ જાય છે અને ક્યારેક એમાં પલ્સ થઈ જાય છે; જયારે એનાથી ગંભીર સમસ્યા છે પેરિયોડોન્ટાઇટિસ, જેમાં પેઢાં ખેંચાતાં જાય છે. એવું લાગે કે પેઢાં ખવાતાં જાય છે અને દાંત અને પેઢાં બન્ને વચ્ચે પૉકેટ જેવી જગ્યા બને છે. જે પૉકેટ્સમાં કીટાણું ભરાય છે અને ઇન્ફેક્શન ફેલાય છે. આ પરિસ્થિતિમાં પલ્સ થઈ શકે છે. જો આ પરિસ્થિતિમાંથી બચવા પેઢાંની સર્જરી ન કરવામાં આવે તો ઇન્ફેક્શન ફેલાતું જાય છે અને આ ઇન્ફેક્શન હાડકાં સુધી પહોંચીને દાંતની સપોર્ટ-સિસ્ટમ એવાં હાડકાંને નુકસાન પહોંચાડે છે, જેને લીધે દાંત હલવા લાગે છે અને પડી જાય છે અથવા તો એને ફરજિયાત પાડવો પડે છે. જો પેઢાંની તકલીફની શરૂઆત જ હોય એટલે કે જિંજિવાઇટિસ જ હોય તો એ ઇલાજથી રિવર્સ કરી શકાય છે. માટે તમે તાત્કાલિક ડેન્ટિસ્ટ પાસે જાઓ અને યોગ્ય ઇલાજ કરાવો. આ બાબતે ગફલતમાં ન રહો એટલું સારું છે. દાંતની કાળજી અનિવાર્ય છે.