મને નિર્ણયો લેવાનો જબરો થાક લાગે છે

12 April, 2023 05:05 PM IST  |  Mumbai | Dr. Kersi Chavda

એકસાથે ૫૦ વસ્તુમાંથી કોઈક પસંદ કરવાની હોય તો એ ત્રાસદાયક છે, જ્યારે પાંચમાંથી પસંદ કરવાની હોય તો એ સરળ છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મારી ઉંમર ૬૮ વર્ષ છે. હું એક પ્રિન્સિપાલ હતો અને હવે નિવૃત્ત થઈને ૮ વર્ષ થઈ ગયાં છે. જીવનભર મેં કેટલાયે અઘરા નિર્ણયો લીધા છે. દરરોજ જુદી-જુદી સમસ્યા સામે આવે એમાં સાચું શું-ખોટું શું એ સમજીને સતત નિર્ણયો આપ્યા છે, પણ હવે સાદા નિર્ણયમાં પણ મગજ સાથ નથી આપતું. હોટેલમાં જમવા જાઉં તો ૧૦ મિનિટ થાય છે મને નક્કી કરતા કે શું ખાવું. કબાટ ખોલું તો કબાટની સામે ઊભો રહી જાઉં છું કે બ્લુ ટી-શર્ટ પહેરું કે બ્લૅક. એટલો ત્રાસી જાઉં છું કે મને હવે કશું નક્કી જ નથી કરવું.   
 
 તમે જે લક્ષણો કહો છો એ ડિસિઝન ફટીગ સિન્ડ્રૉમ તરફ આંગળી ચીંધે છે. જીવનમાં દરેક ક્ષણે નિર્ણયો લેવાના હોય છે, પરંતુ ક્યારેક એ નિર્ણયો લેવાનો થાક લાગે છે. એવું લાગે છે કે કશું પસંદ જ નથી કરવું. આ બાબતે તમે કોઈ સાઇકિયાટ્રિસ્ટને પણ એક વાર મળી જુઓ, કારણ કે મોટા ભાગે એવું જોવા મળ્યું છે કે વ્યક્તિને કોઈ સાઇકિયાટ્રિક કન્ડિશન હોય જેમ કે ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી કે ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર તો એની સાથે ડિસિઝન ફટીગ પણ જોવા મળતું હોય છે. જરૂરી નથી કે તકલીફ હોય જ, પણ એક વાર મળી લેવું સારું. 

બાકી રાહત માટે જીવનની અમુક પરિસ્થિતિ બદલો. ડિસિઝન ફટીગ પાછળનું સૌથી મોટું કારણ જીવનમાં વધતી જતી અઢળક ચોઇસ છે. જીવનમાં બને એટલી ચોઇસ ઓછી કરો. એકસાથે ૫૦ વસ્તુમાંથી કોઈક પસંદ કરવાની હોય તો એ ત્રાસદાયક છે, જ્યારે પાંચમાંથી પસંદ કરવાની હોય તો એ સરળ છે. બિનજરૂરી નિર્ણયો લેવાનું ટાળો. દુનિયામાં ઘણા મહાન લોકોએ આ રીત અજમાવી છે, જે ઘણી ફાયદામંદ છે, જેમ કે શું ખાવું, શું પહેરવું, કઈ ફિલ્મ જોવી, કારથી જવું કે ટ્રેનથી જેવા સામાન્ય નિર્ણયોમાં મગજ ન ખપાવો. જો તમે બિનજરૂરી નિર્ણયો લેવાનું છોડશો તો મગજની શક્તિ જરૂરી નિર્ણયો પર ફોકસ કરી શકશે અને તમે સારા નિર્ણયો લેવામાં સક્ષમ બની શકશો. કોશિશ કરો કે તમે દિવસ દરમ્યાન જ મહત્ત્વના નિર્ણય લો, રાત્રે નહીં, કારણ કે મોટા ભાગે દિવસભરના થાકની અસર રાતના નિર્ણય પર પડે છે, માટે મહત્ત્વના નિર્ણય રાત્રે ન રાખો. એ જ રીતે તમે ભૂખ્યા હો ત્યારે કોઈ મહત્ત્વના નિર્ણય ન લો. પર્ફેક્શનનો દુરાગ્રહ ન રાખો. યોગ, પ્રાણાયામ, ધ્યાન ચાલુ રાખો. મગજની ક્ષમતા અસીમ છે. બસ, જરૂરત છે એને થોડો આરામ અને થોડી ટ્રેઇનિંગની.

columnists health tips life and style