27 December, 2022 05:56 PM IST | Mumbai | Dr. Suruchi Desai
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મારી ઉંમર ૩૨ વર્ષની છે અને કેટલાક મહિનાથી દાઢી પર વાળ આવવાનું શરૂ થઈ ગયું છે. મૂછ પર પણ વાળ આવે છે. દાઢી પર વધુ આવે છે. મેં ઇન્ટરનેટ પર વાચ્યું હતું કે આ રોગને હર્સ્યુટિઝમ કહે છે. છેલ્લા ૬ મહિનાથી ઍક્નેની તકલીફ પણ શરૂ થઈ ગઈ છે. એનો પણ કૉસ્મેટિક ઇલાજ મેં શરૂ કર્યો, પરંતુ દાઢી-મૂછના વાળનો ગ્રોથ વધતો જ જાય છે. શું હું લેઝર ટ્રીટમેન્ટ કરાવું? લુકવાઇઝ આ તકલીફ ખૂબ સ્ટ્રેસ આપે છે. આનો કોઈ કાયમી ઉપાય ખરો?
આ તકલીફ જેટલી ઉપર દેખાય છે એટલી જ અંદર પણ હોય છે એ સમજવાની જરૂર છે. તમે વૅક્સથી વાળ દૂર કરો કે લેઝર ટ્રીટમેન્ટ કરાવો. આ બધા જ ઉપાયો ઉપરથી પ્રૉબ્લેમ સૉલ્વ કરશે, અંદરથી નહીં. કૉસ્મેટિક ઉપાયો જરૂરી જ છે, પણ એના કરતાં વધુ ફિઝિકલ ઉપાયો જરૂરી છે. જ્યારે મોઢા અને શરીર પર અણવાંછિત વાળ ઊગી નીકળે ત્યારે એની પાછળ રહેલા છુપા રોગોને શોધવા અને એનો ઇલાજ જરૂરથી કરાવવો. આમ તો કોઈ સ્ત્રીમાં ઍન્ડ્રૉજન્સ વધે ત્યારે જુદા-જુદા પ્રૉબ્લેમ્સ શરૂ થઈ જતા હોય છે. હર્સ્યુટિઝમ પાછળ મુખ્યત્વે જે રોગ હોવાની શક્યતા ખૂબ વધારે હોય છે એમાંનો એક છે પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ, જે આજકાલ ઘણી સ્ત્રીઓમાં જોવા મળે છે. હર્સ્યુટિઝમના દર ૪માંથી ૩ કેસ પાછળ પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ જવાબદાર છે. સ્ત્રીના શરીરમાં પુરુષોના હૉર્મોન્સનું પ્રમાણ વધવું જ પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ થવા પાછળનું મૂળભૂત કારણ છે. વળી, જે સ્ત્રીને પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ હોય તેનું ઇન્સ્યુલિન લેવલ વધારે હોવાની પૂરી શક્યતા છે. પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમની તકલીફ હોય તો લાઇફ-સ્ટાઇલમાં બદલાવ, વજન ઓછું કરવાથી અને જરૂર પડે તો અમુક દવાઓથી રિઝલ્ટ મળી શકે છે.
આ પણ વાંચો : માથાનો દુખાવો સહન નથી થતો, શું કરું?
જે સ્ત્રીને ઍડ્રિનલિન ગ્રંથિનું ટ્યુમર હોય તેને પણ પુરુષો જેવો હેર ગ્રોથ થઈ શકે છે. એ ઉપરાંત આવી સ્ત્રીઓને ઍક્ને, ઑઇલી સ્કિન, પુરુષોને પડે એ પ્રકારની ટાલ જોવા મળે છે. એટલું જ નહીં, અવાજ પણ પુરુષ જેવો ભારે થઈ જાય છે. આ લક્ષણો હર્સ્યુટિઝમનું આગળનું સ્ટૅપ છે, જેને વેરીલાઇઝેશન પણ કહે છે જે મોટા ભાગે ઍડ્રિનલિન ગ્રંથિનું ટ્યુમર સૂચવે છે, જેનો ઇલાજ ખૂબ જ જરૂરી છે. મોઢા પર કે શરીર પર ગમે ત્યાં અવાંછિત વાળ ઉગવાનું શરૂ થાય કે તરત જ સ્ત્રીએ ડૉક્ટરની મુલાકાત લઈ જરૂરી ચેક-અપ્સ કરાવી ઇલાજ શરૂ કરવો જરૂરી છે.