25 April, 2023 05:48 PM IST | Mumbai | Dr. Suruchi Desai
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મારી ઉંમર ૩૪ વર્ષ છે હાલ સાતમો મહિનો બેઠો છે. બે મહિનાથી ડૉક્ટર કહે છે કે બાળકનું વજન ખાસ વધતું નથી. છેલ્લા બે મહિનામાં તેનું વજન આમ તો ૨૦૦ ગ્રામ જેટલું વધ્યું છે અને ગર્ભની અંદર ૮૦૦ ગ્રામનું છે. જન્મ વખતે બાળકનું વજન ૨.૫ કિલો હોવું જોઈએ એમ મેં સાંભળ્યું છે. મને સતત ડર લાગે છે. ઘરમાં બધા કહે છે કે હું બરાબર જમું તો બાળકનું વજન વધશે, પણ એક લિમિટથી વધુ હું ખાઈ નથી શકતી. બાળકનું વજન ન વધવા પાછળ શું કારણ હોઈ શકે? હું શું કરી શકું?
ગર્ભમાં બાળકનું વજન વધતું નથી એ એક ગંભીર સમસ્યા છે, જેનું નિદાન અનિવાર્ય છે. તમારી ઉંમર મુજબ તમને ઘણી બીજી તકલીફ હોઈ શકે છે માટે સમય-સમય પર ગર્ભવતી સ્ત્રીનાં ટેસ્ટ થવાં જરૂરી છે. વજન વધ્યું નથી એનો અર્થ એ થયો કે બાળકનો વિકાસ સંપૂર્ણ થયો નથી. સમજીએ તો એવી કઈ પરિસ્થિતિઓ છે જેને કારણે ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ બરાબર થાય નહીં.
જ્યારે સ્ત્રી કુપોષણનો શિકાર હોય ત્યારે આ હાલત થાય છે. ભારતીય સ્ત્રીઓમાં ૫૦ ટકા સ્ત્રીઓ એનીમિક છે. એટલું જ નહીં, કેટલીયે સ્ત્રીઓ છે જેમને સંપૂર્ણ ખોરાક મળતો નથી અને ડૉક્ટરે આપેલાં સપ્લિમેન્ટ્સ કે ગોળીઓ તેઓ ખાતી નથી. આ પરિસ્થિતિમાં બાળક ઓછા વજનનું જન્મે છે. આ સિવાય માનસિક તાણ પણ એના માટે જવાબદાર હોઈ શકે છે. પહેલા બાળક પછી તરત જ બીજું બાળક આવી ગયું હોય તો પણ આ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ સિવાય સ્ત્રીને કોઈ ઇન્ફેક્શન થયું હોય, હાઇપરટેન્શન કે ડાયાબિટીઝ જેવી તકલીફ હોય, પ્લાસેન્ટા એટલે કે જેમાંથી બાળકને પોષણ મળતું હોય એની તકલીફ હોય, લોહી બાળક સુધી પહોંચતું ન હોય, બાળકને કોઈ ઑટો ઇમ્યુન ડિસીઝ હોય તો આવું થઈ શકે છે.
આમાંથી કયું કારણ તમને લાગુ પડે છે એ તમારા ડૉક્ટરની મદદથી તમે જાણો. બીજું એ કે તમે ખોરાકમાં ખાસ ધ્યાન આપો. વધુ ખાવાની જરૂર નથી. પોષણયુક્ત ખાવાની જરૂર છે. પ્રોટીનનું પ્રમાણ વધારો. મોટા ભાગે પ્રેગ્નન્સીમાં સ્ત્રીઓ આ પ્રકારની જ ભૂલો કરે છે કે વજન વધારવાના ચક્કરમાં કાર્બોહાઇડ્રેટ્સ વધુ ખાવા લાગે છે. એનાથી બાળકનો વિકાસ સારો થાય એવું નથી હોતું. બૅલૅન્સ્ડ ડાયટ લો અને ટેસ્ટમાં કોઈ તકલીફ થાય તો એનો ઇલાજ કરાવો. બાળકના વજનમાં ફરક પડશે.