09 September, 2024 03:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગણેશજીને ગમતી દૂર્વા સેહત માટે છે ગુણકારી
ગણેશોત્સવ શરૂ થઈ ચૂક્યો છે અને બાપ્પાની પૂજામાં વપરાતી દૂર્વાના ભાવ આસમાને છે. ગણપતિની પૂજામાં વપરાતી ચોક્કસ સામગ્રીઓમાં દૂર્વાનું ખાસ મહત્ત્વ હોય છે. ગણપતિના મસ્તક પર દૂર્વા મૂકવામાં આવે છે. દૂર્વાનો હાર બનાવીને પણ પહેરાવાય છે. તેમનાં ચરણ પાસે દૂર્વા ધરવામાં આવે છે. ગણેશચોથના ચાર દિવસ પછી ધરો આઠમ આવે છે. આ વખતે આ બુધવારે ધરો આઠમ છે અને આ દિવસે પણ દૂર્વાનું પૂજન કરવામાં આવશે. મોટા ભાગે કરમની કઠણાઈ એ છે કે જે દૂર્વા ગણેશજીને ખૂબ પ્રિય છે એ તેમને ચડ્યા પછી કચરામાં જાય છે. આપણા માટે આ એક ઘાસથી વિશેષ કશું જ નથી પણ આજે જાણીએ આ ઘાસ વિશે ઓછી જાણીતી વાતો.
તનને ઠંડક આપનારી
ગણપતિને ફળફળાદિ કે લાડુ-મોદક ધરવામાં આવે છે એ આપણે પ્રસાદ તરીકે હોંશે-હોંશે ખાઈએ છીએ પણ આ દૂર્વાની આપણે ઉપેક્ષા કરીએ છીએ. જો એનું સેવન યોગ્ય રીતે કરવામાં આવે તો શરદ ઋતુ અને ભાદરવા મહિનાના આ ગરમ ઉકળાટભર્યા દિવસો (ઑક્ટોબર હીટ)માં તનમનને ઠંડક સહિત બીજા અસંખ્ય ફાયદા પહોંચાડે છે. થાણેનાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. અનાયા જોશી કહે છે, ‘દૂર્વા દાહશામક છે. દૂર્વા શીતવીર્યાત્મક હોવાથી શરીરને બાહ્ય દાહથી બચાવી ઠંડક આપે છે. આ સમયમાં પિત્તની ઉષ્ણતા તથા તીક્ષ્ણતાને કારણે રક્તસ્રાવ થતો હોય તો એ રક્તસ્તંભક તરીકે કામ કરે છે. ગરમીમાં નસકોરી ફૂટીને નાકમાંથી લોહી બહાર આવતું હોય તો એને રોકવા માટે દૂર્વાનો ઉપયોગ થાય છે. દૂર્વાનો રસ કાઢી બે-બે ટીપાં નાકમાં નાખવાથી ઘણી રાહત થાય છે એટલું જ નહીં, શરીરમાં ક્યાંક ઘા પડે અને લોહી નીકળતું હોય ત્યારે અને હરસમસાને કારણે ગુદા વાટે લોહી નીકળતું હોય ત્યારે પણ રક્તસ્તંભક તરીકે ઉપયોગી છે. દૂર્વાની ચટણી (લેપ) બનાવી જે-તે પ્રભાવિત અંગ પર લગાડી રાહત મેળવી શકાય છે.’
આંખની બળતરા
ભાદરવા મહિનામાં આંખોની ગરમી અને એને લગતી બીમારીઓ પણ વધી જતી હોય છે. ડૉ. અનાયા જોશી કહે છે, ‘આંખોની બળતરા કે રૂક્ષતા વધી જતી હોય ત્યારે આંખની આસપાસનાં કૂંડાળાંમાં દૂર્વાનો લેપ લગાવવાથી રાહત થાય છે. આ ઉપરાંત વૈદની સલાહ લઈને દૂર્વાના સ્વરસનાં ટીપાં આંખમાં નાખવાથી પણ ખૂબ ફાયદો થાય છે. ગરમીને કારણે વારંવાર તરસ લાગતી હોય, મોઢું સુકાઈ જતું હોય કે મૂત્રમાર્ગમાં બળતરા થતી હોય તો પણ દૂર્વાનો પ્રયોગ અમૃત સમાન છે.’ દૂર્વા આલ્કલાઇન તત્ત્વો અને ક્ષારો ધરાવતી હોવાથી ઍસિડિટીમાં ખૂબ જ રાહત આપે છે. આ ઉપરાંત કબજિયાત અને અતિસાર જેવી બીમારીઓથી બચાવે છે. દૂર્વામાં ફાઇબર્સ વિપુલ પ્રમાણમાં હોવાથી પાચનશક્તિ સુધરે છે. ઝડપી બને છે. શરદ ત્રતુમાં બીમારીઓ વધી જાય છે અને શરીર અશક્ત બની જાય છે ત્યારે પણ દૂર્વા કામ આવે છે.
ઍન્ટિ-એજિંગ ગુણ
માત્ર શીતળતા અને પિત્તનું શમન કરવા પૂરતું જ દૂર્વાનું કામ નથી, એ રસાયણ પણ છે એમ જણાવતાં ડૉ. અનાયા કહે છે, ‘શારીરિક દુર્બળતા હોય, અશક્તિ લાગતી હોય, અકાળે વૃદ્ધાવસ્થાનાં લક્ષણો શરીરમાં જણાતાં હોય તો એને અટકાવવા પણ દૂર્વાનો ઉપયોગ એક રસાયણ સમાન છે. એ ઍન્ટિએજિંગ ગુણ ધરાવે છે. દૂર્વા રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. ચેપી રોગોથી બચાવે છે.’
મહિલાઓની સમસ્યામાં અકસીર
દૂર્વા ઘાસ મહિલાઓની અનેક પ્રકારની બીમારીમાં પણ લાભકારક છે એવું થાણેનાં જનરલ ફિઝિશ્યન અને ફર્ટિલિટી નિષ્ણાત ડૉ. નયના જોશી કહે છે, ‘સ્ત્રીઓને માસિક ધર્મ દરમ્યાન વધુપડતો રક્તસ્રાવ થતો હોય તો દૂર્વાનો લેપ પેટ પર લગાડવાથી ફાયદો થાય છે. શ્વેત પ્રદર અર્થાત્ સફેદ પ્રવાહી વહી જતું હોય ત્યારે પણ દૂર્વા મદદરૂપ થાય છે. આયુવેદમાં દૂર્વાને ગર્ભસ્થાપક અને ગર્ભપોષક કહી છે. દૂર્વા ગર્ભને બળ આપે છે. ગર્ભની શિથિલતાને દૂર કરે છે. વંધ્યત્વ નિવારણ કરે છે. જે સ્ત્રીઓને વારંવાર ગર્ભપાત થઈ જવાનો ઇતિહાસ હોય તેમને માટે દૂર્વાના પ્રયોગો અતિ લાભકારક છે.’
દૂર્વામાં રહેલાં પોષક તત્ત્વો
દૂર્વા બાયોલૉજીની ભાષામાં સાયનોડોન ડેક્ટિલોન તરીકે ઓળખાય છે. બેથી ૧૫ સેન્ટિમીટરની લંબાઈ અને ધારદાર બ્લેડ જેવાં પત્તાં ધરાવતી આ દૂર્વા ચોમાસામાં પોતાનાં મૂળિયાં જમીનમાં ખોસતાં જઈ પ્રસરે છે. જમીન પર લીલી ચાદરની જેમ પથરાતી આ દૂર્વા માનવને ઉપયોગી એવાં અનેક પોષક તત્ત્વો ધરાવે છે. દૂર્વામાં ૧૦થી ૨૦ ટકા પ્રોટીન્સ હોય છે. સોડિયમ, પોટૅશિયમ, ફોસ્ફેટ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ જેવા ઉપયોગી ક્ષાર અને આલ્કનૉઇડ્સ છે. વિટામિન A અને C પૂરતા પ્રમાણમાં છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ પણ છે. આ ઉપરાંત કેરાટીન, સાઇટોસ્ટેરોલ જેવાં શરીરને ઉપયોગી એવાં તત્ત્વો અને ફાઇબર્સ પણ પૂરતા પ્રમાણમાં છે. અનેક પ્રકારનાં ફોટો ટૉક્સિન્સ ઉપરાંત એસિટિક ઍસિડ પણ છે.
દૂર્વાને મિક્સરમાં પાણી સાથે પીસીને લેપ બનાવી શકાય છે. આ જ મિશ્રણ સુતરાઉ કપડાંમાં ભરીને નીચોવી લેવાથી સ્વરસ તૈયાર થાય છે. સ્વરસનું સેવન કરવું હોય તો બેથી ૪ ચમચી (૧૦થી ૨૦ મિલીલિટર) અથવા વૈદ્યની સલાહ મુજબ બીમારીનો પ્રકાર અને પ્રકૃતિ મુજબ કરવું.’
દૂર્વા એેટલે શું?
સંસ્કૃતના બે શબ્દો જોડીને દૂર્વા શબ્દ બન્યો છે. દુઃ + આવામ. દૂરનાને નજીક લાવે એ. ચોમાસામાં વાતાવરણમાં વાદળો હોવાથી અવકાશમાંથી આવતાં પ્રખર સૂર્યકિરણો સહિત અન્ય કૉસ્મિક એનર્જી રોકાઈ જાય છે. જૂનથી ઑગસ્ટ મહિનામાં મોટા ભાગનાં વાદળો વરસી જાય પછી અવકાશમાંથી બ્રહ્માંડકીય ઊર્જા સહિત સૂર્યકિરણો પૃથ્વી પર ધસી આવે છે. આ સકારાત્મક તરંગો ઘર સુધી ખેંચી લાવવા ઍન્ટેના જેવી દૂર્વા ખૂબ કામ લાગે છે. ગણેશના મસ્તક પર ભીની કરેલી દૂર્વા મૂકવાથી આ મહિનામાં પૃથ્વી પર પધારતા ગણેશ તરંગો (સકારાત્મક ઊર્જા) આપણા ઘરમાં ખેંચાઈ આવે છે અને આધિ, વ્યાધિ, ઉપાધિ આણતાં વિઘ્નોને દૂર કરે છે એવું મનાય છે. આમ દૂર્વા આપણને અનેક પ્રકારના શારીરિક, માનસિક, ધાર્મિક અને આધ્યાત્મિક લાભ પણ આપે છે. આપણે ભગવાન ગણપતિને દૂર્વા ચડાવીએ છીએ એનું આ જ કારણ છે.