23 October, 2024 08:25 AM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
દૃષ્ટિ નબળી પાડતા મોટા ભાગના રોગો સાઇલન્ટ્લી વધતા હોય છે. એનાં લક્ષણો શરૂઆતમાં દેખાતાં નથી અને જ્યારે ખબર પડે ત્યારે મોડું થઈ ચૂક્યું હોય છે. ભારતમાં આંખના સ્વાસ્થ્યને લઈને જોઈએ એટલી જાગૃતિ નથી એને કારણે પ્રિવેન્ટ થઈ શકે અને અસરકારક સારવાર થઈ શકે એવા રોગોથી પણ દૃષ્ટિહીનતા આવે છે. આજે જાણીએ ભારતીયોમાં સૌથી વધુ બ્લાઇન્ડનેસ નોતરનારી મુખ્ય ચાર કૉમન તકલીફો વિશે, જેમાં સમયસર સારવાર દૃષ્ટિ ચોક્કસપણે બચાવી શકે છે
વિશ્વમાં સૌથી વધુ બ્લાઇન્ડ લોકો ભારતમાં છે. એક સ્ટડી મુજબ ભારતમાં ૪૯.૫ લાખ લોકો બ્લાઇન્ડ અથવા વિઝ્યુઅલી ઇમ્પેર્ડ છે. દુઃખની વાત એ છે કે ૮૫થી વધુ કેસમાં દૃષ્ટિહીનતા ટાળી શકાય એમ હતી અથવા તો તેમની સારવાર થઈ શકી હોત જો લોકોમાં એના પ્રત્યે જાગૃતતા હોત. દૃષ્ટિહીનતાનું સૌથી મોટું કારણ સફેદ મોતિયો (કૅટરૅક્ટ) હોય છે. બ્લાઇન્ડનેસના કુલ કેસમાંથી ૬૬.૨ ટકા કેસમાં કૅટરૅક્ટ, ૧૮.૬ ટકા કેસમાં અનકરેક્ટેડ રિફ્રૅક્ટિવ એરર, ૬.૭ ટકા કેસમાં ગ્લૉકોમા, ૩.૩ ટકા કેસમાં ડાયાબેટિક રેટિનોપથી કારણભૂત હોય છે. આંખો સંબંધિત આવી સમસ્યામાં સમયસર કોઈ સારવાર લેવામાં ન આવે તો જીવનભરનો અંધકાર ભોગવવો પડે છે. આજે એક્સપર્ટ પાસેથી આંખો સંબંધિત આ વિવિધ બીમારી વિશે માહિતી મેળવીએ. આવા કેસમાં સમયસર સારવાર કઈ રીતે લઈ શકાય અથવા તો કઈ ભૂલો કરવાનું ટાળવું જોઈએ જેથી દૃષ્ટિહીનતાને ટાળી શકાય એ જાણીએ.
મોતિયો એટલે શું?
મોતિયા અને એનાં લક્ષણો વિશે વાત કરતાં સાંતાક્રુઝની કેનિયા આઇ હૉસ્પિટલના ડૉ. વૈશલ કેનિયા કહે છે, ‘આંખનો નૅચરલ લેન્સ સમય જતાં પીળાશ પડતો થવા લાગે છે. આ લેન્સ પ્રોટીનથી બનેલો હોય છે જે UV લાઇટથી ધીરે-ધીરે કડક થઈ જાય અને પીળું પડી જાય. લેન્સમાં પીળાશથી ધૂંધળાશ આવી જાય તેમ જ તેની ઇલૅસ્ટિસિટી ઓછી થતી જાય ત્યારે સૌથી પહેલાં નજીકના ચશ્માંના નંબર આવે છે. આવી રીતે નૅચરલ લેન્સનો પારદર્શકમાંથી અપારદર્શક થવાનો પ્રવાસને મોતિયો કહેવાય છે. મોતિયાના લીધે ધૂંધળું દેખાય, બરાબર ફોકસ ન થાય, વારંવાર ચશ્માંના નંબર ચેન્જ કરવા પડે. જો સમયસર મોતિયાનું ઑપરેશન કરવામાં ન આવે તો એ આંખમાં ફૂટી શકે. એને કારણે આંખમાં સખત વેદના, લાલાશ આવી જાય. જો આ સ્ટેજ પર પહોંચવા છતાં તમે સમય રહેતાં મોતિયાનું ઑપરેશન ન કરાવો તો દૃષ્ટિ જતી રહી શકે છે.’
મોતિયામાં સાવધાની
મોતિયાના કેસમાં ડૉક્ટર કઈ રીતે ઇલાજ કરે છે એ સમજાવતાં ડૉ. વૈશલ કેનિયા કહે છે, ‘મોતિયાનો ઑપરેશન વિના કોઈ ઇલાજ નથી. એ કોઈ દવાથી ઓગાળી શકાય કે રિવર્સ કરી શકાય નહીં. સાયન્સ હજી ત્યાં સુધી પહોંચ્યું નથી. એટલે અત્યારે એક જ માત્ર ઇલાજ છે કે ખરાબ થઈ ગયેલા લેન્સને રિપ્લેસ કરી નાખીએ. આ લેન્સમાં મૉનોફોકલ લેન્સ આવે, મલ્ટિફોકલ લેન્સ આવે, ઇડોફ લેન્સ આવે. મલ્ટિફોકલ અને ઇડોફ લેન્સ બેસાડવાથી મોતિયાના ઑપરેશન પછી ચશ્માં પરની તમારી નિર્ભરતા ૯૦ ટકા સુધી જતી રહે છે. મોતિયાનું ઑપરેશન પણ ખૂબ સરળ રીતે લેઝરથી થાય છે. એમાં કોઈ દુખાવો થતો નથી. નવી-નવી ટેક્નૉલૉજી આવવાના લીઘે મોતિયાનાં ઑપરેશન ઘણાં સેફ થઈ ગયાં છે.’
લોકોને થતી ગેરસમજ
મોતિયાને લઈને લોકોમાં રહેલી ગેરસમજને દૂર કરતાં ડૉ. વૈશલ કેનિયા કહે છે, ‘સામાન્ય રીતે લોકો એવું વિચારતા હોય છે કે મોતિયો પાકી જાય પછી જ એનું ઑપરેશન કરવું. જોકે આ તદ્દન ખોટી વસ્તુ છે. હવે જે લેઝર પદ્ધતિથી આપણે ઑપરેશન કરીએ છીએ એમાં કાચા મોતિયા જ ઉતારવા પડે. મોતિયા, જે વધુપડતા જટિલ અને કડક થઈ ગયા હોય એને લેઝરથી કાપતાં તકલીફ પડે. એટલે પછી આપણે જૂની પદ્ધતિથી મોટો કાપો કરી ટાંકા લેવા પડે. એમાં તકલીફ વધુ પડે. એના કરતાં સમયસર લેઝરથી મોતિયાનું ઑપરેશન કરાવી લેવું સારું.’
છૂપો દુશ્મન ઝામર
લોકોમાં જોવા મળતી ઝામર અથવા તો ગ્લૉકોમાની સમસ્યા પર પ્રકાશ પાડતાં ૨૭ વર્ષનો અનુભવ ધરાવતા ડૉ. વૈશલ કેનિયા કહે છે, ‘ગ્લૉકોમા એટલે આંખનું
બ્લડ-પ્રેશર. આમાં આંખનું બ્લડ-પ્રેશર વધી જતાં આંખની નસો સુકાઈ જાય છે. ૯૦ ટકા કેસમાં એ સાઇલન્ટ હોય છે. એનાં કોઈ લક્ષણો દેખાતાં નથી. એટલે જ ૪૦ વર્ષની ઉંમર પછી આપણે બધાએ વર્ષમાં એક વાર આંખ ચેક કરાવવી જ જોઈએ. ચેકઅપ ન કરાવો તો લાસ્ટ સ્ટેજ સુધી ખબર ન પડે કે ઝામર છે અને જ્યારે ખબર પડે ત્યારે આંખની આખી નસ સુકાઈ ગઈ હોય. એક વાર નસ સંપૂર્ણપણે સુકાઈ જાય તો એનો કોઈ ઇલાજ નથી.’
ઇલાજ શું?
ઝામરના ઇલાજ વિશે વાત કરતાં ડૉ. વૈશલ કેનિયા કહે છે, ‘ઝામર વિવિધ પ્રકારના હોય છે. કયા પ્રકારનો ઝામર થયો છે અને એ કેટલો સિવિયર છે એના પરથી એની ટ્રીટમેન્ટ નક્કી થાય છે. આપણે ઝામરને ટીપાં-લેઝર વડે કન્ટ્રોલ કરી શકીએ. સામાન્ય રીતે લોકો સરખાવતા હોય છે કે આ બહેનને ઝામર હતો, ટીપાંથી તેમને સારું થઈ ગયું. મને કેમ ઑપરેશન કરવાનું ડૉક્ટર કહે છે? આપણે એ સમજવું જોઈએ કે મને જે ઝામર થયો છે એ અલગ પ્રકારનો છે. એની ગંભીરતા અલગ છે. ઝામરની જેમ મોટા ભાગના આંખના રોગો હોય એ સાઇલન્ટ હોય છે એટલે એને આંખનો ડૉક્ટર જ પકડી શકે. આપણે ચશ્માંના નંબર કઢાવીને એમ સમજી લઇએ છીએ કે બધું જ બરાબર છે, પણ એવું નથી. આપણે એક વખત ચેકઅપ કરાવીએ તો આંખમાં મોતિયો, ઝામર વગેરે છે કે નહીં બધાની જ ચકાસણી થઈ જાય. શરૂઆતના સમયગાળામાં જ જો પ્રૉબ્લેમ ડિટેક્ટ થઈ જાય તો તમારી જલદી સારવાર શરૂ થઈ જાય અને આંખ બચી જાય.’
ડાયાબેટિક રેટિનોપથી
નામ પરથી જ ખબર પડે છે એમ ડાયાબિટીઝના દરદીને આ સમસ્યા થતી હશે. એ વિશે ડૉ. વૈશલ કેનિયા કહે છે, ‘ડાયાબિટીઝના દરદીઓમાં જો હાઈ શુગર લેવલ રહેતું હોય તો એ પડદાને લોહી પહોંચાડતી નળીઓને અફેક્ટ કરે છે. આને કારણે પડદા પર સોજો આવી શકે છે, જે વિઝનને નબળું પાડી શકે છે. શરૂઆતના તબક્કામાં ડાયાબેટિક રેટિનોપથીનાં કોઈ લક્ષણો દેખાતાં નથી. ધૂંધળું દેખાવાનું શરૂ થાય એ પછી દરદી ડૉક્ટર પાસે જાય છે. જોકે ત્યાં સુધીમાં આંખોને જે નુકસાન પહોંચી ચૂક્યું હોય છે એને સુધારી શકાતું નથી. ડાયાબિટીઝમાં રેગ્યુલર આંખનું સ્ક્રીનિંગ કરાવવું ખૂબ જરૂરી છે. જો આપણે બ્લડપ્રેશર, શુગર, કૉલેસ્ટરોલ નિયંત્રણમાં રાખીએ તો વાત ડાયાબેટિક રેટિનોપથી સુધી પહોંચે જ નહીં. બાકી ઍડ્વાન્સ ડાયાબેટિક રેટિનોપથીના કેસમાં આઇ ઇન્જેક્શન આપવામાં આવે છે.’
અનકરેક્ટેડ રિફ્રૅક્ટિવ એરર
આ એક એવો વિઝન પ્રૉબ્લેમ છે જેમાં સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે. આ વિશે માહિતી આપતાં પીડિયાટ્રિક ઑપ્ટોમેટ્રિસ્ટ પૂજા વાઢર કહે છે, ‘જેમને અનકરેક્ટેડ રિફ્રૅક્ટિવ એરર હોય તેમને નજીકનું અથવા દૂરનું જોવામાં તકલીફ પડે, માથામાં દુખાવો રહે, આંખો ખેંચાય આ બધાં લક્ષણો જોવા મળે. આ કેસમાં ડૉક્ટર તમને નંબરવાળાં ચશ્માં પહેરવા માટે આપે. જો તેમ છતાં
વિઝન ઇમ્પ્રૂવ ન થતું હોય તો વિઝન થેરપી આપવામાં આવે. ચશ્માં ન પહેરવાં હોય તેમના માટે લેન્સનો ઑપ્શન પણ છે. આ બધી નૉન-સર્જિકલ ટ્રીટમેન્ટ છે. જેમને સંપૂર્ણપણે નંબર હટાવવા હોય તેમની લેઝર ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.’ જ્યારે લાંબા સમય સુધી ચશ્માંના નંબર હોવા છતાં યોગ્ય નંબરનાં ચશ્માં પહેરવામાં ન આવે તો લાંબા ગાળે એની વિઝન પર માઠી અસર પડે છે અને ધીમે-ધીમે વિઝન-લૉસમાં પરિણમે છે.