Mast Rahe Mann: આજના સમયમાં મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું કેમ જરૂરી છે? સમજી લો આ વાતો

12 August, 2024 10:45 AM IST  |  Mumbai | Karan Negandhi

આજના એપિસોડમાં આપણે મળીશું સિનિયર કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણીને અને તેમની પાસેથી જાણીશું કે માનસિક સ્વાસ્થ્ય (Mast Rahe Mann)નું ધ્યાન રાખવું કેમ જરૂરી છે?

ડિઝાઇન: કિશોર સોસા

અમુક દાયકા પહેલાં ઍન્ગ્રી યંગ મેન માત્ર ફિલ્મોમાં જ જોવા મળતાં પણ હવે જમાનો બદલાતા આપણને બસમાં, ટ્રેનમાં કે રસ્તામાં દરરોજ આવા એકાદ પાત્રના દર્શન થાય છે. માત્ર એ જ નહીં પણ વાસ્તવિક જીવનમાં તમને સિંઘમની જેમ ‘આતા માઝી સટકેલ’ કહેતા અને એનિમલના રણવિજય સિંહ જેવા પાત્રો પણ આજુબાજુ ફરતાં જોવા મળશે, થેન્સ ટુ આજની આધુનિક જીવનશૈલી, જે ત્રણ ટી (T)થી વણાયેલી છે. પહેલો ટી ટેકનોલોજીનો, બીજો ટી ટ્રાન્સફોર્મેશનનો અને આ બંને થકી સતત આગળ રહેવાની હોડમાં રહેતા લોકો માટે ત્રીજો ટી ટેન્શનનો. આ વાત સવાલ ઊભો કરવા કે કોઈના માથે માછલાં ધોવા માટે અમે કરી નથી, મુદ્દો છે જવાબ શોધવાનો... મગજને શાંત રાખવાનો... લાંબાગાળાની માનસિક બીમારી ટાળવાનો... અને મનને મસ્ત રાખવાનો! ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે એક વિશેષ પેશકશ ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann) જેમાં આપણે દર પખવાડિયે એક નવા પ્રશ્ન સાથે મળીશું સાયકોલોજિસ્ટને અને તેમની પાસેથી જાણીશું મનને મસ્ત કેવી રીતે રાખવું!

આજના એપિસોડમાં આપણે મળીશું સિનિયર કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણીને અને તેમની પાસેથી જાણીશું કે માનસિક સ્વાસ્થ્ય (Mast Rahe Mann)નું ધ્યાન રાખવું કેમ જરૂરી છે?

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ (Mast Rahe Mann)ના પ્રશ્નનો સવિસ્તાર જવાબ આપતા ડૉક્ટર પ્રશાંત ભીમાણી કહે છે કે, “પહેલાં ક્યારેય નહતો એટલો સ્ટ્રેસ અત્યારે સમાજમાં ફલાયેલો છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગનાઇઝેશન (WHO) અનુસાર, ભારતમાં ૧૫-૨૯ ઉંમરના લોકો માનસિક રોગોથી સૌથી વધુ પીડાય રહ્યાં છે. હાલમાં યુવાનોમાં એંગ્ઝાઈટી, ડિપ્રેશન અને આત્મહત્યાનું પ્રમાણ ભારતમાં સૌથી વધુ છે. અત્યારે ભારતમાં લગભગ ૬ કરોડ લોકોને ડિપ્રેશન હોવાનું નિદાન થયું છે, જે વૈશ્વિક સ્તરે ખૂબ જ મોટો આંકડો છે. ભારતમાં હાલ દરેક છઠ્ઠી અથવા સાતમી વ્યક્તિ કોઈને કોઈ માનસિક તકલીફથી પીડાય રહી છે, જેમાં એંગ્ઝાઈટી અને ડિપ્રેશન મોખરે છે.”

ડૉક્ટર ભીમાણી કહે છે કે, “આજના સમયની વાત કરીએ તો સંબંધોમાં પ્રશ્નો, સ્ક્રીન એડિક્શન, અભ્યાસમાં તકલીફ, વડીલો સાથે મતભેદ, નાણાકીય ભીંસ જેવા અનેક્ પ્રશ્નો લોકોના જીવનમાં વધ્યા છે, જેને કારણે તેમનું જીવન ડામાડોળ થઈ ગયું છે. આજની પરિસ્થિતિ માટે જીવનશૈલી પણ એટલી જ જવાબદાર છે. પહેલાં લોકો વહેલા ઊંઘી જતાં, પરંતુ અત્યારે ૧૨-૧ વાગ્યે સૂવું એ ખૂબ જ નજીવી બાબત છે. એટલે અપૂરતી નીંદર પણ માનસિક તાણ પાછળ જવાબદાર ખૂબ જ મોટું પરિબળ છે. સાથે જ એકલા ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. આખી દુનિયામાં એકલતાનું પ્રમાણ મહામારીની જેમ વધી રહ્યું છે. માટે જ માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે.”

તેઓ ઉમેરે છે કે, “લોકોએ માનસિક સારવાર વિશે જાગૃત થવાની જરૂર છે. સાથે જ એ સમજવું પણ એટલું જ જરૂરી છે કે સાયકોલોજીસ્ટ પાસે જવામાં અને સારવાર લેવામાં કંઈ ખોટું નથી. લોકો માને છે કે જો અમે સાયકોલોજીસ્ટ પાસે જઈશું તો સમાજ તેમને પાગલ કહેશે. તે દૂર થાય તે જરૂરી છે. જો તમે માનસિક રીતે અસ્વસ્થ હોવ અને તમે જાતે તેનો ઉકેલ લાવી શકો એમ ન હોવ અને સમસ્યા ૪ કે ૬ અઠવાડિયાથી વધુ સમયથી હોય તો તમારે ચોક્કસ સાયકોલોજીસ્ટની મદદ લેવી જોઈએ.”

mast rahe mann mental health health tips world health organization news life and style