Mast Rahe Mann: બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર આ બાબતો કરે છે સૌથી વધુ અસર, આ રીતે રાખો ધ્યાન

02 December, 2024 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mast Rahe Mann: નિરા પટેલ કહે છે આજકલ બાળકોને કેટલીક બાબતોનો પરિચય ઉંમર પહેલા જ થઈ જાય છે. સમય પહેલા જ અનેક બાબતોનો પરિચય થતાં બાળકો પર તેની કેટલીક સારી તો કેટલીક ખરાબ અસર પણ પણે છે. આ બાબતનો નેગેટિવ એફેક્ટ જેમ કે બાળકોના વર્તનમાં નોંધપાત્ર તફાવત.

સાયકોલોજીસ્ટ નિરા પટેલ (તસવીર ડિઝાઇન કિશોર સોસા)

અમુક દાયકા પહેલાં ઍન્ગ્રી યંગ મૅન માત્ર ફિલ્મોમાં જ જોવા મળતાં પણ હવે જમાનો બદલાતા આપણને બસમાં, ટ્રેનમાં કે રસ્તામાં દરરોજ આવા એકાદ પાત્રના દર્શન થાય છે. માત્ર એ જ નહીં પણ વાસ્તવિક જીવનમાં તમને સિંઘમની જેમ ‘આતા માઝી સટકેલ’ કહેતા અને એનિમલના રણવિજય સિંહ જેવા પાત્રો પણ આજુબાજુ ફરતાં જોવા મળશે, થેન્ક્સ ટુ આજની આધુનિક જીવનશૈલી, જે ત્રણ ટી (T)થી વણાયેલી છે. પહેલો ટી ટૅકનોલોજીનો, બીજો ટી ટ્રાન્સફોર્મેશનનો અને આ બન્ને થકી સતત આગળ રહેવાની હોડમાં રહેતા લોકો માટે ત્રીજો ટી ટેન્શનનો. આ વાત કોઈની સામે સવાલ ઊભો કરવા કે કોઈના માથે માછલાં ધોવા માટે કરી નથી, મુદ્દો છે જવાબ શોધવાનો... મગજને શાંત રાખવાનો... લાંબાગાળાની માનસિક બીમારી ટાળવાનો... અને મનને મસ્ત રાખવાનો! ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે વધુ એક વિશેષ પેશકશ ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann) જેમાં આપણે દર પખવાડિયે એક નવા પ્રશ્ન સાથે મળીશું સાયકૉલૉજિસ્ટને અને તેમની પાસેથી જાણીશું મનને મસ્ત કેવી રીતે રાખવું!

મસ્ત રહે મનના આજના એપિસોડમાં આપણી સાથે છે સાયકોલોજીસ્ટ નિરા પટેલ જેમણે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે આજના મોર્ડન સમયના સૌથી જરૂરી મુદ્દે વાતચીત કરી છે. આ મુદ્દો છે બાળકો અને તેમના માનસિક સ્વાસ્થ્ય પર કઈ બાબતો કયા પ્રકારે અસર કરે છે. નિરા પટેલ કહે છે કે આજકલ બાળકોને કેટલીક બાબતોનો પરિચય ઉંમર પહેલા જ થઈ જાય છે. સમય પહેલા જ અનેક બાબતોનો પરિચય થતાં બાળકો પર તેની કેટલીક સારી તો કેટલીક ખરાબ અસર પણ પણે છે. આ બાબતનો નેગેટિવ એફેક્ટ જેમ કે બાળકોના વર્તનમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે અને બાળકોમાં મેચ્યોરિટી પણ સમય પહેલા જ આવી જાય છે અને બાળકમાં જિદ્દીપણામાં પણ વધારો થાય છે. હ્યૂમન લાઈફમાં પ્યુબર્ટી આવવાની ઉંમર જે 13થી 15 વર્ષ હતી તે હવે આઠથી નવ વર્ષમાં જ જોવા મળી રહી છે જેને કારણે ફિઝિકલ બદલાવ પણ બાળકોમાં જોઈ શકાય છે.

બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે?

નિરા પટેલ કહે છે કે બદલાયેલી જીવનશૈલી આ માટેનું એક કારણ છે. આ સાથે બાળકોનો આહાર અને ખૂબ જ નાની વયે સોશિયલ મીડિયાથી પરિચય થવો તેના જેવા બીજા અનેક કારણો પણ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરતાં હોય છે જે ભવિષ્યમાં મોટી સમસ્યા પણ બની શકે છે. અમુક દશકો પહેલા બાળકોના વિકાસના વયે ફિઝિકલ એક્ટિવિટીઝ જેમાં મેદાનમાં રમવું વગેરેનું પ્રમાણ વધારે હતું પણ હવે બેઠાળું જીવન થઈ ગયું છે. આ સાથે બાળકોને પોતાની મરજી મુજબ રમવું કે સમય પસાર કરવા શું કરી શકાય તે બાબતે વિચારવાની સ્વતંત્રતા ઓછી થઈ ગઈ છે. આ સાથે ભણવાનું પ્રેશર પણ તેમના મગજને અસર કરે છે. બાળક જન્મથી જ માતા સાથે હોય છે પણ જ્યારે તે અનેક દિવસો સુધી તેની માતાથી દૂર થાય છે ત્યારે તેમનામાં મધર સેપરેશન ઍંગ્ઝાયટી જોવા મળે છે. આ સાથે પ્રેગ્નેન્સી દરમિયાન ઘર અને ઓફિસનો તણાવ પણ ગર્ભમાં રહેલા બાળક પર અસર કરે છે.

પેરેન્ટ્સની ઍંગ્ઝાયટી તેમના બાળકોમાં ટ્રાન્સફર થઈ શકે છે. બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય તે દરમિયાન સ્ત્રીઓને થતો તણાવ બાળકને પણ અસર કરી શકે છે. આ સાથે બાળકના જન્મ બાદ તેને કયા પ્રકારનું ફૂડ અને વાતાવરણ મળી રહ્યું છે તે પ્રકારનું વર્તન તેનામાં દેખાઈ આવે છે. પોતાના બાળકો માટે તેમના માતા-પિતાનો એક જ મત હોવો જોઈએ, એમ નિરા પટેલ કહે છે.

તો શું કરવું?

નિરા પટેલ બાળકોના માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવા બાબતે કહે છે કે સૌથી પહેલા બાળકો પર ખોટી રીતે કંટ્રોલ કરવાનું ટાળો તે બાદ બાળકોને માતૃભાષાનું જ્ઞાન આપો જેનાથી તે પોતાની જાતને વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકશે. આ સાથે ભણતરનું પણ તણાવ હોય છે જેથી તેમને એવા પ્રકારે શીખવાડો કે બાળકોને તેમનું ભણતર બોજ ન લગતા તે રસપ્રદ લાગે. આ સાથે બાળકોને તેમના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરતાં શીખવાડો જે તેમને તણાવ દૂર કરવામાં લાભદાયક સાબિત થશે અને સૌથી મહત્ત્વનું બાળકોને મોબાઈલ અને ટીવી જેવા ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સની ટેવ નહીં પાડો. બાળકોને આવા ગેજેટ્સ ન આપતા તેમની સાથે વધુને વધુ એક્ટિવિટીમાં સામેલ થાઓ જેમકે તેમની સાથે રમો, ગીતો ગાઓ કે બીજી કઈ ફન એક્ટિવિટી કરો જે તેમની સાથેની તમારી બોન્ડિંગને વધારશે.

mast rahe mann mental health life and style health tips social media viren chhaya