Mast Rahe Mann: ઍંગ્ઝાયટીના પણ આટલા પ્રકાર છે? જાણીને ચેતી જવામાં માલ છે

23 September, 2024 10:30 AM IST  |  Mumbai | Rachana Joshi

Mast Rahe Mann: આજના એપિસોડમાં આપણે મળીશું સિનિયર કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણીને અને તેમની પાસેથી વિગતે સમજીશું ઍંગ્ઝાયટીના પ્રકારો

તસવીર ડિઝાઇન: કિશોર સોસા

અમુક દાયકા પહેલાં ઍન્ગ્રી યંગ મેન માત્ર ફિલ્મોમાં જ જોવા મળતાં પણ હવે જમાનો બદલાતા આપણને બસમાં, ટ્રેનમાં કે રસ્તામાં દરરોજ આવા એકાદ પાત્રના દર્શન થાય છે. માત્ર એ જ નહીં પણ વાસ્તવિક જીવનમાં તમને સિંઘમની જેમ ‘આતા માઝી સટકેલ’ કહેતા અને `એનિમલ`ના રણવિજય સિંહ જેવા પાત્રો પણ આજુબાજુ ફરતાં જોવા મળશે, થેન્સ ટુ આજની આધુનિક જીવનશૈલી, જે ત્રણ ટી (T)થી વણાયેલી છે. પહેલો ટી ટેકનોલોજીનો, બીજો ટી ટ્રાન્સફોર્મેશનનો અને આ બંને થકી સતત આગળ રહેવાની હોડમાં રહેતા લોકો માટે ત્રીજો ટી ટેન્શનનો. આ વાત સવાલ ઊભો કરવા કે કોઈના માથે માછલાં ધોવા માટે અમે કરી નથી, મુદ્દો છે જવાબ શોધવાનો... મગજને શાંત રાખવાનો... લાંબાગાળાની માનસિક બીમારી ટાળવાનો... અને મનને મસ્ત રાખવાનો! ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે એક વિશેષ પેશકશ ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann) જેમાં આપણે દર પખવાડિયે એક નવા પ્રશ્ન સાથે મળીશું સાયકોલોજિસ્ટને અને તેમની પાસેથી જાણીશું મનને મસ્ત કેવી રીતે રાખવું!

‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann)ના ગત એપિસોડમાં આપણે સિનિયર કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણી (Dr. Prashant Bhimani) પાસેથી જાણ્યું હતું કે, ઍંગ્ઝાયટીના પ્રકાર (Types Of Anxiety) કયા છે. આજે આપણે ઍંગ્ઝાયટીના પ્રકારો વિષે માહિતી મેળવીશું.

સિનિયર કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણી (Dr. Prashant Bhimani)એ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann)માં વાતચીત કરતા જણાવ્યું હતું કે, ‘પૅનિક ડિસઓર્ડર, અગોરા ફોબિયા, સ્પેસિફિક ફોબિયા, સોશ્યલ ફોબિયા, જનરલાઇઝ ઍંગ્ઝાયટી ડિસઓર્ડર આટલા ઍંગ્ઝાયટીના પ્રકારો છે.’

ઍંગ્ઝાયટીના પ્રકારો (Types Of Anxiety) વિશે સામાન્ય વ્યક્તિને સમજાય તેવી ભાષામાં વિગતવાર જણાવતાં ડૉક્ટર પ્રશાંત ભીમાણી કહે છે કે, ‘સૌથી પહેલું આવે પૅનિક ડિસઓર્ડર. જેમાં વ્યક્તિને ગભરામણ થાય, હૃદય પર ભાર લાગે, ગુંગળામણ થાય, ચોકિંગનો અનુભવ થાય, ઍટેક આવે એવું થાય, હાથ-પગમાં પરસેવો થાય, ઍટેક ન હોય પણ ઍટેકના દરેક લક્ષણો હોય.’

‘પછી આવે અગોરા ફોબિયા જેમાં ભીડવાળી જગ્યામાં બીક લાગે, ક્રાઉડ હોય એવી જગ્યાએ ડર લાગે, બંધ લિફ્ટ કે બંધ રુમ હોય એમાં ડર લાગે, લોકોની વચ્ચે હોય ત્યારે એમ થાય કે મને કંઈક થઈ જશે તો!’, એમ ડૉક્ટર ભીમાણીએ કહ્યું હતું.

સ્પેસિફિક ફોબિયા વિશે સમજાવતા ડૉક્ટર ભીમાણીએ કહ્યું કે, ‘આ ફોબિયામાં વ્યક્તિને ચોક્કસ વસ્તુ કે ચોક્કસ પરિસ્થિતિનો ભય લાગે. કોઈને ગરોળીનો ફોબિયા હોય તો કોઈને વાંદાનો તો કોઈને અંધારાનો પણ હોય! આ ભય સાદો ભય ન હોય વિકૃત ભય હોય.’

ડૉક્ટર પ્રશાંતે આગળ કહ્યું કે, ‘સોશ્યલ ફોબિયા એક એવો ફોબિયા છે જ્યાં વ્યક્તિ લોકોની વચ્ચે હોય ત્યારે તેને ડર લાગે. લોકો મને જજ કરશે એવો ભય સતત મનમાં રહ્યાં કરે. હું બધાની વચ્ચે કેવો લાગીશ એ ડર રહ્યા કરતો હોય.’

જનરલાઇઝ ઍંગ્ઝાયટી ડિસઓર્ડર વિશે વાત કરતા ડૉક્ટર પ્રશાંત ભીમાણી કહે છે કે, ‘આ એક સતત ફિલિંગ હોય. મનમાં ઉચાટ અને ઉદ્વવેગ સતત રહ્યા જ કરે. અંદરથી મન શાંત ન હોય અને જીવને ઉચાટ રહે જ. આ ડિસઓર્ડરના લક્ષણો દેખાતા નથી હોતા.’

ઍંગ્ઝાયટી એક મનોવિકૃતિ જ છે એ ખરેખર લોકોએ સ્વિકારવાની જરુર છે.

mast rahe mann exclusive gujarati mid-day mental health health tips life and style columnists rachana joshi