09 September, 2024 03:30 PM IST | Mumbai | Rachana Joshi
તસવીર ડિઝાઇન: કિશોર સોસા
અમુક દાયકા પહેલાં ઍન્ગ્રી યંગ મેન માત્ર ફિલ્મોમાં જ જોવા મળતાં પણ હવે જમાનો બદલાતા આપણને બસમાં, ટ્રેનમાં કે રસ્તામાં દરરોજ આવા એકાદ પાત્રના દર્શન થાય છે. માત્ર એ જ નહીં પણ વાસ્તવિક જીવનમાં તમને સિંઘમની જેમ ‘આતા માઝી સટકેલ’ કહેતા અને એનિમલના રણવિજય સિંહ જેવા પાત્રો પણ આજુબાજુ ફરતાં જોવા મળશે, થેન્સ ટુ આજની આધુનિક જીવનશૈલી, જે ત્રણ ટી (T)થી વણાયેલી છે. પહેલો ટી ટેકનોલોજીનો, બીજો ટી ટ્રાન્સફોર્મેશનનો અને આ બંને થકી સતત આગળ રહેવાની હોડમાં રહેતા લોકો માટે ત્રીજો ટી ટેન્શનનો. આ વાત સવાલ ઊભો કરવા કે કોઈના માથે માછલાં ધોવા માટે અમે કરી નથી, મુદ્દો છે જવાબ શોધવાનો... મગજને શાંત રાખવાનો... લાંબાગાળાની માનસિક બીમારી ટાળવાનો... અને મનને મસ્ત રાખવાનો! ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે એક વિશેષ પેશકશ ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann) જેમાં આપણે દર પખવાડિયે એક નવા પ્રશ્ન સાથે મળીશું સાયકોલોજિસ્ટને અને તેમની પાસેથી જાણીશું મનને મસ્ત કેવી રીતે રાખવું!
‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann)ના ગત એપિસોડમાં આપણે સિનિયર કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણી (Dr. Prashant Bhimani) પાસેથી જાણ્યું હતું કે, ઍંગ્ઝાયટી એટલે શું? ઍંગ્ઝાયટી અને ડિપ્રેશનમાં ફરક શું છે? તેમણે જણાવ્યું હતું કે, ‘ઍંગ્ઝાયટી અને ડિપ્રેશન બન્ને જુદા છે. વ્યક્તિમાં ઍંગ્ઝાયટી અને ડિપ્રેશન બન્ને સાથે હોય એવું બની શકે. પરંતુ બન્ને એકબીજાથી બહુ જુદા છે. ઍંગ્ઝાયટી એટલે ડર વિષયક ચિંતા. જ્યારે ડિપ્રેશન એટલે ઉદાસી, ન ગમતી ફિલિંગ હોય, કારણ વગર રડવું આવે, મુડલેસ રહેવાય, મજા ન આવે, લોકોથી દુર જતા રહેવાની ઈચ્છા થાય, આપઘાત કરવાના વિચારો આવે તે ડિપ્રેશન છે.’ આજે આપણે આગળ વાત કરીશું કે, ઍંગ્ઝાયટીના લક્ષણો શું હોય છે અણે તેના પ્રકાર કેટલા છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann)માં વાતચીત કરતા સિનિયર કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણી (Dr. Prashant Bhimani) કહે છે કે, ‘ઍંગ્ઝાયટી એક મનોવિકૃતિ જ છે. રોજબરોજની જિંદગીમાં ડર અને કન્ફ્યુઝનની ફિલિંગ લાવે એને આપણે ઍંગ્ઝાયટી કહી શકાય. જો એના લક્ષણોની વાત કરીએ તો બિક, ભય, ચિંતા જે અકારણ હોય તે છે. આજકાલ લગભગ બધાને નાની-મોટી ઍંગ્ઝાયટી હોય જ છે. એના બે પ્રકારના લક્ષણો હોય છે. એક ફિઝયોલોજીકલ લક્ષણો હોય. જેમાં સેન્સેશન થાય, ધબકારા વધે, પરસેવો થાય. બીજા હોય છે સાયકોલોજીકલ લક્ષણો. જેમાં ભય, ન ગમતી ફિલિંગ હોય, ડર લાગવો વગેરે લક્ષણો હોય છે.’
ડૉક્ટર પ્રશાંત ભીમાણી આગળ કહે છે કે, ‘જ્યારે વ્યક્તિને અજ્ઞાત ફીઅર લાગે, હાથ-પગમાં ધ્રુજારી આવે, શરીરમાં પરસેવો થઈ જાય, માથું દુખે, હાર્ટ-અટેક આવશે એવું લાગે, મારી સાથે કંઈક ખરાબ થશે એવી ફિલિંગ સતત આવે એ બધા ઍંગ્ઝાયટીના લક્ષણો છે. ઍંગ્ઝાયટીના લક્ષણો ધરાવતા ૨૦ ટકા લોકોને પૅનિક અટૅક આવે છે. પૅનિક અટૅકના લક્ષણો હાર્ટ ટૅક જેવા જ હોય છે. જ્યારે દર્દીને પૅનિક અટૅક આવે ત્યારે તે હાર્ટનું ચૅકઅપ કરાવે તો તેનું ઈસીજી, સ્ટ્રેસ ટેસ્ટ - ટીએમટી બધું જ નોર્મલ આવે. કારણકે પૅનિક અટૅક સાયકૉલોજીકલ હોય છે.’
‘જે પણ વ્યક્તિને ચિંતા થતી હોય પણ તે ચિંતાનું કારણ ખબર ન હોય તો તે ચિંતાને ઍંગ્ઝાયટી સમજવું, ઉચાટ અને ઉદ્વેગની ફિલિંગ આવે, પુરતી ઊંઘ ન આવે, ઊંઘમાં ઝપકીને ઉઠી જવાય, ત્યારે તાત્કાલિક સાયકૉલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ.’, એવી સલાહ ડૉ. ભિમાણી આપે છે.
ઍંગ્ઝાયટીના પ્રકાર વિશે સમજાવતા ડૉક્ટર પ્રશાંત ભીમાણી કહે છે કે, ‘પૅનિક ડિસઓર્ડર, અગોરા ફોબિયા, સ્પેસિફિક ફોબિયા, સોશ્યલ ફોબિયા, જનરલાઇઝ ઍંગ્ઝાયટી ડિસઓર્ડર આટલા ઍંગ્ઝાયટીના પ્રકારો છે.’
છેલ્લે ડૉક્ટર પ્રશાંત ભીમાણી કહે છે કે, ‘ઍંગ્ઝાયટી રોગ બને તે પહેલા તેની સારવાર કરાવવી ખુબ જરુરી છે.’