Mast Rahe Mann: માત્ર ગૂગલ કરીને પોતાને કોઈ મેન્ટલ ડિસઓર્ડર છે તેવું માની લેવું કેટલું યોગ્ય?

07 October, 2024 02:37 PM IST  |  Mumbai | Viren Chhaya

Mast Rahe Mann: કેટલાક ડિસઓર્ડર બાબતે લોકોમાં ખૂબ મોટા પ્રમાણમાં ગેરસમજ છે તે વિશે મહિમા કોઠારીએ ગુજરાતી મિડ-ડે ડોટ કૉમ સાથે વાત કરીને જણાવ્યું હતું.

તસવીર ડિઝાઇન: કિશોર સોસા

અમુક દાયકા પહેલાં ઍન્ગ્રી યંગ મૅન માત્ર ફિલ્મોમાં જ જોવા મળતાં પણ હવે જમાનો બદલાતા આપણને બસમાં, ટ્રેનમાં કે રસ્તામાં દરરોજ આવા એકાદ પાત્રના દર્શન થાય છે. માત્ર એ જ નહીં પણ વાસ્તવિક જીવનમાં તમને સિંઘમની જેમ ‘આતા માઝી સટકેલ’ કહેતા અને એનિમલના રણવિજય સિંહ જેવા પાત્રો પણ આજુબાજુ ફરતાં જોવા મળશે, થેન્ક્સ ટુ આજની આધુનિક જીવનશૈલી, જે ત્રણ ટી (T)થી વણાયેલી છે. પહેલો ટી ટૅકનોલોજીનો, બીજો ટી ટ્રાન્સફોર્મેશનનો અને આ બન્ને થકી સતત આગળ રહેવાની હોડમાં રહેતા લોકો માટે ત્રીજો ટી ટેન્શનનો. આ વાત કોઈની સામે સવાલ ઊભો કરવા કે કોઈના માથે માછલાં ધોવા માટે કરી નથી, મુદ્દો છે જવાબ શોધવાનો... મગજને શાંત રાખવાનો... લાંબાગાળાની માનસિક બીમારી ટાળવાનો... અને મનને મસ્ત રાખવાનો! ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે વધુ એક વિશેષ પેશકશ ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann) જેમાં આપણે દર પખવાડિયે એક નવા પ્રશ્ન સાથે મળીશું સાયકૉલૉજિસ્ટને અને તેમની પાસેથી જાણીશું મનને મસ્ત કેવી રીતે રાખવું!

આજના એપિસોડમાં આપણે મળીશું કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ મહિમા કોઠારીને અને તેમની પાસેથી જાણીશું કે માનસિક સ્વાસ્થ્ય (Mast Rahe Mann) નું ધ્યાન રાખવા શું કરવું અને શા માટે માત્ર ગૂગલ પર બીમારીના લક્ષણો શોધીને તમને પણ કોઈ તકલીફ છે તેવું માની ન લેવું જોઈએ. તેમ જ દેશમાં એવા કેટલાક ડિસઓર્ડર બાબતે લોકોમાં ખૂબ મોટા પ્રમાણમાં ગેરસમજ છે તે પણ મહિમા કોઠારીએ ગુજરાતી મિડ-ડે ડોટ કૉમ સાથે વાત કરીને જણાવ્યું હતું.

આપણાં દેશમાં આજે લોકો પોતાના શરીરની કાળજી લેતા શીખી ગયા છે પણ માનસિક સ્વાસ્થ્યનું (Mast Rahe Mann) શું તે બાબતે લોકો વચ્ચે કેટલીક મુંઝવણ અને ગેરસમજ ફેલાયેલી છે. આ ગેરસમજણને દૂર કરવા માટે કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ મહિમા કોઠારીએ ગુજરાતી મિડ-ડે ડોટ કૉમ સાથે વાત કરીને અમુક પ્રશ્નોના જવાબ આપ્યા છે. મહિમા કોઠારી કહે છે કે “આજકાલ લોકો તેમની સાથે થતી દરેક બાબતને ગૂગલ કરે છે અને સર્ચના રિઝલ્ટ પ્રમાણે તેમની સાથે થતી બાબતો કોઈ પ્રકારની સમસ્યા છે તેવું માની લે છે. તેમ જ અનેક લોકો પોતાને ઓસીડી (Obsessive-compulsive disorder) અને પીટીએસડી (Post-traumatic stress disorder) છે એવું પણ કહી દે છે, જોકે બધા જ કેસમાં તેઓને કોઈ પ્રકારનું ડિસઓર્ડર છે તે સાચું હોતું નથી.
પીટીએસડી બાબતે મહિમા કોઠારી કહે છે કે “જો તમારા જીવનમાં બનેલી કોઈપણ ઘટના જેમ કે અકસ્માત કે અન્ય કોઈ ઘટના બાદ તમારી મેન્ટલ હેલ્થ (Mast Rahe Mann) પર થતી અસરને પીટીએસડી કહેવાય છે. ઓસીડી એટલે કોઈ એવી બાબતને રોજે રોજ સતત કરવી જેથી તમને થોડું સારું ફીલ થાય જેમાં દા.ત. કેટલાક લોકો દિવસ દરમિયાન અનેક વખત હાથ-પગ ધોય છે તેમ જ એવી વસ્તુ એક નહીં પણ અનેક વખત કરવાથી તમારી ઍંગ્ઝાયટી ઓછી થાય આવા પ્રકારના લક્ષણને ઓસીડી માની શકાય છે, જોકે તે માટે પણ અમુક ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ તે નિદાન થાય છે.

સાયકોલોજિસ્ટ મહિમા કોઠારી કહે છે કે લોકોના મનમાં એવો વહેમ બેસી ગયો છે ઓસીડી અને પીટીએસડી (Mast Rahe Mann) એ સૌથી સામાન્ય ડિસોર્ડર છે પણ એવું નથી. જો, તમને પણ કોઈ આ પ્રકારના લક્ષણો દેખાય છે તેઓ તેને કોઈ પ્રકારનું ડિસોર્ડર માની લેતા પહેલા કોઈ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે અને આ બે ડિસૉર્ડરની ચકાસણી કરવા માટે અમુક પ્રકારના ટેસ્ટ હોય છે જેમાં તમારા વર્તનનું લગભગ છ મહિના કે તેના કરતાં વધુ સમય સુધી નિરીક્ષણ કરી તમને કોઈ ડિસોર્ડર છે કે નહીં તેનું નિદાન કરવામાં આવે છે અને આ બાબતે સાયકોલોજિસ્ટની સલાહ લેવી તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. લોકો વધુ વિચાર કરીને તમને કોઈ પ્રકારનું ડિસોર્ડર છે તેવું ધારી લે છે. આ સાથે ઍંગ્ઝાયટી, ફોબિયા અને ડિપ્રેશનના લક્ષણોને લઈને પણ આવા જ પ્રકારની સમજણ લોકોમાં હોય છે. જોકે તમારી સાથે શું થઈ રહ્યું છે તેને માની લેવા કરતાં તમારી સાથે આ કેમ અને શા માટે થઈ રહ્યું છે તે બાબતને સમજીને આ અંગે સારવાર લેવી એક સારો ઉપાય હોય છે, એમ મહિમા કોઠારીએ કહ્યું હતું.

mast rahe mann mental health health tips exclusive viren chhaya life and style gujarati mid-day