midday

Mast Rahe Mann: વર્કલોડ, પ્રેશર, અસલામતી...? ગમે તે હોય આટલું કરવાથી કાર્યસ્થળે રહી શકશો હળવાફૂલ

25 March, 2025 07:02 AM IST  |  Mumbai | Dharmik Parmar

Mast Rahe Mann: માનસિક તણાવ ઓછ કરવા કામ અને વ્યક્તિગત જીવન વચ્ચે સ્પષ્ટ સીમાઓ હોવી જ જોઈએ. અને તે વ્યક્તિએ પોતે જ નકકી કરવાની છે.
તસવીર ડિઝાઇન: કિશોર સોસા

તસવીર ડિઝાઇન: કિશોર સોસા

અમુક દાયકા પહેલાં ઍન્ગ્રી યંગ મેન માત્ર ફિલ્મોમાં જ જોવા મળતાં પણ હવે જમાનો બદલાતા આપણને બસમાં, ટ્રેનમાં કે રસ્તામાં દરરોજ આવા એકાદ પાત્રના દર્શન થાય છે. માત્ર એ જ નહીં પણ વાસ્તવિક જીવનમાં તમને સિંઘમની જેમ ‘આતા માઝી સટકેલ’ કહેતા અને ‘એનિમલ’ના રણવિજય સિંહ જેવા પાત્રો પણ આજુબાજુ ફરતાં જોવા મળશે, થેન્સ ટુ આજની આધુનિક જીવનશૈલી, જે ત્રણ ટી (T)થી વણાયેલી છે. પહેલો ટી ટેકનોલોજીનો, બીજો ટી ટ્રાન્સફોર્મેશનનો અને આ બંને થકી સતત આગળ રહેવાની હોડમાં રહેતા લોકો માટે ત્રીજો ટી ટેન્શનનો. આ વાત સવાલ ઊભો કરવા કે કોઈના માથે માછલાં ધોવા માટે અમે કરી નથી, મુદ્દો છે જવાબ શોધવાનો... મગજને શાંત રાખવાનો... લાંબાગાળાની માનસિક બીમારી ટાળવાનો... અને મનને મસ્ત રાખવાનો! ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે એક વિશેષ પેશકશ ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann) જેમાં આપણે દર પખવાડિયે એક નવા પ્રશ્ન સાથે મળીશું સાયકોલોજિસ્ટને અને તેમની પાસેથી જાણીશું મનને મસ્ત કેવી રીતે રાખવું

આજે આપણે એ જોઈશું કે કાર્યસ્થળ પર વ્યક્તિ જે માનસિક (Mast Rahe Mann) રીતે પીડાય છે તેના વિશે. મોટેભાગે વ્યક્તિ જ્યાં નોકરી કે કામ કરતી હોય છે તે સ્થળે તે તણાવમાં મુકાઇ જાય છે કાં તો પછી હતાશ થઈ જાય છે.

કાર્યસ્થળ પર માનસિક તણાવની વાત આવે છે ત્યારે ત્યારે અચૂકપણે કાર્ય-જીવન વચ્ચે અસંતુલન હોવાનું જવાબદાર ગણાય છે. એટલે કે નિયમિત ધોરણે કામનું ભાર રહેવાથી ક્રોનિક સ્ટ્રેસ થવો. થાકી જવું કે હતાશ થઈ જવું. જ્યારે વ્યક્તિ પોતાનાં મન, શરીર અને આત્માને પોષણ આપતી પ્રવૃત્તિઓ તરફ બેદરકારી દાખવે છે ત્યારે આ અસંતુલન થતું હોય છે. નોકરી અને કામની જરૂરિયાતને કારણે પરિવાર અને મિત્રો સાથેના સંબંધો પણ જળવાતા હોતા નથી. ઘણીવાર તો શારીરિક સ્વાસ્થ્યની નબળાઈ પણ આ સંતુલન તરફ વ્યક્તિને દોરી જાય છે.

કાર્યસ્થળે માનસિક રીતે પીડાવા પાછળનાં કારણો ગમે તે હોઇ શકે. જેમ કે વધુ પડતા કામનું ભારણ, બૉસ કે અન્ય સહકર્મચારીઓનું અસમર્થન, નોકરી છૂટી જવાની ભીતિ તેમ જ વધતી અવાસ્તવિક અપેક્ષાઓ.

કાર્યસ્થળે કઈ રીતે માનસિક તણાવ (Mast Rahe Mann)ને ઓછો કરી શકાય તે મુદ્દે ગુજરાતી મિડડે ડૉટ કૉમને મુંબઇનાં ક્લિનિકલ સાયકોલોજિસ્ટ વિશાખા એન. પુંજાની કે જેઓ સાયન હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગમાં પ્રેક્ટિસ કરી રહ્યાં છે, તેઓ જણાવે છે કે એક તો વ્યક્તિએ થોડોક બ્રેક લેવો જોઈએ. કાર્યસ્થળે આખા દિવસ દરમિયાન વચ્ચે ટૂંકો બ્રેક લેવાથી મનને આરામ મળી જતો હોય છે. રોજિંદાં કાર્યોને યોગ્ય પ્રાથમિકતા આપવાથી પણ કામનું ભારણ હળવું થઈ જાય છે. જો વ્યક્તિ પોતાનાં કાર્યોને પ્રાથમિકતા આપે તો એક સમયે એક જ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકે અને બહુકાર્ય કરવાનું ટળી જાય. માનસિક તણાવ ઓછ કરવા કામ અને વ્યક્તિગત જીવન વચ્ચે સ્પષ્ટ સીમાઓ હોવી જ જોઈએ. અને તે વ્યક્તિએ પોતે જ નકકી કરવાની છે.

જરૂર પડ્યે આરામ કરવો અને હળવાફૂલ થવું

ક્લિનિકલ સાયકોલોજિસ્ટ વિશાખા એન. પુંજાની થોડાંક સ્વાસ્થ્યલક્ષી મુદ્દાઓ (Mast Rahe Mann) પણ ધ્યાન કેન્દ્રિત કરતાં કહે છે કે, કાર્યસ્થળે હાઇડ્રેટેડ રહેવું જોઈએ. એનર્જી લેવલ જાળવી રાખવા માટે ભરપૂર પાણી પીવું જોઈએ અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. સાથે જ શારીરિક પ્રવૃત્તિ જેમ કે બપોરના ભોજન સમયે થોડુંક વૉકિંગ અથવા યોગ કરવા જોઈએ. તેઓ તો માનસિક તણાવ ઘટાડવા અને કામ પર ધ્યાન વધે એ માટે ધ્યાન તેમ જ ઊંડા શ્વાસ જેવી માઇન્ડફુલનેસ તકનીકોનો પણ સહારો લેવાનું સૂચન કરે છે.

મૂળ તો જ્યારે આપણે કામના સ્થળે હળવાફૂલ રહેવાની વાત કરી રહ્યા છીએ ત્યારે એક મુદ્દા પર વધુ ભાર આપવાનો છે અને એ છે કે જ્યારે જરૂર પડે ત્યારે આરામ કરો અને થાકને ઓછો કરવો.

mast rahe mann mental health healthy living health tips yoga exclusive dharmik parmar