આજે બ્રશ કરવાનો કે શાવર લેવાનો ટાઇમ જ મળ્યો નહીં એવું ક્યારેય બોલો છો?

02 October, 2023 02:21 PM IST  |  Mumbai | Rashmin Shah

મરાઠી શોના સ્ટાર આયુષ સંજીવ દિવસના અઢાર કલાક કામ કર્યા પછી પણ આયુષ વર્કઆઉટ ટાળતો નથી

આયુષ સંજીવ

જો આપણે એવું ન બોલતા હોઈએ તો પછી આપણી પાસે હેલ્થ ઍક્ટિવિટી માટે શું કામ બહાનાં હોય છે એ સવાલ પૂછવાની સાથોસાથ વર્કઆઉટ તમારા રૂટીનનો ભાગ કેવી રીતે બને એનો પ્રૅક્ટિકલ રસ્તો ટીવી સિરિયલ ‘સ્વાભિમાન’થી લઈને ‘બૉસ માઝી લાડાચી’ અને ‘૩૬ ગુણી જોડી’ જેવા મરાઠી શોના સ્ટાર આયુષ સંજીવ પાસે છે. દિવસના અઢાર કલાક કામ કર્યા પછી પણ આયુષ વર્કઆઉટ ટાળતો નથી.

સવારે સાત વાગ્યે તમે શૂટિંગ માટે નીકળો અને રાતે દસ-અગિયાર વાગ્યે ઘરે આવો અને પછી કહો કે મને સમય જ નથી મળતો તો જસ્ટિફાય થાય?

એમ છતાં એ કારણ આપીને હું મારી પાસે ફિટનેસ માટે સમય નથી એવું બહાનું નથી કાઢતો, કારણ કે ભગવાને બધાને ચોવીસ કલાક આપ્યા છે અને એ ચોવીસ કલાકમાં તમારે મૅનેજ કરવાનું છે. મતલબ કે તમે જેટલા વધારે ફોકસ્ડ રહો એટલું વધારે સારી રીતે આ ચોવીસ કલાક પાસેથી કામ લઈ શકો. જે કરવાની તમારી ઇચ્છા નથી હોતી એના માટે જ તમારી પાસે સમય નથી હોતો, બાકી તમારે જે કરવું છે એના માટે સમય મળી જ જતો હોય છે. નાનપણથી આ વાત મને શીખવા મળી એટલે જે મહત્ત્વનું હોય એ દરેક માટે હું સમય કાઢી લઉં છું.

ડાન્સર હોવાને કારણે ફિટનેસ પ્રત્યેની માસભાનતા હંમેશાં અકબંધ રહી છે. આમ પણ મારું બૉડી ઍથ્લીટ ટાઇપ છે એટલે મારે એને માત્ર એને મેન્ટેઇન કરવાનું છે પણ એ માટે તમારે ઍક્ટિવ રહેવું પડે.

બ્રેઇન ગેમ છે બધી...| તમે ડેઇલી સોપમાં હો એટલે નૅચરલી તમારી પાસે સમયનો અભાવ હોય પણ એમ છતાં હું દિવસની મિનિમમ ત્રીસથી પચાસ મિનિટ હેલ્થ માટે કાઢી જ લઉં. ફાળવું છું એવું કહેવું મને યોગ્ય નથી લાગતું, કારણ કે હેલ્થને લગતી વાત તમારી લાઇફસ્ટાઇલ સાથે જ જોડાયેલી હોવી જોઈએ. જેમ કે રોજ પાંચ મિનિટ બ્રશ માટે કે જમવા માટે અડધો કલાક ફાળવું એવું આપણે નથી બોલતાં, કારણ કે એ જીવનનો હિસ્સો છે.

મોટા ભાગે રાતના સમયે હું યોગ કે ઍનિમલ ફ્લોની પ્રૅક્ટિસ કરતો હોઉં છું, જેને આપણે ફંક્શનલ ટ્રેઇનિંગ કહીએ છીએ એવી ફંક્શનલ ટ્રેઇનિંગના પાર્ટ તરીકે તમે ઍનિમલ ફ્લો કરો તો એમાં સ્ટ્રેંગ્થ બિલ્ડિંગ, ફ્લેક્સિબિલિટી, મસલ્સ સ્ટ્રેંગ્થનિંગ અને ફૅટ-લૉસ બધું જ શક્ય છે. એક્સરસાઇઝ કરવાનું એક ચોક્કસ રૂટીન હોવું જોઈએ એ વાત સાથે હું સહમત નથી. અફકોર્સ ફિક્સ ટાઇમ હોય તો સારું પણ ધારો કે ન હોય તો પણ તમે દિવસ દરમ્યાન જ્યારે પણ તમારું બ્રેઇન અને બૉડી રેડી હોય ત્યારે એક્સરસાઇઝ કરશો તો એનો બેનિફિટ મળશે જ મળશે. મારું માનવું છે કે એક્સરસાઇઝ અને ડાયટ એ બધો જ બ્રેઇનનો ખેલ છે. તમારું માઇન્ડ તૈયાર હશે તો જ તમે એક્સરસાઇઝ કરશો અને તો જ તમે ડાયટ પર પણ ધ્યાન આપશો.

સિમ્પલ ફૂડ, બેસ્ટ ફૂડ| આપણે ત્યાં કહેવાય છે કે હંમેશાં બ્રેકફાસ્ટ રાજા જેવો, લંચ શેઠ જેવું અને ડિનર સેવક જેવું હોવું જોઈએ. આ નિયમને હું બરાબર પાળું છું. મને લાગે કે ઇન્ડિયન ફૂડ ખૂબ જ હેલ્ધી અને કમ્પ્લીટ ફૂડ છે. તમારે ફૅન્સી સૅલડ અને ફૅન્સી ગ્રેઇન્સના ચક્કરમાં પડવાની જરૂર જ નથી. સિમ્પલ દાલ, રાઇસ, સબ્ઝી અને ચપાતી સાથે દહીં કે છાશ હોય તો પણ તમારા શરીરને જોઈતાં પોષક તત્ત્વો મળી જશે.

મૅક્સિમમ હેવી ફૂડ બ્રેકફાસ્ટમાં ખાવાનું અને લાઇટ ફૂડ ડિનરમાં ખાવાનું આ નિયમ હું રિલિજિયસલી પાળું છું. મને એનાથી મદદ મળી છે. સ્વીટ ટેસ્ટ મને બહુ ભાવે પણ પ્રોસેસ્ડ શુગરવાળી મીઠાઈઓ હું મહિનામાં માંડ એક વાર ખાતો હોઈશ. હું દરેકને કહીશ કે રિફાઇન્ડ અને પ્રોસેસ્ડ શુગર હોય એ તમામ આઇટમ આજે જ બંધ કરી દો. મીઠાશ ભાવતી હોય તો નૅચરલ ફ્રૂટ્સ ખાઓ, ડ્રાયફ્રૂટ્સની નૅચરલ શુગરવાળી મીઠાઈઓ ખાઓ, કારણ કે આપણી ફૂડ પૅટર્નથી જ આપણું ફ્યુચર નક્કી થાય છે અને એ પણ નક્કી થતું હોય છે કે આપણે કઈ-કઈ અને કેવી-કેવી લાઇટસ્ટાઇલ બીમારીઓને આમંત્રણ આપી શકીએ એમ છીએ.

health tips life and style columnists Rashmin Shah