26 February, 2024 09:09 AM IST | Mumbai | Dr. Sushil Shah
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૫૨ વર્ષ છે. મને હાલમાં કૉલેસ્ટરોલની તકલીફ આવી છે. ટોટલ કૉલેસ્ટરોલ ૨૫૦ જેટલું આવ્યું છે. મેં તેલ-ઘીનું પ્રમાણ સાવ બંધ કરી દીધું છે. મને ગ્રેડ ટૂ ફૅટી લિવર પણ છે. એના સિવાય બીજી કોઈ તકલીફ હજી આવી નથી. મને દવા શરૂ કરવામાં વાંધો નથી, પરંતુ એક વાર દવા ચાલુ થઈ એટલે જીવનભર લેવી જ પડશે કે હું કોઈ ઉપાયે એને દૂર કરી શકું? આ લેવલને ઘટાડવું હોય તો શું કરવું?
પહેલી વાત તો એ કે તેલ-ઘી તદ્દન બંધ કરવાનું ગાંડપણ રહેવા દો. જે ખોરાકમાંથી કૉલેસ્ટરોલ મળે છે એ કુલ કૉલેસ્ટરોલનો ૩૦ ટકા જેટલો ભાગ હોય છે. બાકીનું ૭૦ ટકા કૉલેસ્ટરોલ લિવર બનાવે છે. આમ જો કોઈ વ્યક્તિનું કૉલેસ્ટરોલ ૨૦૦ આવે અને તે સાવ ફૅટ ખાવાનું બંધ કરી દે તો પણ તેનું કૉલેસ્ટરોલ ૧૪૦ રહેશે જ. એનો અર્થ એ થયો કે ખોરાકથી વધુ ફરક પડતો નથી. ઘણા લોકોનું લિવર જ વધુ કૉલેસ્ટરોલ બનાવતું હોય છે. આ સંજોગોમાં લિવર સારી ક્વૉલિટીનું કૉલેસ્ટરોલ બનાવે, નિયંત્રિત માત્રામાં બનાવે એ જરૂરી છે. તમને ગ્રેડ ટૂ ફૅટી લીવર છે. તો એ માટે એ સમજવાનું છે કે જે લોકોને કૉલેસ્ટરોલની તકલીફ છે એ લોકો એની દવા ખાય છે. જો આ કૉલેસ્ટરોલની દવા તમે લાંબો સમય લેશો તો એ દવાની સાઇડ ઇફેક્ટરૂપે તેમને ફૅટી લિવરની સમસ્યા આવી શકે છે જે તમારા કેસમાં વધશે. બીજી તરફ જેમને ફૅટી લિવર હોય તેમના લિવરનું કામ ખોરવાય છે, જેના ભાગરૂપે તેમને કૉલેસ્ટરોલ વધી શકે છે. આમ આ બંને રોગ પરસ્પર જોડાયેલા છે.
આ સંજોગોમાં એક્સરસાઇઝ, સ્ટ્રેસ-ફ્રી લાઇફ, વ્યવસ્થિત ઊંઘ, સમતોલ આહાર, સ્મોકિંગ અને આલ્કોહૉલનું સેવન ન કરીને લાઇફસ્ટાઇલ સુધારવાથી ઘણાં સારાં પરિણામો મળી શકે છે. આ બધી જ વસ્તુઓ પર ધ્યાન દઈએ તો ચોક્કસ કૉલેસ્ટરોલના ઉત્પાદનમાં ફરક પડે છે. સૌથી પહેલાં વ્યક્તિનું ફૅટ મેટાબોલિઝમ સુધારવું પડે છે. એટલે કે શરીરમાં ઉપયોગી ફૅટ્સ મળી રહે અને બિનજરૂરી ફૅટ્સ જમા ન થાય એનું જે બૅલૅન્સ છે એ ખોરવાવું ન જ જોઈએ. જો એ ખોરવાઈ ગયું હોય તો એને સુધારવું પડે. આમ જો તમે દવા ચાલુ કરી હોય અને જીવનભર એ ન લેવા માગતા હો તો એની સાથે સંપૂર્ણ લાઇફસ્ટાઇલ સુધારો. એક્સપર્ટની મદદ પણ લઈ શકો છો. તમને હમણાં જ કૉલેસ્ટરોલનો પ્રૉબ્લેમ આવ્યો હોય તો એને પાછું ધકેલવું સરળ છે.