ખરેખર શરીરની ક્લૉકને ચલાવતી બૅટરી છે પ્રકાશ

03 January, 2025 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સર્કાડિયન રિધમમાં મુખ્ય વસ્તુ છે લાઇટ. પ્રકાશ આધારિત આ ઘડિયાળ છે.

પ્રતીકાત્મક તસવીર

આપણે આપણાં બધાં કામ ઘડિયાળના કાંટે કરતા હોઈએ છીએ. હવે જો એક દિવસ એવો વિચારો કે આપણે ઘડિયાળ વિહોણા થઈ જઈએ તો? અથવા આપણી ઘડિયાળ બરાબર સમય જ ન બતાવે અને બીજી કોઈ જગ્યાએથી આપણને સમય ખબર જ ન પડે તો? તો આપણું દૈનિક જીવન ખોરવાઈ જાય. કયા સમયે શું કરવું એ સમજાય જ નહીં. આ ઘડિયાળની જેમ જ આપણા શરીર પાસે પણ એક પોતાની ક્લૉક છે જેને સર્કાર્ડિયન ક્લૉક કે સર્કાડિયન રિધમ કહે છે. શરીરમાં ઊંઘ આવવી, ઊંઘ ઊડવી, ભૂખ લાગવી અને શરીરના તાપમાનના નિયંત્રણનું કામ આ ઘડિયાળ કરે છે. આપણા જીવનમાં એક તાલ છે જે ખોરવાઈ જાય અથવા તો કહીએ કે એ ઘડિયાળ મુજબ આપણે ન ચાલીએ તો આપણું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. ઘણા લોકોને ઊંઘ આવતી નથી હોતી, આવે તો ખૂબ મોડી આવે, ઘણા લોકોને ઊઠવામાં તકલીફ થતી હોય છે. અલાર્મનું બટન સ્નૂઝ થયા જ કરે અને ઊંઘ ઊડે જ નહીં.

સર્કાડિયન રિધમમાં મુખ્ય વસ્તુ છે લાઇટ. પ્રકાશ આધારિત આ ઘડિયાળ છે. સૂર્યના પ્રકાશ સાથે આમ તો એ સંકળાયેલી છે પરંતુ આપણી ટ્યુબલાઇટના પ્રકાશની પણ એ જ અસર થાય છે એના પર. લાઇટ સાથે જોડાયેલી હોવાને કારણે એનો સીધો સંબંધ આંખ સાથે છે. આંખની કીકીમાંથી પ્રકાશ જેવો અંદર દાખલ થાય કે શરીરમાં મેલૅટોનિનનું ઉત્પાદન બંધ થાય જેથી ઊંઘ ઊડે. એ જ રીતે જેમ પ્રકાશ આંખની કીકીમાંથી અંદર જવાનું બંધ થાય એમ શરીરમાં ઊંઘ લાવનાર હૉર્મોન મેલૅટોનિનનું ઉત્પાદન વધે, જેને લીધે વ્યક્તિને ઊંઘ આવે અને તે સૂઈ શકે. આ એની મુખ્ય વ્યવસ્થા છે. જો આ વ્યવસ્થા ખોરવાઈ જાય તો વ્યક્તિને સમય પર ઊંઘ ન આવે અને સમય પર ઊંઘ ન ઊડે. આપણા શરીરમાં દરેક અંગનું કામ બીજા અંગ પર અસરકર્તા છે જ. આમ જો એક અંગની કાર્યક્ષમતા બરાબર નથી તો બીજાં અંગો પર પણ એની અસર થવાની જ છે. જો તમારે તમારી ઘડિયાળ સ્વસ્થ રાખવી હોય તો સૂર્યની સાથે જેમ પ્રકૃતિ જીવે છે એવું જીવન અપનાવો. સૂર્ય ઊગે ત્યારે ઊઠો અને એ અસ્ત થાય ત્યારે એટલે કે રાત્રે જાગરણ બંધ કરો. રાત્રે વધુપડતી લાઇટ્સમાં રહેવાનું બંધ કરો. રાત્રે બને એટલું સ્ક્રીનથી દૂર રહો. સૂવાના ૧ કલાક પહેલાં જો તમે સ્ક્રીન ટાઇમ બંધ કરી દો તો એ બેસ્ટ ગણાશે. શરીરની ઘડિયાળ બગડવી ન જોઈએ. એ વ્યવસ્થિત ચાલતી રહે એ માટે એની બૅટરી એટલે કે પ્રકાશનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જરૂરી છે. 

- ડૉ. સુશીલ શાહ

health tips life and style columnists