16 April, 2024 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હાલમાં મારા એક દરદી મારી પાસે આવ્યા અને કહ્યું કે તેમનો ૪ વર્ષનો દીકરો જમતો જ નથી, એક જગ્યાએ પગ વાળીને બેસતો જ નથી. નાનો હતો ત્યારે તે વ્યવસ્થિત જમતો હતો, જેમ-જેમ તે મોટો થતો જાય છે એમ તેનું જમવાનું કંઈ ઠેકાણું જ નથી. તેની મમ્મી તેને દરરોજ ખિજાઈને પરાણે જમાડે છે, તો પણ તે ખૂબ ઓછું ખાય છે. તેને ભૂખ કેમ નથી લાગતી એ વાતની તેની મમ્મીને ભરપૂર ચિંતા હતી. બાળક જમે જ નહીં તો પેરન્ટ્સને ઘણી ચિંતા થતી હોય છે. ઘણાં બાળકો એવાં છે જેમને કંઈ પણ આપો તો તે ખાતાં જ નથી, જાણે કે તેમને ભૂખ જ નથી હોતી. જ્યારે મેં તેમને તેમનું રૂટીન પૂછ્યું ત્યારે મને સમજાયું કે તેમનું બાળક કેમ ખાતું નથી.
એ વાત સાચી છે કે બાળકના ન જમવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે. પહેલાં તો એ કારણ તપાસવું જરૂરી છે. બાળક જમતું ન હોવાનું એક કારણ એ છે કે તમે તેને દર બે કલાકે ખવડાવો છો. તેનો ખોરાક પચે અને ભૂખ લાગે એ પહેલાં તો તેની પાસે બીજો કોઈ ખોરાક આવી જતો હોય છે, આ યોગ્ય નથી. બાળકને ભૂખ લાગવા દો. ઘણા એવી દલીલ કરશે કે મારું બાળક તો આખો દિવસ રમ્યા કરશે, તેને ભૂખ લાગશે જ નહીં અને તે ખાવાનું માગશે જ નહીં. એકાદ દિવસ એવો જાય તો જવા દો. સો ટકા કોઈ બાળક આખો દિવસ ભૂખ્યું ન રહી શકે. તે ચોક્કસ ખાવાનું માગશે. તે માગે ત્યારે જ તેને ખોરાક આપો. તમને લાગે કે તેને તો રમવું હોય એટલે તેને સમજ જ નહીં પડે કે તેને ભૂખ લાગી છે; પરંતુ એવું નથી, તેને સમજ પાડવી પડશે. તમે તેને ચાન્સ આપશો તો તે સમજ ડેવલપ કરશે. મને ભૂખ લાગી છે અને મારું પેટ ભરાઈ ગયું આ બન્ને વસ્તુઓની સમજ બાળકોમાં ડેવલપ કરવી પડે છે.
ઘણી મમ્મીઓ એ પણ ફરિયાદ કરે છે કે તેમનું બાળક જાતે જમતું નથી. એની પાછળનું એક કારણ એ છે કે તમે પોતે દર બે કલાકે તેને ખવડાવવા બેસી જશો, તેને ભૂખ જ નહીં હોય તો એ જાતે શું કામ ખાય? થોડું પાકું મન કરીને તેને ભૂખ્યું રહેવા દો. તેની ભૂખ ઉઘડવાની રાહ જુઓ. કોઈ પણ સજીવ એક સમયથી વધુ ભૂખ્યો ન રહી શકે. બાળક ભૂખ્યું થાય પછી જ તેની સામે થાળી મૂકવી. પછી જુઓ તે જાતે ખાય છે કે નહીં. ભૂખનો અહેસાસ કોઈ પણ સજીવ માટે જરૂરી છે તેને એ કરવા દો.
અહેવાલ : ડૉ. ઝીનલ ઉનડકટ