ટીનેજ બાળકોમાં આવતી તકલીફ ઇન્સ્યુ​લિન રેઝિસ્ટન્સને ઓળખતાં શીખો

06 June, 2024 07:30 AM IST  |  Mumbai | Dr. Yogita Goradia

જો તમારા ઘરમાં ટીનેજ બાળક હોય તો તમે ખાસ તેના પેટનું ધ્યાન રાખો. પેટનો ઘેરાવો જો વધ્યો તો એનો અર્થ એ છે કે એના પર ઇન્સ્યુ​લિન રેઝિસ્ટન્સની તકલીફ વધી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

બાળકોમાં ઓબેસિટી એ નવું પેન્ડેમિક છે. ૧૦૦માંથી આઠ બાળકો ઓબીસ છે જે ખૂબ ખતરનાક આંકડો છે. ઓબેસિટી પહેલાંની કન્ડિશન એટલે ઓવરવેઇટ. એની શરૂઆતમાં જ તમે કામ શરૂ કરી દો તો ઓબેસિટી સુધી પહોંચવાનું ટળે. અર્લી પ્યુબર્ટીનો સીધો સંબંધ ઓબેસિટી સાથે છે. એવાં ઘણાં બાળકો છે જેઓ પેન્ડેમિક પછી ઘરમાં રહીને જાડાં થઈ ગયાં છે. ઘણા વડીલો માને છે કે બાળકો છે, ભલે અત્યારે જાડાં થાય; મોટાં થઈને દૂબળાં થઈ જ જશે. જોકે એવું નથી. તેમના ગ્રોથ-યર્સમાં વધુ પડતું વજન તેમના વિકાસને ખોરવે છે.

જો તમારા ઘરમાં ટીનેજ બાળક હોય તો તમે ખાસ તેના પેટનું ધ્યાન રાખો. પેટનો ઘેરાવો જો વધ્યો તો એનો અર્થ એ છે કે એના પર ઇન્સ્યુ​લિન રેઝિસ્ટન્સની તકલીફ વધી. આ તકલીફનાં ચિહનો દેખીતાં છે. બાળકની બગલનો રંગ જરૂર કરતાં વધુ કાળો થઈ ગયો હોય, તેની ડોક ખૂબ જ કાળી થઈ જાય, તેનાં આંગળાંના ઉપરના ભાગ પર જે હાડકાં છે ત્યાં એકદમ કાળાશ પડતા ડાઘ જેવું લાગે તો સમજો કે તમારા બાળકને ઇન્સ્યુ​લિન રેઝિસ્ટન્સ છે. આ પ્રકારની કાળાશ આવી જવાની તકલીફને એકેન્થોસિસ નીગ્રીકેન્સ કહેવાય છે. ઘણી વખત લોકો બાળકો છે એમ માનીને ગંભીરતા લાવતા નથી. તડકામાં રમ્યું હશે તો કાળું થઈ ગયું હશે એમ લોકોને લાગે છે. જોકે એવું નથી. આ એક ક​ન્ડિશન છે જે સૂચવે છે ભવિષ્યમાં આવતા રોગને.

જો આ ચિહનો તમે તમારા બાળકમાં જુઓ તો સમજો કે અત્યારે કામ ન કર્યું તો બાળકને ભવિષ્યમાં મોટું નુકસાન થશે અને પછી પસ્તાવો થાય એના કરતાં અત્યારે જ જાગી જાઓ. ઇન્સ્યુ​લિન રેઝિસ્ટન્સ દૂર કરવા બાળકનું વજન ઓછું કરવું અનિવાર્ય છે. ખૂબ જ કડક બનીને પણ જો તમારે બાળકનું વજન ઉતારવું પડે તો એ તેના માટે હિતકારી જ થશે. તેને જે ખાવું હોય એ ખાવા દેવાનો આ સમય નથી. રેગ્યુલર એક્સરસાઇઝ, સ્પોર્ટ્સ, હેલ્ધી ખોરાક અત્યંત જરૂરી છે. જો તમે તેનું વજન ઓછું ન કરી શકતા હો તો આવા સમયે પ્રોફેશનલ હેલ્પ લો, પણ રેઝિસ્ટન્સનાં ચિહનો દેખાય તો તાત્કાલિક વજન ઓછું કરવું જરૂરી છે.

ઇન્સ્યુલિન એક હૉર્મોન છે જે ગ્લુકોઝના પાચન માટે કામ કરે છે અને દરેક કોષ સુધી એ એનર્જી પહોંચાડે છે. એનું કામ ખોરવાય ત્યારે ઇન્સ્યુ​લિન રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે. આ તકલીફ ભવિષ્યમાં બાળકમાં ડાયાબિટીઝનું કારક બને છે. એટલે જો તમારા બાળકને આ તકલીફ હોય તો જેટલા જલદી તમે ચેતશો એટલું તેના માટે સારું છે. નહીંતર ઘણી હૉર્મોન સંબંધિત તકલીફો પણ વજન સાથે અને ઇન્સ્યુલિનના આ પ્રૉબ્લેમ સાથે તેને નડશે. 

health tips life and style columnists