18 October, 2024 04:10 PM IST | Mumbai | Laxmi Vanita
ગ્રીન ટી
ગ્રીન ટી અને જુદા-જુદા પ્રકારની વનસ્પતિમાંથી બનતી ચાનું પ્રમોશન એવા જોરશોરથી થાય છે કે લોકોનાં ઘરમાં તમને એક્ઝૉટિક ગ્રીન ટીનાં પૅકેટ જોવા મળી જશે. એના ફાયદાઓની ચાડી ખાતા બ્લૉગ્સ, વિડિયો અને આર્ટિકલ પણ મળી જશે. પણ એની આડઅસર કે માન્યતા વિશે સર્ચ કરશો તો બહુ જ ઓછી માહિતી મળશે. અમુક લોકો કૅફિનથી દૂર રહેવા દૂધની ચા અને કૉફી અવગણીને ગ્રીન ટી પીવા લાગે છે અને અમુક લોકો વજન ઉતારવા માટે પીતા હોય છે. પરંતુ શું વજન ઉતારવાની જર્નીમાં ગ્રીન ટી મદદરૂપ થાય છે ખરી? ઘણા એક્સપર્ટ અને રિસર્ચરોનું કહેવું છે કે ગ્રીન ટીથી વજન ઉતારવામાં સો ટકા મદદ મળે જ એવા કોઈ સચોટ પુરાવા હજી સુધી નથી મળ્યા. ત્યારે આપણે ગ્રીન ટી વિશેની ગેરમાન્યતા દૂર કરીને એના વાસ્તવિક ફાયદા વિશે વાત કરીએ.
અંધેરીમાં ૧૩ વર્ષથી પ્રૅક્ટિસ કરતાં સ્પોર્ટ ન્યુટ્રિશનિસ્ટ અને સર્ટિફાઇડ ડાયાબિટીઝ એજ્યુકેટર અને પિલાટેઝ કોચ રમીસા પુંજાણી કહે છે, ‘ગ્રીન ટી મૅજિક ડ્રિન્ક નથી. માત્ર ગ્રીન ટીથી વજન ઊતરતું નથી. વજન ઉતારવા માટે ફૂડ પર કન્ટ્રોલ ન હોય તો ગમે એટલી ગ્રીન ટી પીઓ વજન ઊતરવાનું જ નથી. કહેવાનો અર્થ એમ છે કે તમે દરરોજ સમતોલ આહાર લેતા હો, કૅલરી કન્ટ્રોલ કરતા હો, એક્સરસાઇઝ કરતા હો અને હેલ્ધી લાઇફસ્ટાઇલ અનુસરતા હો તો એમાં ગ્રીન ટી એક સપોર્ટિવ એલિમેન્ટ બની શકે છે. એક ડાયટિશ્યન તમને ક્યારેય માત્ર ગ્રીન ટીથી વજન ઊતરી જશે એવું પ્રૉમિસ નહીં કરે.’
જે પણ ડ્રિન્કના નામમાં ટી શબ્દ આવે એટલે એમાં કૅફિનની હાજરી હોય જ છે. ગ્રીન ટીમાં પણ કૅફિન હોય છે. ૨૩૦ મિલીલિટર એટલે કે એક મોટા મગમાં લીધેલી ગ્રીન ટીમાં ૩૦થી ૫૦ મિલીગ્રામ જેટલું કૅફિન હોય છે જે એક કપ કૉફીની સરખામણીએ ખૂબ જ ઓછું છે. એક કપ કૉફીમાં ૯૫થી ૨૦૦ મિલીગ્રામ જેટલું કૅફિન હોય છે.
આટલા ફાયદા તો છે જ: રમીસા પુંજાણી, ન્યુટ્રિશનિસ્ટ
દિવસભરનું સ્ટ્રેસ અને પ્રદૂષણને કારણે ત્વચા પર જે ખીલ નીકળે છે એમાં ગ્રીન ટીમાં રહેલાં ઍન્ટિઑક્સિડન્ટ્સ અને વિટામિન C અને E મદદરૂપ થાય છે.
ત્વચાનાં ફ્રી રૅડિકલ્સ એટલે કે સાદી ભાષામાં નુકસાનકારક કોષો સામે લડત આપે છે જેથી ગ્રીન ટી ઍન્ટિએજિંગનું કામ કરે છે તેમ જ ત્વચાને બ્રાઇટ બનાવે છે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
ગ્રીન ટી અન્ય પરિબળો સાથે મળીને મેટાબોલિઝમ એટલે કે ખોરાકને પચાવવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ કરે છે.
જોકે ત્વચા કે હેલ્થની કાળજી માટે એક રૂટીન ફૉલો કરતા હશો તો જ ગ્રીન ટીનું સેવન સારા પરિણામને બૂસ્ટ કરે છે. ગ્રીન ટી આપણા ડાયટ-પ્લાનમાં ઉમેરેલું એક હેલ્ધી ડ્રિન્ક છે એટલે બધાં સંયોજનોની સાથે મળીને કામ કરે છે.